(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ઝડપી પાડવા માટે સતત કામગીરી ચાલી રહી છે. ચંડોળા તળાવનું દબાણ પણ તેના કારણે જ દૂર કરવામાં આવ્યાં છે. હવે અસલાલી પોલીસ દ્વારા વધુ 6 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં 3 બાળકો પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બાંગ્લાદેશીઓ 10 વર્ષ પહેલા ગેરકાયદે ભારતમાં ધૂસ્યાં હતા અને હજી પણ વસવાટ કરી રહ્યાં છે. આ 6 લોકોની હવે અસલાલી પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પુરાવા વિના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી
જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યાંરે આ તમામ બાંગ્લાદેશીઓએ કોઈપણ માન્ય આધાર પુરાવા મળ્યા નહોતી. આ તમામ લોકોએ કોઈ પણ પુરાવા વિના ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. છેલ્લા દસ વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતા હતા, ત્યારબાદ ત્યાથી ફરાર થઈ ગયાં હતાં. પોલીસને આ મામલે જાણ થતાં તે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અસલાલી પોલીસની ટીમ જ્યારે બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાડી વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.
બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની જાણવા મળ્યું
આ લોકો શંકાસ્પદ લાગતા પોલીસે તેમની સાથે પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન આ લોકોએ તેમના નામ કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે ત્રણ નાના બાળકો પણ હતા. પોલીસે વધારે પૂછપરછ કરી અને પુરાવા જોયા ત્યારે આ લોકો મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સત્વરે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
કઈ રીતે આ લોકો ભારતમાં પ્રવેશ્યા હતા?
વિગતે વાત કરીએ તો આ લોકો બાંગ્લાદેશની સતખીરા સરહદ પરથી ચોરીછૂપીથી ચાલીને ભારતના બાસીરહાટમાં પ્રવેશ્યા હતા. બાસીરહાટથી આ લોકોએ ટેક્સી કરી અને કોલકાતા પહોંચ્યાં હતા. ત્યારબાદ કોલકાતાથી ટ્રેનમાં બેઠા અને અમદાવાદઆવ્યાં હતાં. અમદાવાદમાં આવ્યાં બાદ તેઓ ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા, ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી તેઓ વસવાટ કરી રહ્યાં હતાં. પરંતુ ત્યાં પછી મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ લોકો ત્યાથી ભાગી ગયા અને નાજ ગામમાં છૂપાઈને રહેતા હતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરીકામ કરવા લાગ્યાં હતાં.