Tue Jun 16 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ ઉનાળામાં મળતાં તાજાં પરવળ છે ઔષધીય ગુણથી સંપન્ન

2026-06-16 07:44:00
Author: Srilekha Yagnik
Article Image

શ્રીલેખા યાજ્ઞિક

ઉનાળામાં શાકભાજીમાં વિવિધતા ઓછી જોવા મળે છે. તેમાં પણ વળી શાકના ભાવ અનેક ગણા વધુ હોય છે. જેમ ધનિકોના ઘરમાં કેરીનું આગમન સૌ પ્રથમ થતું હોય છે.  કેરીનું એક ફળ પણ સામાન્ય લોકોની પહોંચ બહાર હોય છે ત્યારે ધનિકોના ભાણામાં તે રોજેરોજ પીરસાતું હોય છે. તેવું જ પરવળ વિશે કહેવાય છે. પરવળને ધનિકોના શાક તરીકે ખાસ ઓળખવામાં આવે છે. આમ જનતાને ત્યાં વર્તમાનમાં પણ પરવળની વિવિધ વાનગી બનાવવી વૈભવ ગણાય છે. પરવળ સ્વાસ્થ્ય માટે સુપાચ્ય, પૌષ્ટિક તેમજ ઔષધીય ગુણોથી સંપન્ન ગણાય છે.  

પરવળની પ્રકૃતિ શીતલ, પિત્તનાશક, મૂત્ર સંબંધિત રોગમાં ગુણકારી ગણાય છે. પરવળનો  ઉપયોગ શાક બનાવવા, મીઠાઈ બનાવવામાં થાય છે. પરવળમાં વિટામિન એ, વિટામિન બી-1, વિટામિન બી-2 તથા વિટામિન -સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેને કારણે પરવળને સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણવામાં આવે છે. પરવળ બે પ્રકારના ઊગે છે. એક છે મીઠાં તથા બીજાં છે કડવાં. મીઠાં પરવળનું શાક તેમજ મીઠાઈ બનાવવામાં આવે છે. જ્યારે કડવાં પરવળનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. 

ચરક સંહિતા તેમજ સુશ્રુત સંહિતામાં પરવળના ઔષધીય ગુણો વિશે ઉલ્લેખ જોવા મળે છે. પરવળની તાસીર ગરમ ગણાય છે. લીલાછમ પરવળ ઉનાળામાં શાકબજારમાં અચૂક જોવા મળે છે. ભારતના પ્રત્યેક રાજ્યમાં પરવળનો ઉપયોગ વિવિધ રીતે થતો હોય છે. આદિવાસી સમૂહ પરવળને એક ચમત્કારિક ફળ તરીકે ઓળખે છે. તેમનું માનવું છે કે વાગ્યું હોય ત્યારે ઝડપથી રૂઝ ન આવતાં ઘામાં પરવળનું શાક કે પરવળના પાનનો કાઢો પીવો ગુણકારી ગણાય છે. પરવળનો ઉપયોગ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે છે. આયુર્વેદમાં પરવળનું સેવન મોતિયો તેમજ ગર્ભાવસ્થામાં લાભકારક ગણવામાં આવ્યો છે. ગેસટ્રિક સમસ્યાથી રાહત મેળવવા માટે પરવળનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે.  

પરવળનું વાનસ્પતિક નામ ટ્રાયકોસેન્થસ ડાયોઇકા છે. અંગ્રેજીમાં તેને ‘પૉઇન્ટેડ ગોર્ડ’ કહેવામાં આવે છે. પરવળને સંસ્કૃતમાં રાજીફળ, પટોલ કે કર્કશચ્છદ, હિન્દીમાં પરવલ, પરોરા કે પરવર, ક્ધનડમાં કાડૂપુદાલાઈ, કાહી પડવલ, ગુજરાતીમાં પરવળ કે પટોલ, તમિળમાં પુડલૈ, કોમ્બુપટલા, પુટલઈ,બંગાળીમાં પટોલા,પાલ્ટા, મરાઠીમાં પલવલ, પરવર, પંજાબીમાં પલવલ, મલયાલીમાં પટોલમ્ તરીકે ઓળખવામાં આવે છે. 

