પટણા: બેઉર જેલમાંથી જામીન પર બહાર આવતા જ જ્ઞાન બિંદુ કોચિંગ સેન્ટરના ડાયરેક્ટર રોશન આનંદનો ગુસ્સો પ્રખ્યાત શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર પર ફાટી નીકળ્યો હતો. જેલની બહાર આવતા જ રોશન આનંદે મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો હતો કે, ખાન સર અને કિસાન કોલ્ડ સ્ટોરેજના માલિક આર. એસ. પ્રસાદે એક કાવતરાના ભાગરૂપે તેમના ભાઈ પ્રિન્સ યાદવની હત્યા કરાવી દીધી છે.
રોશન આનંદે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ જેલની બહાર હતા ત્યારે તેમના ભાઈને કંઈ ન થયું, પરંતુ તેઓ જેલમાં જતા જ ભાઈની હત્યા કરી દેવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે ખાન સરે ઘણું જૂઠ્ઠું બોલીને સમગ્ર મામલે લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને પોતે સંપૂર્ણપણે નિર્દોષ હોવા છતાં તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે, જેના કારણે તેમનું બધું જ બરબાદ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે 2 જૂનના પટનામાં ખાન ગ્લોબલ સ્ટડીઝ અને જ્ઞાન બિંદુ કોચિંગ વચ્ચે થયેલા વિવાદ પથ્થરમારો અને ફાયરિંગના મામલામાં રોશન આનંદની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 12 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ પટના કોર્ટે તેમની નિયમિત જામીન અરજી મંજૂર કરી હતી.
રોશન આનંદના વકીલ નિરંજન કુમાર સિંહે જણાવ્યું હતું કે, રોશન આનંદ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ પૂર્વનિયોજિત અને રાજકીય રીતે પ્રેરિત હતી અને તેમની સામે હત્યાના પ્રયાસની કલમ ખોટી રીતે લગાવવામાં આવી હતી, કારણ કે ઘટનાસ્થળે તેમની હાજરી કે ગુનાહિત હેતુના કોઈ પુરાવા નહોતા. આ કેસમાં ખાન સરને અદાલતમાંથી ધરપકડ સામે વચગાળાની રાહત મળી ગઈ હતી, જ્યારે રોશન આનંદને જેલ જવું પડ્યું હતું.
બીજી તરફ, આ સમગ્ર વિવાદમાં આરોપી અને રોશન આનંદના નાના ભાઈ પ્રિન્સ યાદવની રવિવારે નેપાળના વિરાટનગરની એક હોટલમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં વિવાદ વધુ ઘેરો બન્યો હતો.
અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બ્રેઈન હેમરેજના કારણે પ્રિન્સનું મોત થયું હતું, પરંતુ હવે રૌશન આનંદે તેને હત્યા ગણાવી છે. પ્રિન્સ યાદવ ફરિયાદ નોંધાયા બાદથી ફરાર હતા અને નેપાળ પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના પર ખાન સરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિનું અવસાન દુઃખદ છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
આ હાઈ-પ્રોફાઈલ વિવાદમાં હવે રાજકારણ પણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજ પ્રતાપ યાદવે પણ આ મામલે સીધો ખાન સર પર નિશાન સાધતા દાવો કર્યો છે કે પ્રિન્સ યાદવના મોત પાછળ મોટું કાવતરું છે.
તેમણે કહ્યું કે જે પક્ષ સાથે વિવાદ ચાલી રહ્યો હતો, તેના પર શંકા જવી સ્વાભાવિક છે. તેજ પ્રતાપ યાદવે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સાથે જ રોશન આનંદને તેના ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પેરોલ આપવાની પણ વકીલાત કરી હતી.