Mon Jun 15 2026

Logo

કિંજલ દવેએ પતિ સાથેના ફોટા હટાવતાં અટકળોનું બજાર ગરમ, જાણો વિગત

2026-06-15 09:15:57
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ચાર ચાર બંગડી ફેમ સિંગર કિંજલ દવે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ધ્રુવીન શાહ સાથે સગાઈના કારણે તેને ન્યાત બહાર મૂકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે તે અને ધ્રુવીન માલદિવ્સમાં વેકેશન માણવા ગયા હતા. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે આ તસવીરો તેણે હટાવી દીધી છે, જેના કારણે કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે. લોકો કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે સંબંધમાં તિરાડ પડી તેવી અટકળો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.  કિંજલે કેમ તસવીરો હટાવી તે અંગે તેની કે ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

 સગાઈ બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવિન શાહ માલદિવ્સના સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન મનાવવા ગયા હતા. આ વેકેશન દરમિયાન બંનેએ ફેન્સ સાથે પોતાની સુંદર ક્ષણોની અનેક તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. પરંતુ હવે અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઈલમાંથી ડિલિટ કરી દેવામાં આવી છે. જેના કારણે ફેન્સ તેમના બ્રેકઅપ અથવા સંબંધોમાં ખટાશની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

Garba sensation Kinjal Dave

કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, કિંજલ દવેનું કોઈ નવું ગીત આવી રહ્યું હશે. ફેન્સનું ધ્યાન ખેંચવા અને સમાચારમાં ચમકવા આ એક સ્ટંટ હોઈ શકે છે. જોકે હજુ સુધી કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હોવાથી લોકો અવઢવમાં છે.

કિંજલ દવે આંતરજ્ઞાતિય સગાઈના કારણે આવી હતી ચર્ચામાં

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય સગાઈ કરી હતી. જે બાદ પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેને ન્યાત બહાર કરી હતી. જે બાદ કિંજલે સમાજ સામે બંડ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને માલદીવમાં ધ્રુવિન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી.

ન્યાત બહાર મૂકાયા બાદ કિંજલ દવેએ શું કરી હતી પોસ્ટ

કિંજલ દવેએ ન્યાત બહાર મૂકાયા બાદ  સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.

તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.  કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

કિંજલ દવેએ પોતાના નિર્ણયને વધાવતા કહ્યું કે, હું નસીબદાર છું કે મને એવા પરિવાર અને પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે. હું એવા પરિવારમાં જઈ રહી છું જ્યાં રાત-દિવસ ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે. મને અને મારા નિર્ણયને મારા પાર્ટનરના પરિવારે ખૂબ જ આદર અને સત્કારથી સ્વીકાર્યા છે.

છેલ્લે, તેમણે સમાજની કેટલીક જૂની પ્રથાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, એક તરફ દીકરીઓ પ્લેન ઉડાવે છે અને આર્મીમાં છે, અને બીજી તરફ હજી પણ બાળ લગ્ન, સાટા પ્રથા જેવી સમસ્યાઓ ચાલુ છે, જેની પીડિત હું પણ છું. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અને તેમને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. આના પરથી જ ખબર પડે છે કે સમાજમાં ક્યાં કેટલો વિકાસ થયો છે અને ક્યાં દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની જરૂર છે.