Tue Jun 16 2026

Logo

ગુજરાતમાં બફારો, અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: જાણો ક્યાં છે લૂનું એલર્ટ?

2026-06-16 08:10:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્હીઃ દિલ્લી-ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં હળવા વરસાદ છતાં તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. ગરમી અને ભેજથી લોકો પરેશાન છે. આગામી 2-3 દિવસમાં તેલંગાણા, વિદર્ભના કેટલાક વિસ્તારમાં હીટવેવની સંભાવના છે. ગુજરાતમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદી માહોલ જામશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળશે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મોટી શાંતિ મળવાની આશા બંધાઈ છે. 

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ તથા બિહારના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે. આગામી 6 થી 7 દિવસમાં ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ તથા મેઘાલયમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અરૂાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 17 થી 20 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ પ્રમણે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના અનેક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મિઝોરમ સહિત દેશના 17 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે.

કયા રાજ્યમાં લૂ ની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર 16 થી 18 જૂન દરમિયાન તેલંગાણા, વિદર્ભ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઓડિશામાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહી છે. કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારમાં લૂ નું એલર્ટ જાહેર કરાયું છે.

ભારતમાં ચોમાસું કેમ નબળું પડ્યું?

ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અચાનક નબળું પડ્યું છે. દેશમાં 64 ટકા વરસાદની અછત નોંધાઈ છે. ભારતીય અર્થતંત્ર માટે કરોડરજ્જુ ગણાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસુંને લઈ એક તસવીર સામે આવી છે. સેટેલાઈટ ઈમેજ અને ભારતીય હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, દેશના મોટાભાગના હિસ્સામાં ચોમાસું અચાનક નબળું પડ્યું છે. અંતરીક્ષમાં લેવામાં આવેલી તસવીરમાં ચોમાસાના વાદળો ગાયબ હોવાનું સામે આવ્યું છે.

જૂનના બે સપ્તાહમાં દેશમાં વરસાદનો ગ્રાફ સામાન્યથી ઘણો નીચે પહોંચી ગયો છે. જેનાથી ખરીફ પાકના વાવેતર અને પાણીની ઉપલબ્ધતા પર સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ, દરિયામાં ભેજની કોઈ સમસ્યા નથી પરંતુ હવાના વર્તને ચોમાસાની ગતિ પર સંપૂર્ણ બ્રેક લગાવી છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું પરંતુ અચાનક ધીમું થઈ જવાનું કારણે દરિયાનું તાપમાન કે પાણીની અછત નથી પરંતુ ધરતીથી અનેક કિલોમીટર ઉપર વાયુમંડળમાં ચાલી રહેલા હવાઓના  દબાણનું પરિણામ છે.