Wed Jun 17 2026

Logo

સાત નવી ફિલ્મ પર ભારે પડી હોરર ફિલ્મ 'ઓબ્સેસન': ત્રીજા વીકેન્ડમાં પણ કમાણીનો નવો રેકોર્ડ

2026-06-15 20:51:00
Author: Devayat Khatana
Article Image

મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી ઇંડિયન બોક્સ ઓફિસનો પ્રવાહ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે, જ્યાં નવી ફિલ્મો કરતાં જૂની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધુ ધમાલ મચાવી રહી છે. ગયા શુક્રવારે ભારતના સિનેમાઘરોમાં એકસાથે સાત નવી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં બોલિવૂડની ચાર અને હોલિવૂડની ત્રણ ફિલ્મો સામેલ હતી. 

જોકે આ તમામ સાતેય નવી ફિલ્મો પર 15 દિવસ જૂની હોલિવૂડની હોરર ફિલ્મ 'ઓબ્સેસન' (Obsession) ભારે પડી છે. 29 મેના રિલીઝ થયેલી આ ફિલ્મે તેના ત્રીજા વીકેન્ડમાં પણ પહેલા વીકેન્ડ કરતાં વધુ કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો છે. નવાઈની વાત એ છે કે, ત્રીજા અઠવાડિયામાં પણ આ ફિલ્મનું દૈનિક કલેક્શન તેના ઓપનિંગ ડેના કલેક્શન કરતાં ઘણું વધારે ચાલી રહ્યું છે.

જો બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીએ તો, 'ઓબ્સેસન' ફિલ્મે ભારતમાં માત્ર 1.75 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યું હતું અને તેના પ્રથમ વીકેન્ડમાં 7.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, પરંતુ પોઝિટિવ રિવ્યુઝ અને શાનદાર માઉથ પબ્લિસિટીના કારણે આ ફિલ્મની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે થિયેટરોએ તેના શો વધારવા પડ્યા હતા. બે અઠવાડિયાના અંતે આ ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. 

બીજી તરફ ગયા શુક્રવારે રિલીઝ થયેલી સાત નવી ફિલ્મો— જેમાં બોલિવૂડની 'મેં વાપસ આઉંગા', 'ભારત ભાગ્ય વિધાતા', 'હોન્ટેડ 3D રિટર્ન્સ' અને 'ગવર્નર' તેમજ હોલિવૂડની 'ડિસ્ક્લોઝર ડે', 'સ્કેરી મૂવી 6' અને 'બેકરૂમ્સ' સામેલ હતી, તેમાંથી સૌથી મોટું વીકેન્ડ કલેક્શન બોલિવૂડની 'હોન્ટેડ 3D રિટર્ન્સ' એ 9.35  કરોડ રૂપિયાનું કર્યું હતું.

નવી ફિલ્મોની આ ભીડ વચ્ચે પણ 'ઓબ્સેસન' ફિલ્મનો ક્રેઝ એક અલગ જ સ્તરે જોવા મળી રહ્યો છે. રિલીઝના પહેલા દિવસે જે ફિલ્મને 900થી પણ ઓછા શો મળ્યા હતા, તેને આ ત્રીજા વીકેન્ડમાં 2400થી 3000 જેટલા શો મળ્યા છે. 

આ ફિલ્મે ત્રીજા વીકેન્ડમાં જ 14.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જે કોઈપણ નવી રિલીઝ થયેલી ફિલ્મ કરતાં ઘણી વધારે છે. આ સાથે જ, માત્ર 17 દિવસમાં જ 'ઓબ્સેસન' ભારતમાં 64 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી ચૂકી છે. 

વર્ષ 2026માં અત્યાર સુધી ભારતની સૌથી મોટી હોલિવૂડ ફિલ્મ 'પ્રોજેક્ટ હેલ મેરી' સાબિત થઈ છે, પરંતુ જે રીતે 'ઓબ્સેસન'ની ડિમાન્ડ ચાલી રહી છે તે જોતાં તે ખૂબ જ ટૂંક સમયમાં આ રેકોર્ડ તોડીને ભારતીય બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે.