વિનોદ ભટ્ટ
વર્ષો પહેલાં હાસ્યલેખક સ્ટીફન લિકૉકનો એક લેખ વાંચ્યો હતો: ‘વી હૅવ વિથ અસ ટુનાઇટ’ (હાઉ ઇટ ફિલ્સ ટુ બી એ લૅક્ચરર). ભાષણ કરવા જતાં કેવા ટ્રૅજિ-કૉમિક અનુભવો થાય છે એનું લિકૉકે મનોરંજક આલેખન કર્યું છે. ઉ. ત. સભાનો સંચાલક જાહેર કરે કે આજે ઘણી કંગાળ હાજરી છે. અમે જોકે ક્લબના તમામ સભ્યોને વેળાસર જાણ કરી હતી કે આજે આપણી ક્લબમાં સ્ટીફન લિકૉક પધારવાના છે, તે છતાં મોટા ભાગના સભ્યોએ આજે ઘેર રહેવાનું પસંદ કર્યું છે. અલબત્ત, વક્તાને હું ખાતરી આપું છું કે અમારી આઉલ ક્લબમાં તે ફરી વાર પ્રવચન માટે આવશે ત્યારે તેમને આજના મુકાબલે ઘણું ઑડિયન્સ મળશે. વચ્ચે એક જાહેરાત કરવાની છે, જે સભ્યોએ હજી સુધી પોતાની ફી ભરી ન હોય તે કૃપા કરી આજે ભરી દે, જેથી આપણે હવે પછી વધુ સારા વક્તાઓને બોલાવી શકીએ.
*
સ્ટીફન લિકૉક તો ખરેખર એક મહાન હાસ્યકાર હતો. તેની સાથે આપણે કોઈ હાસ્યલેખકની તુલના કરીએ તો તે હાસ્યાસ્પદ ઠરે, પણ તેના સમયની ક્લબો, ઑડિયન્સ અને હોદ્દેદારો જે હતાં તે આજેય છે ને કદાચ સો વર્ષ પછી પણ હશે. આ કારણે હાસ્યલેખકોનાં ભાષણ અંગેના અનુભવો લગભગ સરખા જ ટ્રૅજિ-કૉમિક હોય છે.
એક સંસ્થામાં આ લખનાર વક્તા હતો. કાર્યક્રમની શરૂઆત કરતાં સેક્રેટરીએ કહ્યું : ‘સજ્જનો અને સન્નારીઓ, અમે તમને વરસેદા’ડે 12-13 કાર્યક્રમો આપવાનું પ્રૉમિસ આપ્યું હતું, એમાં એકાદ-બે મિમિક્રીના કાર્યક્રમો પણ થશે. આપણો આ પહેલો જ કાર્યક્રમ છે. શરૂઆત કોઈ બૌદ્ધિક લેખકને બદલે રમૂજી લેખકથી કરવી એવું સજેશન ભગુભાઈએ કર્યું, પણ એમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું થયું. ભગુભાઈની સાળીના દિયેરનો છોકરો તારક મહેતાના ભાણિયાનો ફ્રેન્ડ થાય છે એટલે એની જોડે તારક મહેતાને કહેવડાવ્યું કે અમારી સંસ્થામાં ભાષણ કરવા આવે, પણ તારકે ગ્રહણ વખતે સાપ કાઢ્યો - તબિયત બગાડી કાઢી.
એટલે પછી તેના વિકલ્પ તરીકે કોણ કોણ ચાલી શકે એનું લિસ્ટ બનાવવા બેઠા, ગમે તેવા માણસને તો બોલાવાય નહીં, એમાં સંસ્થાની આબરૂનો સવાલ ઊભો થાય, એટલે બે મિમિક્રી આર્ટિસ્ટને પુછાવ્યું તો તેમણે પાંચ હજાર રૂપિયા માગ્યા. એક કલાક હસાવવાના પાંચ હજાર? ભગુભાઈ કહે ના અપાય. ઠીક છે, પચ્ચીસ-પચાસ રૂપિયાનો સવાલ હોય તો ખિસ્સામાંથી આપી દેત. પછી આપણી સંસ્થાનું એકાઉન્ટ લખતા શાહભાઈએ જણાવ્યું કે તમે કહેતા હો તો વિનોદ ભટ્ટને બોલાવીએ, એ કદાચ નભી જશે. એકાદ-બે વાર તેમને સાંભળ્યા છે, આપણે તો જ્યાં ત્યાં હાસ્યનો એક પ્રોગ્રામ જ કરવો છેને! અને મુખ્ય વાત એ કે તે કશું લેતા નથી, એટલે આપણને સાવ મફતમાં પડશે. અડધો-પોણો કલાકમાં તે પાંચ-છ વખત તો હસાવશે જ. જોકે તેમના એકલા પર આટલી મોટી જવાબદારી નાખી શકાય નહીં. હસવાની તો આપણીય ફરજ બની રહે.
