Tue Jun 16 2026

Logo

ટ્રમ્પ, વાન્સ અને ઈરાની સંસદના સ્પીકરે MoU પર કરી સહી! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ખૂલવા અંગે આપી અપડેટ

Wasington D.C.   2026-06-15 22:51:00
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં હવે શાંતિના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે છેલ્લાં લગભગ ચાર મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સહમતિ સધાઈ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરી ખુલ્લી કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જ્યારે ઈરાન તરફથી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર કાલીબાફે ડિજિટલી સહી કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હવે આગામી શુક્રવારે આ ડીલ માટે એક ઔપચારિક અને ભવ્ય હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે, જે બાદ આગામી 24 થી 48 કલાકમાં આ કરારની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાશે.

ઉલ્લેખનીય છે કે આ સહમતિના ભાગરૂપે વૈશ્વિક તેલ વ્યાપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને તબક્કાવાર રીતે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની G-7 બેઠક દરમિયાન જણાવ્યું હતું કે,  દરિયાઈ સુરંગો (Mines) શોધવાનું કામ ચાલી રહ્યું છે અને શુક્રવાર સુધીમાં આ આખો રૂટ સંપૂર્ણપણે ખુલ્લો થઈ જશે, જેના કારણે જહાજોની અવરજવર સામાન્ય થઈ જશે. જોકે  અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ માર્ગ પર ટ્રાફિકને સંપૂર્ણપણે પૂર્વવત થવામાં ઓછામાં ઓછો બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. 

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્ત હુમલા બાદ શરૂ થયેલા આ વિનાશક યુદ્ધમાં અત્યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની સહી ન હોવા અંગે અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2015ના પરમાણુ કરાર વખતે પણ સુપ્રીમ લીડર સહીઓ નથી કરતા તેથી તેમની સહી ન હોવી તે કોઈ ચિંતાનો વિષય નથી. જોકે આ શાંતિ કરાર ભવિષ્યમાં કેટલો ટકશે તેનો મુખ્ય આધાર લેબનોનમાં હિંસાના કાયમી અંત પર રહેલો છે. આ સાથે જ તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની મુખ્ય વાટાઘાટો હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાથી નિષ્ણાતો હજુ પણ આ ડીલ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.