Mon Jun 15 2026

Logo

સુપર ઓવરમાં હાર્યા પછી વૈભવ સૂર્યવંશી શ્રીલંકાના ખેલાડીઓ સાથે બાખડી પડ્યો: મેદાન પર જોરદાર થયો વિવાદ

Dambulla   2026-06-15 19:50:00
Author: mumbai samachar team
Article Image

દામ્બુલાઃ ઈન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં વિજેતાનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. જ્યાં યજમાન શ્રીલંકા-એનો સાત રનથી વિજય થયો હતો અને જીત સાથે શ્રીલંકા-એ એ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. બંને ટીમોએ નિર્ધારિત 50 ઓવરમાં 265-265 રન કર્યા હતા જેના કારણે મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર રમવી પડી હતી, પરંતુ એ મેચ હાર્યા પછી ક્રિકેટ મેદાન જાણે યુદ્ધમેદાન બની ગયું હોય એવા કિસ્સા બન્યા હતા.

સુપર ઓવરમાં શ્રીલંકા-એની ટીમે 16 રન કર્યા હતા જેના જવાબમાં ઈન્ડિયા-એ ફક્ત નવ રન કરી શક્યું હતું. સુપર ઓવરમાં સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી ભારતને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. ભારતીય ટીમ હવે 17 જૂને પોતાની અંતિમ લીગ મેચમાં અફઘાનિસ્તાન-એનો સામનો કરશે. 

શ્રીલંકા એની આ જીત થતાની સાથે શ્રીલંકના ખેલાડીઓ મેદાન પર વિજય મનાવી રહ્યા હતા, પરંતુ વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરવાને કારણે વૈભવ નારાજ થયો હતો. એના પછી શ્રીલંકન ખેલાડી અને વૈભવ વચ્ચે વિવાદ થયો હતો, પરંતુ એ વખતે સૂર્યાંશ શેડગેએ વૈભવ પાછળથી ખેંચી લીધો હતો, પરંતુ વૈભવ મેદાન છોડવા તૈયાર નહોતો. મેદાનમાં હાઈ ડ્રામા થયા બાદ મામલો શાંત પડ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા-એ એ પોતાની પહેલી મેચમાં શ્રીલંકા-એને 8 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ તેઓ વરસાદથી પ્રભાવિત મેચમાં ડીએલએસ પદ્ધતિ હેઠળ અફઘાનિસ્તાન-એ સામે 4 રનથી હારી ગયા. હવે શ્રીલંકા-એ સામે હાર્યા બાદ ઈન્ડિયા-એનો ફાઇનલમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.

266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-એ તરફથી નિરોશન ડિકવેલા અને અવિષ્કા ફર્નાન્ડોએ સારી શરૂઆત અપાવી હતી. ભારતને પહેલી સફળતા અવિષ્કા ફર્નાન્ડો (22 રન) ના રૂપમાં મળી, જેને નિશાંત સિંધુએ આઉટ કર્યો. ત્યારબાદ વિશેન હલંબગે (17 રન) ને આયુષ બદોનીએ આઉટ કર્યો. 

ડિકવેલા (37 રન) સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે વિપ્રજ નિગમનો શિકાર બન્યો હતો. સહાન અરાચીગે (8 રન) અને અહાન વિક્રમસિંઘે (6 રન) પણ ખાસ કંઈ કરી શક્યા નહીં. શ્રીલંકા-એનો સ્કોર પાંચ વિકેટે 143 રન થઈ ગયો હતો.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં સદીરા સમરવિક્રમા અને વાનુજા સહાને ટીમને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. આયુષ બદોનીએ સહાન (25 રન) ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. વાનુજાના આઉટ થયા પછી સદિરાએ વિજયકાંત વ્યાસકાંત સાથે મળીને સાતમી વિકેટ માટે મહત્વપૂર્ણ 35 રન ઉમેર્યા. વિજયકાંત વ્યાસકાંત (18 રન) અનુકુલ રોયનો શિકાર બન્યો હતો.

ત્યાંથી સદિરાએ સમરવિક્રમા અને ચમિકા ગુણાશેકરાએ 32 રન ઉમેરી શ્રીલંકા-એની આશા જીવંત રાખી. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં જીત માટે 5 રનની જરૂર હતી. તે ઓવરમાં અરશદ ખાને સદિરાના સમરવિક્રમા (93 રન) ને બોલ્ડ કરીને મેચનો અંત લાવી દીધો. શ્રીલંકાને છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી, પરંતુ ગુણશેકરા બીજો રન પૂર્ણ કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થઈ ગયો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા-એ એ 49.2 ઓવરમાં 265 રન કર્યા હતા. ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે ઇનિંગની શરૂઆત કરી. જોકે, વૈભવ 14 બોલમાં 21 રન કરીને આઉટ થયો. પહેલી વિકેટ 29 રન પર પડી હતી. પ્રભસિમરન સિંહ પણ લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો. 

તે 11 રન (13 બોલ) કરીને આઉટ થયો. કેપ્ટન તિલક વર્મા આ મેચમાં 23 રન કરીને માથુલનના બોલ પર આઉટ થયા. ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં પણ મોટી ઇનિંગ રમવા માટે તૈયાર હતો, પરંતુ સ્પિનર વિજયકાંત વ્યાસકાંતે તેને આઉટ કર્યો હતો. ઋતુરાજે ત્રણ ચોગ્ગાની મદદથી 42 બોલમાં 37 રન કર્યા હતા.

આયુષ બદોની (15 રન) અને નિશાંત સિંધુ (6 રન) પણ બેટિંગમાં ખાસ યોગદાન આપી શક્યા નહીં, જેના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ઓલરાઉન્ડર અનુકુલ રોયે પણ નિરાશ કર્યા, ફક્ત આઠ રન કર્યા હતા. બાદમાં સૂર્યાંશ શેડગે અને વિપ્રજ નિગમે આઠમી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી ભારતીય ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. 

વિપ્રજ નિગમે છ ચોગ્ગાની મદદથી 49 બોલમાં 51 રન કર્યા હતા. સૂર્યાંશ શેડગેએ 66 બોલમાં 72 રન ફટકાર્યા હતા. શ્રીલંકા એ તરફથી વિજયકાંત વ્યાસકાંત અને મોહમ્મદ શિરાઝે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.