Wed Sep 16 2026

Logo

પાલિકાના પાપે લીધો જીવ: ગાંધીધામમાં ખુલ્લી ગટરના નાળામાં ખાબકતાં આધેડનું કમકમાટીભર્યું મોત

2026-06-15 12:43:00
Author: Mumbai Samachar Team
પાલિકાના પાપે લીધો જીવ: ગાંધીધામમાં ખુલ્લી ગટરના નાળામાં ખાબકતાં આધેડનું કમકમાટીભર્યું મોત

ભુજઃ ગાંધીધામ શહેર અને સંકુલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કરાયેલા ખોદકામ અને અધૂરી કામગીરી નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ગત રોજ સવારે શક્તિનગર પાસે સર્વિસ રોડ નજીક ખુલ્લા ગટરના નાળામાં પડી જવાથી એક ૪૭ વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. જ્યારે અંજારના વરસાણા પંથકમાં ૨૯ વર્ષીય શ્રમિક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસે બંને મામલે તપાસ શરૂ કરી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગાંધીધામ સંકુલમાં પાલિકા દ્વારા માર્ગો, પેવરબ્લોક અને વરસાદી નાળા સફાઈ તેમજ નિર્માણની અનેક કામગીરીઓ અડધી મૂકી દેવામાં આવી છે. આ વહીવટી લાપરવાહી વચ્ચે ગઈકાલે સવારે ૧૦ વાગ્યા પૂર્વે સેક્ટર-૭માં રહેતા જુસબ જાકુબ બાપડા (ઉ.વ.૪૭) નામના આધેડ શક્તિનગર કટ પાસે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ખુલ્લા ગટરના ઊંડા નાળામાં ખાબક્યા હતા. નાળામાં પડવાના કારણે તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં જુસબભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે અને પાલિકા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, અંજાર તાલુકાના વરસાણા ગામે આવેલા બનલખી વે-બ્રિજ કોલોનીમાં અપમૃત્યુનો બનાવ સામે આવ્યો હતો. અહીં રહેતો મૂળ પરપ્રાંતીય યુવક બ્રિજેશ વિંધ્યાચલ યાદવ (ઉ.વ. ૨૯) પોતાના રૂમ પર એકલો હતો. તે દરમિયાન તેણે અગમ્ય કારણોસર અંદરથી રૂમ બંધ કરી, પંખા સાથે ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આસપાસના લોકોએ દરવાજો તોડી તપાસ કરતાં બ્રિજેશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે બંને બનાવો અંગે કાયદેસરની નોંધ કરી આગળની સઘન તપાસ હાથ ધરી છે. 

(ઉત્સવ વૈદ્ય)