Mon Jul 13 2026

Logo

બીજા માટે પણ વિચારો... માત્ર સ્વકેન્દ્રી ન બનો !

2026-07-12 08:37:46
Author: Ashu Patel
Article Image

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

સોશ્યલ મીડિયા પર કડવાશ ફેલાવતાં વીડિયોઝ વધુ માત્રામાં મુકાતા હોય છે, પણ હજી ય ઘણા માણસો એવા છે જે સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરતાં હોય. આવો જ એક પ્રેરક વીડિયો થોડા દિવસો અગાઉ જોવા મળ્યો. સંજય અપ્પન નામના એક બિનગુજરાતીએ ‘ઇન્સ્ટાગ્રામ’ પર એક શૅર કરેલા વીડિયોમાં કહેવાયેલી વાત મને ગમી ગઈ એટલે વાચકો સાથે શૅર કરવાનું મન થયું. હવે પછીના શબ્દો સંજય અપ્પનના છે...

કૃષ્ણ ભગવાન અને અર્જુન એક વાર એક રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા ત્યાં તેમની નજરે એક એક ભિખારી પડ્યો. તે ભીખ માગી રહ્યો હતો. એ જોઈને અર્જુનને તેની દયા આવી ગઈ. તેણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ‘આ તમે શું બનાવ્યું? એવા માણસો જ કેમ બનાવ્યા જે ભીખ માગે છે.’

કૃષ્ણ ભગવાન સાંભળ્યું ના સાંભળ્યું કરીને આગળ ચાલતા થયા. જોકે અર્જુન એ ભિખારીને બોલાવે છે અને કહે છે કે ‘ભાઈ, તું ભીખ કેમ માગે છે?’તો તે ભિખારીએ જવાબ આપ્યો કે ‘મારી પાસે પૈસા નથી એટલે હું ભીખ માગી રહ્યો છું.’

અર્જુને કહ્યું, ‘હું તને મદદ કરું છું. તારે ભીખ માગવાની જરૂર નહીં પડે.’

‘ભિખારીએ કહ્યું, ‘મારે મજબૂરીમાં ભીખ માગવી પડે છે. તમે મદદ કરશો તો હું ભીખ નહીં માગું.’

અર્જુને તેને એક સોનામહોર આપતાં કહ્યું, ‘આ લે સોનામહોર. હવે ક્યારેય ભીખ ન માગતો.’

ભિખારીએ તેનો આભાર માનતાં કહ્યું, ‘હવે હું મારા વતનમાં પાછો જતો રહીશ અને આ સોનામહોર વેચીને જે પૈસા આવશે એમાંથી એક બહુ મોટું ઘર બનાવીશ.’

ભિખારીએ સોની પાસે જઈને એ સોનામહોર વેચી. તેને  મોટી  રકમ  મળી. તે ખુશ થતો-થતો જતો હતો ત્યાં એક લૂંટારો તેની સામે આવી ગયો. તેણે તેની પાસેથી બધા પૈસા લૂંટી લીધા અને તેને લાત મારીને ભગાવી દીધો.

બીજા દિવસે કૃષ્ણ ભગવાન અને અર્જુન ફરી એ રસ્તેથી પસાર થયા. તેમણે જોયું કે તે માણસ ભીખ માગી રહ્યો છે!

અર્જુનને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ‘કાલે મેં તને એક સોનામહોર આપી હતી તોય તું ફરી પાછો ભીખ માગવા લાગ્યો!’

ભિખારીએ કહ્યું, ‘તમે કાલે મને એક સોનામહોર આપી હતી, પણ હું એ વેચીને પૈસા લઈને જતો હતો ત્યાં એક લૂંટારો આવ્યો. તેણે મને બહુ માર્યો અને લૂંટી લીધો.’

અર્જુને શાંત પડતાં કહ્યું, ‘ઠીક છે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આજે હું તને અત્યંત મૂલ્યવાન હીરો આપું છે. એ સોનામહોરથી અનેકગણો વધુ કીમતી છે. લે, આ રાખ.’

ભિખારી બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ વખતે હીરો લઈને સીધો ગામમાં જ જતો રહું. આ હીરો વેચીને ખૂબ પૈસા આવશે. હું ગામડે જઈને બહુ મોટું ઘર બનાવીશ.’

તે હીરો સાચવીને સીધો ઘરે પહોંચી ગયો. તેણે વિચાર્યું કે આ હીરાને એક માટલામાં છુપાવી દઉં છું. તેનું મન શાંત થઈ ગયું.

હવે બન્યું એવું કે તેની પત્નીએ નદીએ પાણી ભરવા જવાનું હતું. ઘરમાં કેટલાંય માટલાં હતાં, પણ તેને થયું કે આ માટલું જ લઈ જાઉં. પતિએ જેમાં હીરો છુપાવ્યો હતો એ માટલું જ લઈ ગઈ અને નદીમાં માટલું નાખ્યું અને ડાયમંડ નદીમાં પડી ગયો!

હવે તે પાછો ભીખ માગવા લાગ્યો. ફરી વાર અર્જુન અને કૃષ્ણ ભગવાન તેની નજીકથી પસાર થયા. કૃષ્ણ ભગવાને કહ્યું,‘બે દિવસથી તને જોઉ છું. અહીં આવ. તેમણે તે ભિખારીને બે પૈસા આપ્યા અને અર્જુનને કહ્યું, ‘ચાલ.’

જોકે અર્જુનને કુતૂહલ થયું એટલે તે ભિખારીની પાછળ ગયો. તેને એ જોવું હતું કે આ ભિખારી સાથે શું થાય છે. તે ભિખારી કૃષ્ણ ભગવાને આપેલા પૈસા લઈને જતો હતો ત્યાં સામે એક માછલીવાળો માછલીઓ પકડીને આવતો હતો. તેની ટોપલીમાં ઘણી માછલીઓ હતી, પણ એક માછલી તડપતી હતી. 

ભિખારીએ વિચાર્યું કે આ બે પૈસાથી હું અમથો પણ કશું નહીં કરી શકું. આ બે પૈસા આને આપી દઉં અને તડપતી માછલી લઈને નદીમાં નાખી દઉં. આ બે પૈસાને કારણે કોઈ તો ખુશ રહેશે. તેણે બે પૈસા આપીને તડપતી માછલી ખરીદી લીધી અને એને નદીમાં નાખી દીધી. 
તેણે એ માછલીને નદીમાં નાખી ત્યાં જ માછલીના મોઢામાંથી પેલો હીરો બહાર આવ્યો. છે.

માછલીના મોઢામાંથી ડાયમંડ બહાર આવ્યો એ જોઈને ભિખારી બૂમો પાડવા લાગ્યો, ‘મને મળી ગયો, મને મળી ગયો!’

એ જ વખતે જેણે તેને લૂંટી લીધો હતો તે લૂંટારો ત્યાંથી પસાર થતો હતો. તેને લાગ્યું કે આ માણસ મને જોઈને જ બૂમો પાડે છે કે ‘મળી ગયો, મળી ગયો.’

તે ડરીને ભિખારી પાસે જઈને બોલ્યો કે ‘ભાઈ, આટલી બૂમો ન પાડ. તું બૂમો પાડીશ તો ગામવાળા મને મારશે. તને તારી સોનામહોર જોઈએ છે ને? આ લે તારી સોનામહોર!’

આમ પેલા ભિખારીના હાથમાં હીરો પણ આવી ગયો અને સોનામહોર પણ આવી ગઈ.

અર્જુને તે જોયું એટલે તે કૃષ્ણ ભગવાન પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું કે ‘તમે આ કેવી રીતે કર્યું?’ કૃષ્ણ ભગવાને હસીને કહ્યું, ‘તેં તેને સોનામહોર આપી. તેણે પોતાના માટે વિચાર્યું, તેં તેને હીરો આપ્યો તો પણ તેણે પોતાના માટે જ વિચાર્યું, પણ મેં તેને બે પૈસા આપ્યા એ પછી તેણે બીજા માટે વિચાર્યું. તેણે બીજા માટે વિચાર્યું એટલે મેં તેના માટે વિચાર્યું!’
000
સંજય અપ્પનની વાત અહીં પૂરી થાય છે, પણ આખી વાતનો સાર એ છે કે આપણે બીજા માટે વિચારીએ ત્યારે ઉપરવાળો પણ આપણા માટે વિચારતો થઈ જાય છે. માણસે સ્વકેન્દ્રી બનવાને બદલે બીજાઓ માટે વિચારવું જોઈએ.