Wed Jun 17 2026

Logo

જસદણના પટારાનો વૈશ્વિક ડંકો: સદીઓ જૂની ‘જસદણ પટારી’ને મળ્યો GI Tag!

2026-06-15 22:00:18
Author: Devayat Khatana
Article Image

જસદણ: ગુજરાતના સમૃદ્ધ અને પરંપરાગત હસ્તકલા વારસાને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું ગૌરવ મળ્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને તાલુકાની સદીઓ જૂની અને પ્રખ્યાત ‘જસદણ પટારી’ની પરંપરાગત સુશોભિત પેટી/પટારાની હસ્તકલાને વર્ષ 2025-26 માટે સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI Tag) રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવ્યું છે. ભૌગોલિક ઓળખ આપતા આ GI ટેગ મળવાને કારણે સ્થાનિક કારીગરો દ્વારા પેઢીઓથી જીવંત રાખવામાં આવેલી આ અનન્ય કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય રક્ષણ અને લાંબા સમયથી પ્રતિક્ષિત ઓળખ પ્રાપ્ત થઈ છે, જે જસદણ પંથકના કારીગર સમુદાય માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સમાન છે.

જસદણ પ્રદેશના આ અનોખા ક્રાફ્ટને મળેલી આ વૈશ્વિક ઓળખથી સ્થાનિક કારીગરોની ગ્રામીણ આજીવિકા મજબૂત બનશે અને તેની નકલ થતી અટકાવી શકાશે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) દ્વારા તેની 'ગ્રામ્ય વિકાસ નિધિ' (GVN) યોજના હેઠળ આ કલાને જીઆઈ ટેગ અપાવવા માટે નાણાકીય અને વહીવટી ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર નોંધણી પ્રક્રિયા દરમિયાન કારીગરોમાં જાગૃતિ લાવવા, કલાના ઐતિહાસિક દસ્તાવેજીકરણ તૈયાર કરવા અને અરજી કરવા સુધીની તમામ કામગીરી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) ના માધ્યમથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

નાબાર્ડ (NABARD) ના સત્તાવાર પ્રતિનિધિએ આ મોટી સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "GI ટેગ એ માત્ર કોઈ પ્રોડક્ટની ઓળખ નથી, પરંતુ પેઢીઓથી આ પરંપરાગત કલાને સાચવી રાખનારા કારીગરોની કુશળતા, સમર્પણ અને મહેનતનું સન્માન છે. આનાથી કારીગરોની આર્થિક સ્થિતિ સુધરશે અને નવી પેઢીના યુવાનો પણ આ વારસાને આગળ ધપાવવા માટે પ્રેરિત થશે." નોંધનીય છે કે નાબાર્ડ અગાઉ પણ ગુજરાતના પ્રખ્યાત 'અજરખ બ્લોક પ્રિન્ટ' (કચ્છ) અને 'અમલસાડ ચીકુ' (નવસારી) ને સફળતાપૂર્વક જીઆઈ ટેગ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યું છે.

આ ઐતિહાસિક GI રજિસ્ટ્રેશન મળ્યા બાદ હવે બજારમાં જસદણ પટારીના બ્રાન્ડિંગ અને માર્કેટ એક્સેસમાં મોટો સુધારો જોવા મળશે. આ કલાત્મક પટારીના ઉત્પાદન અને વેચાણ માટે માત્ર સ્થાનિક કારીગરો પાસે જ કાનૂની હક રહેશે, જેથી બજારમાં છેતરપિંડી કે નકલી માલનું વેચાણ બંધ થશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદાકીય સુરક્ષાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જસદણની પટારીની માંગ અને કિંમતોમાં વધારો થશે તેમજ આ ક્ષેત્રમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધશે અને ગુજરાતના પરંપરાગત વારસાના સંવર્ધન સાથે ટકાઉ આર્થિક વિકાસને વેગ મળશે.