Wed Sep 02 2026

Logo

રાજકોટના મેયર ઉકળ્યા, ખોરાકમાં ભેળસેળ કરતા 'આતંકવાદીઓ'ને છોડવામાં નહીં આવે

2026-06-15 15:18:18
Author: Pooja Shah
રાજકોટના મેયર ઉકળ્યા, ખોરાકમાં ભેળસેળ કરતા 'આતંકવાદીઓ'ને છોડવામાં નહીં આવે

રાજકોટઃ શરીરને સ્વસ્થ રાખવામાં સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ મહત્વનો છે, પરંતુ બહાર મળતી ભોજનની સામગ્રી અને ભોજન બન્નેમાં ભેળસેળના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. હજારો કિલો ઘી, પનીર, મસાલા, ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓ તેમ જ લારીગલ્લાથી માંડી મોટી રેસ્ટોરાંમાંથી પણ વાંસી અને અખાદ્ય પદાર્થો મળી આવે છે ત્યારે રાજકોટના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લાએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે અને ખોરાકમાં ભેળસેળ કરનારાઓને આંતકવાદી રહ્યા છે. 

રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ કમિશનર તુષાર સુમેરાની સાથે શુક્લ પણ હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે હું કાયદાનો માણસ છું અને મને ખબર છે કે અમારી સત્તા શું છે. રોજના દસ હજાર રૂપિયાના દંડથી લઈ અને સતત સાત દિવસ સુધી જે તે એકમને સિલ પણ કરી શકાય છે.  એ ઉપરાંતના કડક પગલાં પણ લેવામાં લેવાની ચિમકી પણ તેમણે આપી હતી. 


સામાન્ય રીતે જ્યારે પણ ખાણીપીણીના આઉટલેટ્સ પર રેડ પડે છે ત્યારે નાના નાના લારીવાળાઓ કે ફૂડ આઉટલેટ્સ પર કાર્યવાહી કરી તંત્ર સંતોષ માની લે છે, પરંતુ શુકલએ આ મામલે નવો ચિલો ચાતર્યો છે. તેમણે જણાવ્યું છે કે મનપાની એક ખાસ નિમયિત ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. આ ડ્રાઈવ નાના લારીવાળીથી નહીં, પરંતુ મોટા રેસ્ટોરાંની તપાસથી શરૂ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મનપાની 8 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ સાથે ટેસ્ટિંગ સમયસર થાય તે માટે મનપા પોતાની લેબોરેટરી ઊભી કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૌથી પહેલા દૂધ પર થતી ભેળસેળ પર ટીમ ત્રાટકશે. તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી કે જ્યાં તેમને ભેળસેળ થઈ હોવાની જાણ કે અનુભવ થાય ત્યાંના ફોટા-વીડિયો સાથે મનપાને જાણ કરે. 

જોકે સૌની નજરે ચડનારી એક વાત એ હતી કે આજ સુધી અધિકારીઓ કે પદાધિકારીઓ માત્ર બોલતા હોય છે, પણ અમલ કરવામાં ઢીલ વર્તે છે, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે મેયર નેહલ શુક્લએ પત્રકાર પરિષદની એક કલાક પછી જ ઝુંબેશ શરૂ કરી અને ફૂડ બિઝનેસ લોબીને તેમનો મિજાજ બતાવ્યો હતો.