Fri Sep 11 2026

Logo

સ્વિડીશ ખેલાડીએ પિતાના વતનને માન આપ્યું, ગોલ કર્યા બાદ માફી માગી! જાણો, શા માટે...

Monterrey   2026-06-15 16:36:32
Author: Ajay Motiwala
સ્વિડીશ ખેલાડીએ પિતાના વતનને માન આપ્યું, ગોલ કર્યા બાદ માફી માગી! જાણો, શા માટે...

મોન્ટેરી (મેક્સિકો): સ્વિડને ફિફા વર્લ્ડ કપમાં  રવિવારે ટયૂનિશિયા સામે 5-1થી જે શાનદાર વિજય મેળવ્યો એમાં સ્વિડન વતી પહેલો ગોલ કર્યા બાદ ખેલાડી યાસિન અયારી ખૂબ ભાવુક (Emotional) થઈ ગયો હતો.

અયારી (Ayari)એ આ મૅચમાં કુલ બે ગોલ કર્યા હતા. તેણે પ્રથમ ગોલ સાતમી મિનિટમાં અને બીજો ગોલ 90 મિનિટની મુખ્ય મૅચ પછી સ્ટોપેજ ટાઈમમાં (96મી મિનિટમાં) કર્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ ફૂટબોલર ગોલ કર્યા પછી આનંદના અતિરેકમાં એ ગોલ સેલિબ્રેટ કરતો હોય છે. જોકે અયારીએ જે પહેલો ગોલ કર્યો હતો એનું ત્યારે તેણે કોઈ જ સેલિબ્રેશન નહોતું કર્યું. તેણે તો માત્ર હાથ થોડો ઊંચો કરીને માફી માગી હતી.

અયારીએ માફી તેના પિતાના વતન ટયૂનિશિયાની માગી હતી. અયારીનો જન્મ સ્વિડનમાં થયો હતો. જોકે તેના પિતા ટયૂનિશિયાના છે અને સ્વિડનની આ મૅચ ટ્યૂનિશિયા સામે હતી જેમાં ગોલ કર્યા પછી અયારીએ મનોમન પિતાના વતનની ક્ષમા માગી હતી.

નાનપણમાં અયારી સ્વિડન વતી રમતો હતો ત્યારે તેને ટયૂનિશિયા વતી રમવાની ઓફર થઈ હતી, પરંતુ તેણે ના પાડી હતી અને સ્વિડન વતી જ રમવાનું ચાલુ રાખ્યું હતું. 

યાસિન અયારીના પિતા અઝોઝ અયારીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ’મેં પોતે જ યાસિનને કહ્યું હતું કે તારો ઉછેર સ્વિડનમાં થયો છે એટલે તારે આ દેશ (સ્વિડન)નું ઋણ ચૂકવવા માટે એના વતી જ રમવું જોઈએ.'