દેશની આયાતમાં પણ વધારો, સોનાની આયાત 60 ટકા વધી
નવી દિલ્હી: ભારતના વિદેશી વેપાર માટે મે મહિનો રાહત અને પ્રોત્સાહન આપનારો રહ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, દેશની વેપારી નિકાસમાં ૧૮ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી કુલ નિકાસ ૪૫.૨ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. જોકે, તેની સામે આયાતમાં પણ ૨૦.૬૨ ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે વેપાર ખાધ ૨૮.૨૧ અબજ ડોલર થઈ છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશની વેપારી નિકાસ ૧૮ ટકા વધીને ૪૫.૨ અબજ ડોલર થઈ છે. મે મહિનામાં આયાત પણ ૨૦.૬૨ ટકા વધીને ૭૩.૪૧ અબજ ડોલર થઈ, જેના કારણે વેપાર ખાધ ૨૮.૨૧ અબજ થઈ હતી. એપ્રિલ-મે 2026-27 દરમિયાન ભારતની માલસામાન નિકાસ વધીને ૮૮.૯૧ અબજ ડોલર થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૧૬.૦૯ ટકાનો વધારો દર્શાવે છે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે મે મહિનામાં પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસ નજીવી ઘટીને ૫.૩૦ અબજ ડોલર થઈ છે, જે મે ૨૦૨૫માં ૫.૩૮ અબજ ડોલર હતી.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન સોનાની આયાત ૬૦ ટકા વધીને ૯.૦૪ અબજ ડોલર થઈ છે. આ વલણને ધ્યાનમાં રાખીને, આ વર્ષ નિકાસ માટે સારું રહેશે, તેવું અગ્રવાલે ઉમેર્યું હતું.