મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં માર્ગ ઓળંગતી વખતે કારે અડફેટમાં લેતાં આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. બાંદ્રા પોલીસે આ પ્રકરણે કાર હંકારી રહેલી 45 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બાંદ્રા પશ્ર્ચિમમાં જ્હોન બાપ્ટિસ્ટ રોડ પર જિજામાતા ગાર્ડનની નજીક રવિવારે બપોરના 2.15થી 2.30 વાગ્યા દરમિયાન આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ અંશ ગુપ્તા (8) તરીકે થઇ હતી. પોલીસે આ પ્રકરણે મહિલા કારચાલક મેઘા રાવલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંશ ગુપ્તા રવિવારે બપોરે માર્ગ ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કારે તેને અડફેટમાં લીધો હતો. કારનું ટાયર ફરી વળતાં અંશને ગંભીર ઇજા પહોંચી હતી. અંશને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.