(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈરાન સાથેના શાંતિ કરારને અંતિમ ઑપ અપાઈ ગયો છે અને આગામી 19મી જૂને સ્વિત્ઝર્લેન્ડ ખાતે સહીસિક્કા કરવામાં આવશે, એવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હોવાથી આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં 4.97 ટકા જેટલો કડાકો બોલાઈ જવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બીજા સત્રમાં તેજીનું વલણ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 60 પૈસા ઉછળીને 94.58ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.18ના બંધ સામે સુધારાના અન્ડરટોને 94.70ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.77 અને ઉપરમાં 94.45ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 60ના સુધારા સાથે 94.58ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં 67 પૈસાનો સુધારો આવ્યો હતો.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરારને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને આગામી શુક્રવારે સ્વિત્ઝર્લેન્ડ ખાતે સહીસિક્કા કરવામાં આવશે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવામાં આવશે અને નાકાબંધી દૂર કરવામાં આવશે એવી જાહેરાત ટ્રુથ સોશ્યલ મીડિયા પર કરવામાં આવતા બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતા ફોરેક્સ માર્કેટમાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવ ઘટી આવતા ફુગાવાલક્ષી દબાણની ચિંતા હળવી થઈ છે અને વૈશ્વિક જોખમ પણ હળવા થતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94.20થી 94.95 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.20 ટકા ઘટીને 99.65 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 4.97 ટકાના તીવ્ર ઘટાડા સાથે બેરલદીઠ 82.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 736.38 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 231 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
Gemini Generated Image