પરવળ માટે એવું કહેવાય છે કે તેની છાલમાં મૅગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. તેથી જ પરવળને છોલ્યા બાદ તેની છાલને ઉકાળીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગૃહિણી અન્ય ઉપયોગમાં લેતી હોય  છે. પરવળની અન્ય વિશેષતા એટલે તેને લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખી શકાય છે. 

પરવળના સ્વાસ્થ્યવર્ધક લાભ

પેટની તંદુરસ્તી માટે લાભકારી

પરવળનું સેવન કરવાથી પેટનો સોજો ઓછો થાય છે. જેમને પેટમાં પાણી ભરાઈ જવાની તકલીફ હોય તેમને માટે પરવળ વરદાન સમાન ગણાય છે. આદિવાસી હર્બલ જાણકારોના જણાવ્યા મુજબ વારંવાર પરવળનો વિવિધ પ્રકારે આહારમાં ઉપયોગ કરતાં રહેવાથી પેટ સબંધિત સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 

આંખો માટે ગુણકારી  

પરવળમાં વિટામિન એની માત્રા સમાયેલી હોય છે જે આંખોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. વિટામિન એ એક શક્તિવર્ધક ઍન્ટિઓક્સિડન્ટ ગણાય છે. જે શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે ઉપયોગી ગણાય છે. પરવળનું શાક ખાવાથી આંખોની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. સતત મોબાઈલ ઉપર રહેવાથી આંખોની તંદુરસ્તી હાલમાં નાની વયથી જ બગડતી જોવા મળે છે. તેનાથી બચવાનો સરળ ઉપાય અજમાવવો હોય તો લીલા શાકભાજીનો આહારમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. પરવળને તેમાં પ્રાધાન્ય આપવું જોઈએ. 

રોગપ્રતિકારક શક્તિ વધારે છે  

પરવળનું શાક હોય કે મીઠાઈ બંને સ્વાદિષ્ટ હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-1, વિટામિન બી-2, વિટામિન સીની સાથે કૅલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 

કૉલેસ્ટ્રોલ 

કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં સહાય કરે છે. વાસ્તવમાં પરવલમાં કૉલેસ્ટ્રોલ ઘટાડી શકે તેવા ઍન્ટિહાઇપરલિપિડેમિક ગુણો સમાયેલાં હોય છે. પરવળનો માવો કૉલેસ્ટ્રોલની સમસ્યામાં લાભકારક ગણાય છે. પરવળમાં કૅલરીની માત્રા ઘણી ઓછી હોય છે જેને કારણે તેના સેવન બાદ લોહીમાં કૉલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. 

વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી 

જેમ ખોરાક ખાતાં પહેલાં તેની ગોઠવણ આંખને ગમે તેવી સજાવવામાં આવે છે. તે જ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ શરીર સપ્રમાણ હોય તે માટે યોગ્ય કાળજી લેતા હોય છે. જેમ કે સતત બહારની ચટપટી વાનગીનું સેવન કરવાને કારણે વજન ઝડપથી વધી જાય છે. શરીર બેડોળ બને છે. વળી તેની સાથે શરીરમાં વિવિધ રોગ ધીમે પગલે ફેલાય છે. જેમાં છાતીમાં બળતરા, અપચો, પેટ ફૂલી જવું વગેરે ગણાવી શકાય. પરવળ એક એવું શાક છે જેના સેવન બાદ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરવા લાગે છે. જેમ કે પરવળમાં ફાઇબરની માત્રા ભરપૂર હોવાને કારણે તેના સેવન બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

તંદુરસ્ત હૃદય માટે ગુણકારી 

પરવળનું સેવન હૃદયની તંદુરસ્તી માટે લાભકારક ગણાય છે, કેમ કે પરવળમાં ફાઇબર વધુ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કૉલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. જે હૃદય રોગનાં વિવિધ જોખમોથી બચાવે છે. 

પરવળના જન્મસ્થળની વાત કરીએ તો તે છે ભારત. ભારતમાં સૌ પ્રથમ પરવળની ખેતીની શરૂઆત થઈ. ત્યાર બાદ ચીન, રશિયા, થાઇલૅન્ડ, પોલૅન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મ્યાનમારમાં થવા લાગી. ભારતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં થાય છે. બિહારમાં વિસ્તારપૂર્વક મેદાની વિસ્તાર દિયારા ક્ષેત્રોમાં કરવામાં આવે છે.

