નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ ઓક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની ખાસ કોર્ટે સિક્યોરિટીઝ છેતરપિંડીના કેસમાં પિરામિડ સાઇમીરા થિયેટર લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર વી નટરાજનને સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘનના કેસમાં મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે.
સેબીનો આરોપ છે કે કંપનીએ ૨૦૦૭-૦૮માં નાણાકીય આંકડા ખોટી રીતે વધારીને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. કોર્ટે કહ્યું કે નટરાજને ડિરેક્ટર તરીકેના તેમના કથિત કાર્યો માટે ટ્રાયલનો સામનો કરવો પડશે. સેબીએ ૨૦૦૭-૦૮માં કથિત રીતે વધારે નફો દર્શાવવા અને રોકાણકારોને કંપનીના શેર ખરીદવા માટે પ્રેરિત કરવા બદલ કંપની અને તેના ડિરેક્ટરો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
પ્રોસિક્યુશન અનુસાર, ૧૮ એપ્રિલ, ૨૦૧૧ના રોજ સેબીના આદેશ દ્વારા પિરામિડ સાઇમીરા થિયેટર લિમિટેડ અને તેના ડિરેક્ટરોને ખોટા ખુલાસાઓ અને ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેનાથી રોકાણકારોને નુકસાન થયું હતું. આ આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી) સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેણે ૨૯ જૂન, ૨૦૧૧ ના રોજ અપીલ ફગાવી દીધી હતી.
પ્રોસિક્યુશન પક્ષે આરોપ લગાવ્યો હતો કે ઉપરોક્ત કંપનીના અનઓડિટેડ ત્રિમાસિક નાણાકીય પરિણામોમાં ૩૦ જૂન, ૨૦૦૭ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકમાં અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આ ઉપરનો ટ્રેન્ડ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા સુધી ચાલુ રહ્યો હતો. સેબીએ એવો દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીએસ સમીનાથે ૨૦૦૭-૦૮ના નાણાકીય પરિણામો પ્રકાશિત કર્યા હતા જેમાં કંપનીનું વધુ પડતું આશાવાદી ચિત્ર રજૂ કરવા માટે ખોટી રીતે મોટા આંકડા અને અતિશયોક્તિપૂર્ણ નફાનો સમાવેશ થતો હતો. (PTI)