Mon Jun 15 2026

Logo

કાલ તખ્તે પંજાબના CM ભગવંત માનને ‘ગુરુ દ્રોહી’ અને ‘પંથ વિરોધી’ જાહેર કર્યા!  કહ્યું, તમામ સંબંધો તોડી નાખો

2026-06-15 19:48:00
Author: Devayat Khatana
Article Image

અમૃતસર: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન વિરુદ્ધ  શીખ ધર્મની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શ્રી અકાલ તખ્ત સાહિબે એક ઐતિહાસિક અને અત્યંત આકરો નિર્ણય લીધો છે. સોમવારે અકાલ તખ્ત દ્વારા મુખ્ય પ્રધાન ભગવંત માનને સત્તાવાર રીતે “ગુરુ દ્રોહી” (ગુરુ સાથે વિશ્વાસઘાત કરનાર) અને “પંથ વિરોધી” (શીખ સમુદાય વિરોધી) જાહેર કરવામાં આવ્યા છે. સર્વોચ્ચ શીખ ધાર્મિક પીઠના કાર્યકારી જથ્થાદાર જ્ઞાની કુલદીપસિંહ ગરગજની આગેવાનીમાં મળેલી પાંચ સિંહોની એક મહત્વની બેઠક બાદ આ હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર શીખ પંથ અને સમુદાયને મુખ્ય પ્રધાન ભગવંત માન સાથેના તમામ પ્રકારના સંબંધો અને વ્યવહારો તાત્કાલિક અસરથી તોડી નાખવાનો કડક આદેશ પણ આપવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન ભગવંત માન વિરુદ્ધ આ ગંભીર ધાર્મિક પગલું એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ લેવાયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું હતું કે CM  શીખ ગુરુઓની તસવીરો પર દારૂ છાંટતા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા કૃત્યો કરી રહ્યા છે. જો કે, CM  માને આ વીડિયોને નકલી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલો ગણાવ્યો હતો. અકાલ તખ્ત દ્વારા જ્યારે તેમની પાસે આ દાવાના સમર્થનમાં લેબોરેટરીના પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ અકાલ તખ્તે ભારત સરકાર માન્ય બે સ્વતંત્ર ફોરેન્સિક લેબમાં તપાસ કરાવતા આ વીડિયો સંપૂર્ણ નેચરલ અને અસલી હોવાનું સાબિત થયું હતું, જેને ધાર્મિક સંસ્થાએ સર્વોચ્ચ પીઠના અપમાન સમાન ગણાવ્યું છે.

આ વિવાદ માત્ર વીડિયો પૂરતો સીમિત નથી, પરંતુ પંજાબ સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા વિવાદાસ્પદ કાયદા 'જાગત જોત શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સત્કાર (સુધારા) એક્ટ, 2026' સાથે પણ જોડાયેલો છે. આ કાયદો ગત 13મી એપ્રિલે પંજાબ વિધાનસભામાં પસાર કરાયો હતો અને 17મી એપ્રિલે રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની મંજૂરી બાદ 20મી એપ્રિલે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કરનાર સામે આજીવન કેદ અને 25 લાખ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈ છે. પરંતુ તેના વહીવટી માળખાને લીધે મોટો ધાર્મિક વિવાદ ઉભો થયો છે. કાયદાની અમુક જોગવાઈઓ મુજબ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) માટે તમામ પવિત્ર સરૂપો (ગ્રંથો)ની વિગતો ડિજિટલ રજીસ્ટ્રી પર રાખવી ફરજિયાત બનાવાઈ છે, જેનાથી શીખ સંસ્થાઓ, ગ્રંથીઓ અને સેવાદારો સરકારી કાયદાકીય માળખા હેઠળ આવી જાય છે.

અકાલ તખ્તનું સ્પષ્ટપણે માનવું છે કે ડિજિટલ રજીસ્ટ્રીની આ જોગવાઈ શીખ ધાર્મિક બાબતોમાં પંજાબ સરકારની સીધી દખલગીરી સમાન છે. આ પંથક બાબતોમાં દખલ હોવાનું જણાવી અકાલ તખ્તે અગાઉ પંજાબ સરકારને આ વાંધાજનક કલમો હટાવવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેનો સરકારે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. ધાર્મિક દબાણ હોવા છતાં મુખ્ય પ્રધાન ભગવંત માને કાયદાનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો કોઈ પણ સંજોગોમાં પાછો ખેંચવામાં કે હળવો કરવામાં આવશે નહીં. હવે આ ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અકાલ તખ્તે CMને પંથ વિરોધી જાહેર કરવાની સાથે જ, આ કાયદાના બિલ પર હસ્તાક્ષર કરનારા પંજાબના તમામ શીખ ધારાસભ્યો અને કેબિનેટ પ્રધાનોને આગામી 29મી જૂને અકાલ તખ્ત સમક્ષ રૂબરૂ હાજર થવા માટે કડક સમન્સ પાઠવ્યા છે.