Mon Jun 15 2026

Logo

બ્રિટિશ આર્મીએ રશિયાનું ગુપ્ત ઓઇલ ટેન્કર જપ્ત કર્યું, 22 ભારતીય ક્રૂ સવાર હોવાથી ભારતની ચિંતા વધી

London   2026-06-15 15:19:05
Author: Vimal Prajapati
Article Image

LPhot Hutchins/Royal Navy via AP


લંડન: યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટિશ આર્મી અને નેશનલ ક્રાઇમ એજન્સીએ ઇંગ્લેન્ડના દક્ષિણ તટ પર એક અત્યંત મોટું અને ગુપ્ત સૈન્ય ઓપરેશન પાર પાડ્યું છે. બ્રિટિશ રોયલ મરીન કમાન્ડોએ આકાશમાંથી હેલિકોપ્ટર મારફતે દોરડા વડે ઉતરીને રશિયાના કથિત ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત બેડા) ના એક મોટા ઓઇલ ટેન્કર પર દરોડો પાડી તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. ‘સ્મર્ટોસ’ (Smertos) નામના આ જહાજ પર કેમેરૂન દેશનો ઝંડો લાગેલો હતો. આ કાર્યવાહીથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપરાંત ભારતની પણ ચિંતા વધી ગઈ છે, કારણ કે આ જહાજ પર મોટાભાગનો ક્રૂ ભારતીય છે.

ઓઇલ ટેન્કરમાં 22 ભારતીય નાવિકો, એકની ધરપકડ

મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ ઓઇલ ટેન્કર રશિયાના ઉસ્ત-લુગા બંદરેથી ઇજિપ્તના પોર્ટ સઇદ તરફ જઈ રહ્યું હતું. આ જહાજ પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 22 નાવિકો ભારતીય અને બાકીના જ્યોર્જિયાના છે. બ્રિટિશ એજન્સી NCA એ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનની શંકાના આધારે 38 વર્ષીય એક ભારતીય નાગરિકની ધરપકડ કરી લીધી છે. બાકીના તમામ નાવિકોને અત્યારે જહાજ પર જ નજરકેદ રાખવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

6 કલાક સુધી હવામાં અને સમુદ્રમાં ચાલ્યું ઓપરેશન

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે આ હાઈ-વોલ્ટેજ ઓપરેશનનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. બ્રિટિશ સેનાના ઇતિહાસમાં શેડો ફ્લીટ વિરુદ્ધ આ પ્રકારનું આ પહેલું ઓપરેશન છે, જે આશરે 6 કલાક સુધી ચાલ્યું હતું. આ ગંભીર સૈન્ય કાર્યવાહીમાં બ્રિટનના ચિનૂક, મર્લિન અને વાઇલ્ડકેટ હેલિકોપ્ટર્સ, રોયલ એરફોર્સનું P-8A સમુદ્રી ગશ્તી વિમાન તેમજ બ્રિટિશ નેવીના બે મોટા યુદ્ધજહાજો (HMS સધરલેન્ડ અને HMS લેડબરી) એ ભાગ લીધો હતો.

બ્રિટિશ વડાપ્રધાને આ ઓપરેશનની સફળતા પર વાત કરતા કહ્યું કે, ‘આ સફળ ઓપરેશનથી રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેન સામેના યુદ્ધમાં પુતિનને આર્થિક અને સૈન્ય મદદ કરનારા ગુપ્ત નેટવર્કને અમે બ્રિટિશ સમુદ્રમાં છુપાવા નહીં દઈએ’.

બ્રિટનનો શું આરોપ છે?

બ્રિટન અને પશ્ચિમી દેશોનો આરોપ છે કે રશિયા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધોથી બચવા માટે ગુપ્ત રીતે આવા ‘શેડો ફ્લીટ’ (Shadow Fleet) નો ઉપયોગ કરે છે. આ બેડામાં મોટેભાગે જૂના થઈ ગયેલા ઓઇલ ટેન્કર્સ હોય છે, જેમના માલિકો અને તેના પર લાગેલા ઝંડા શંકાસ્પદ (બીજા દેશના) હોય છે. વિશ્વમાં આવા આશરે 700 જહાજો સક્રિય હોવાની આશંકા છે. રશિયા પોતાના પ્રતિબંધિત ક્રૂડ ઓઇલ અને ગેસની વિદેશોમાં હેરાફેરી કરવા માટે આ જહાજોનો ઉપયોગ કરે છે, જેથી યુક્રેન સામેના યુદ્ધ માટે ફંડિંગ એકઠું કરી શકાય. રશિયાના 75% ઓઇલની હેરાફેરી આવા જહાજો દ્વારા થાય છે.

બ્રિટિશ સરકારે અત્યાર સુધીમાં રશિયાના આવા 600 થી વધુ જહાજો પર પ્રતિબંધ લાદેલો છે. હાલમાં જપ્ત કરાયેલા ‘સ્મર્ટોસ’ જહાજને બ્રિટિશ કોસ્ટ ગાર્ડની કડક દેખરેખ હેઠળ ઇંગ્લેન્ડના દક્ષિણ તટ પર લંગર નાખીને રાખવામાં આવ્યું છે. આ મામલે ભારતીય નાવિકોની સંડોવણી હોવાને કારણે ભારતીય વિદેશ મંત્રાલય પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. મોસ્કોએ અગાઉ આવી ક્રિયાઓને ગેરકાયદેસર ગણાવી હતી.