મુંબઈ: સપ્ટેમ્બરથી રિક્ષા-ટેક્સીના ભાડાંમાં વધારાની સાથે તબેલાનું દૂધ મોંઘું થવાનું છે ત્યારે મુંબઈથી અલીબાગ જવાનું આગામી દિવસોમાં સસ્તું થવાના અહેવાલ મળી રહ્યા છે, જે પર્યટકો માટે રાહતના સમાચાર છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી અલીબાગ અને એલિફન્ટા જતી સ્પીડબોટમાં મુસાફરી કરતા મુસાફરોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. સ્પીડબોટના ભાડામાં ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી સ્પીડબોટમાં મુસાફરી કરવા માટે પ્રતિ વ્યક્તિ આશરે 600થી 800 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે.
સ્પીડબોટના ભાડામાં ઘટાડો થવાની આશા વધી
સ્પીડબોટ સંચાલકો પાસેથી જેટી ચાર્જ તરીકે લેવામાં આવતા પ્રતિ મુસાફર 92.04 રૂપિયાના ચાર્જમાં ઘટાડો કરવાની માગણીને કેન્દ્ર સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ ચાર્જ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આવેલી જેટી નંબર 5નો ઉપયોગ કરતી બોટના સંચાલકો પાસેથી લેવામાં આવે છે. જેટી ચાર્જનો આ ખર્ચ અંતે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ભાડામાં સામેલ થાય છે.મહારાષ્ટ્રના પોર્ટ્સ મંત્રી નિતેશ રાણેએ આ મુદ્દે કેન્દ્રીય પોર્ટ્સ અને વોટરવેઝ પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે મુલાકાત કરી હતી. સ્પીડબોટ સંચાલકો પર લાગતા જેટીના ચાર્જમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. હવે કેન્દ્ર તરફથી આ માંગને સકારાત્મક પ્રતિસાદ મળતાં સ્પીડબોટના ભાડામાં ઘટાડો થવાની આશા વધી છે.
સ્પીડબોટથી પહોંચવામાં 25 મિનિટનો લાગે છે સમય
ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે તાજમહેલ હોટેલની સામે આવેલી જેટી નંબર 5ને ખાસ કરીને સ્પીડબોટ અને ખાનગી યાટ્સ માટે વિકસાવવામાં આવી છે. બીજી તરફ, પરંપરાગત લાકડાની બોટનું સંચાલન હજુ પણ જેટી નંબર એકથી 4 પરથી થાય છે. હાલમાં સ્પીડબોટ દ્વારા મુસાફરી કરતા મુસાફરોને ઝડપનો ફાયદો મળે છે. એલિફન્ટા અથવા અલીબાગ સુધી સ્પીડબોટ દ્વારા પહોંચવામાં આશરે 20થી 25 મિનિટનો સમય લાગે છે. જ્યારે પરંપરાગત લાકડાની બોટ દ્વારા આ જ મુસાફરીમાં આશરે 45થી 55 મિનિટનો સમય લાગે છે.
સ્પીડબોટ બુક કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ
પરંપરાગત લાકડાની બોટ દ્વારા એલિફન્ટા અથવા અલીબાગ જવા માટે એક તરફનું ભાડું પ્રતિ મુસાફર આશરે 280થી 300 રૂપિયા છે. તેની સરખામણીમાં સ્પીડબોટનું પ્રતિ વ્યક્તિ ભાડું હાલમાં 600થી 800 રૂપિયા સુધી છે. જોકે, આખી સ્પીડબોટ બુક કરાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પાંચથી 12 મુસાફરોની ક્ષમતા ધરાવતી એક આખી સ્પીડબોટ બુક કરાવવા માટે આશરે 5,000થી 10,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.
પ્રવાસીઓ માટે આ નિર્ણય મહત્વનો બની શકે
સ્પીડબોટ સંચાલકો માટે જેટીના ચાર્જમાં ઘટાડો થવાથી તેમના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. આ ખર્ચ ઘટશે તો તેનો લાભ મુસાફરોને પણ મળી શકે છે અને સ્પીડબોટના ભાડામાં ઘટાડો થવાની શક્યતા છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી અલીબાગ અને એલિફન્ટા વચ્ચે ઝડપી જળપરિવહનનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે આ નિર્ણય મહત્વનો બની શકે છે. જો જેટી ચાર્જમાં ઘટાડો અમલમાં આવે અને તેનો લાભ મુસાફરો સુધી પહોંચે, તો સ્પીડબોટ સેવા વધુ સસ્તી અને લોકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.