પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે મોડી રાત્રે જંગલી શિયાળે નિંદ્રાધીન લોકો પર જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. મહિલાઓ અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શિયાળના હુમલાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને દહેશત ફેલાઈ ગઈ છે. આ ઘટનાને કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળતા ડરી રહ્યા છે અને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિયાળ હોવાનો સ્થાનિકોનો દાવો
તમામ ઈજાગ્રસ્તોને સાંતલપુર સીએચસી તેમજ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ વૌવા ગામે પહોંચ્યું હતું. આ પ્રાણી સીસીટીવીમાં પણ કેદ થયું હોવાનું અને શિયાળ હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે, જોકે, વન વિભાગે હજુ સુધી હુમલો કરનાર પ્રાણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી.
વન વિભાગ દ્વારા ટેક્નિકલ તપાસ શરૂ
વન વિભાગ દ્વારા સ્થળ પરથી પગના નિશાન મેળવી તથા અન્ય ટેક્નિકલ તપાસ બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ જંગલી જનાવર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વન વિભાગે પ્રાણીને વહેલી તકે પાંજરે પૂરવા માટે અને સઘન શોધખોળની કાર્યવાહી તેજ કરી છે.