પરવળની ખેતી બક્સર જિલ્લાથી રાધાનગર સાહેબગંજ જિલ્લા સુધી ગંગા નદીના બંને કિનારે વિશેષ રોકડિયા પાક તરીકે કરવામાં આવે છે. જેને કારણે પરવળને દિયારા ક્ષેત્રની ‘ગ્રીન ગોલ્ડ’ કે ‘ગોલ્ડન વેજિટેબલ ઑફ દિયારા’ તરીકે ઓળખવામાં આવે છે. પરવળની વિવિધ જાતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ પરવલ -1, ફૈઝાબાદ પરવલ-2, જ્યારે બિહારમાં હિલ્લી, ડંડાલી, સોનુપુરા, સંતોખબા, ગુથલિયાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. પશ્ચિમ બંગાળમાં સિયાલદહ તથા નદિયા જિલ્લામાં પરવળની સ્થાનીય જાતિ વધુ પ્રચલિત છે. 

પરવળ સાથે જોડાયેલી ધાર્મિક વાત : કૃષ્ણ જન્મની ઉજવણી જન્માષ્ટમીના રોજ થાય છે. ત્યાર બાદ નવમી તિથિના ગુજરાતમાં ખાસ ‘પત્રાવળી’ તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્રભુના જન્મની વધામણીમાં બત્રીસ જાતના મોસમી શાકનો સમાવેશ કરીને સ્વાદિષ્ટ શાક તૈયાર કરવામાં આવે છે. જેમાં પરવળનો ખાસ સમાવેશ કરાય છે. એવી માન્યતા છે કે બાળગોપાળને ધરતી ઉપર ઊગતાં વિવિધ શાકભાજીનો સ્વાદ ચખાડીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેનો આનંદ વ્યક્ત કરવામાં આવે છે. આમ પરવળ સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ શાકમાં સ્થાન ધરાવે છે. 

પરવળનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. જેમ કે તેનું સાદું શાક કે ભરેલું શાક બનાવી શકાય છે. પરવળની મીઠાઈ ઘણી જ સ્વાદિષ્ટ બને છે. પરવળનું અથાણું બને છે.

પરવળની મીઠાઈ

સામગ્રી: 250 ગ્રામ તાજા લીલાં પરવળ, 1 વાટકી દૂધનો મોળો માવો, અડધી વાટકી દળેલી ખાંડ,1 વાટકી ખાંડ, 2 મોટી ચમચી દૂધનો પાઉડર, 2 મોટી સમચી બદામ-પિસ્તાની કતરણ, 1 મોટી ચમચી એલચી-જાયફળ-કાજુનો પાઉડર, 4-5 તાંતણા કેસરના દૂધમાં પલાળેલાં, 1 ચમચી દૂધ

બનાવવાની રીત: સૌ પ્રથમ પરવળની છાલ છોલી લેવી. એક ચીરો પાડીને અંદરથી બીજ-માવો કાઢી લેવો. તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ ઉકાળી લેવાં. બરફના ઠંડા પાણીમાં તેને ગોઠવવા. જેથી તેનો લીલો રંગ જળવાઈ રહેશે. ત્યાર બાદ એક કડાઈમાં અડધો કપ ખાંડ લેવી. ખાંડ ડૂબે તેટલું પાણી લઈને એક તારની ચાસણી બનાવી લેવી. ખાંડનો મેલ કાઢવા તેમાં એક ચમચી દૂધ ભેળવવું. 

તૈયાર ચાસણીમાં બાફેલાં પરવળને 2 મિનિટ માટે ઉકાળી લેવાં. એક કડાઈમાં ધીમી આંચે દૂધનો મોળો માવો શેકવો. માવો શેકાઈને ઠંડો  થાય ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવી, ખાંડ બરાબર એકરસ થાય ત્યાર બાદ દૂધનો પાઉડર, બદામ-પિસ્તાની કતરણ, એલચી-જાયફળ-કાજુનો પાઉડર ભેળવીને બધું એકરસ કરવું. કેસર ભેળવવું. માવાનું મિશ્રણ ઠંડું થાય ત્યાર બાદ પરવળને ચાસણીમાંથી બહાર કાઢીને તેમાં ભરવું. બદામ-પિસ્તાની કતરણથી સજાવી લેવું. ફ્રિઝમાં ઠંડું કરીને ગરમીમાં ઠંડક પહોંચાડે તેવી જરા હટકે મીઠાઈનો સ્વાદ માણવો.