અને મને જણાવતાં આનંદ થાય છે કે આપણે આજે વિનોદ ભટ્ટને મેળવી શક્યા છીએ. આપણને તે ચોક્કસ હસાવશે એવી મને શ્રદ્ધા છે, પણ એ માટે તમારા બધાનો સહકાર પણ એટલો જ જરૂરી છે. આપણા આજના હાસ્ય-વક્તા વિનોદ ભટ્ટની જાણ માટે જણાવવાનું કે ગયે વર્ષે અમે એક ગાવાવાળાને તેની મંડળી સાથે બોલાવ્યો હતો. આમ તો ન બોલાવત, પણ અમારી સંસ્થાના પાયાના સ્થાપક ભાણજીભાઈનો તે ભાણેજ-જમાઈ થતો હતો ને ભાણજીભાઈની એવી ઇચ્છા પણ હતી. એ ગાયકને પૂછયું કે શું લેશો? તમારો કોઈ ચાર્જ-બાર્જ? તેણે કહ્યું કે આ તો મારું ઘર કહેવાય, તમે મને કાર્યક્રમ આપવા બોલાવો છો એ જ મારું બહુમાન છે, સ્વજનો પાસેથી તો શું લેવાનું હોય? પણ કાર્યક્રમ પત્યા બાદ તેણે અગિયાર હજાર રૂપિયા માગ્યા.
મેં તેને પૂછ્યું કે ભાઈ, તમે તો કશું નથી લેવાનું એવું કહેતા હતા, તો તેણે મને સામે પૂછ્યું કે અમદાવાદમાં રહો છો ને ગુજરાતી ભાષા નથી સમજતા? આ તો કહેવાની એક રીત હોય છે. બાકી મફતમાં તે કોઈ તમને પ્રોગ્રામ આપતું હશે? ને તેય પાછું અમદાવાદમાં? મેં જાતે તેને સમજાવવા કોશિશ કરી કે અમારી તો સેવા-સંસ્થા છે. સંસ્થા પાસે પૂરી સભ્યસંખ્યા પણ નથી એટલે અમે માગી-ભીખીને ડોનેશન લાવીને સંસ્થા ચલાવીએ છીએ. ત્યારે તેણે નફ્ફટાઈથી મને સંભળાવ્યું કે માગવા માટે મારા નામે બે ઘર વધારે ફરજો, પણ અગિયાર હજારથી ઓછી પાઈ પણ હું લેવાનો નથી... એટલે ત્યારથી આ સંસ્થાએ નક્કી કર્યું છે કે અહીં કાર્યક્રમ આપવા આવનાર સાથે તેને શું આપવાનું છે એ કરતાંય શું નથી આપવાનું તેની ચોખવટ કરી લેવી, જેથી કોઈ ગેરસમજ ન થાય. મિત્રો, વિનોદભાઈને પણ આપણે એ જ શરતે લાવ્યા છીએ કે આપણે તેમને માઇક અને ઑડિયન્સ સિવાય બીજું કશું જ આપવાના નથી. વિનોદભાઈ, બરાબર છે ને?
વક્તા તરીકે વિનોદભાઈ આજે સફળ જશે જ એમ કહેવું કવેળાનું ગણાશે, હા એ માટે આપણે તેમને શુભેચ્છા ચોક્કસ આપી શકીએ અને આગળ તેમની સાથે કરેલી ચોખવટ બદલ તે માઠું નહીં લગાડે એવી મને શ્રદ્ધા છે, પણ હાસ્યવક્તાઓ ને મિમિક્રિવાળાઓ પૈસા માટે અમારા જેવી સેવા-સંસ્થાઓને બહુ તંગ કરતા હોય છે. મિત્રો, તમે તો જાણો છો કે બે વર્ષ પહેલાં આપણે હિન્દી ફિલ્મના એક કૉમેડિયન-વિલનને ‘ફંડ-રેઝિંગ પ્રોગ્રામ’ માટે બોલાવ્યો હતો, પણ છેલ્લી ઘડીએ તે વિલન જ નીકળ્યો. આવવાની ના પાડી દીધી. અમે મુંબઈ ગયા, તેને પ્લેનની જવા-આવવાની ટિકિટ મોકલી હતી, કામા હોટેલમાં રહેવાની સગવડ પણ કરી આપી હતી. હવે! વિલન ન આવ્યો તો કંઈ નહીં, એને બદલે કોઈ કૉમેડી-લેખકને પકડીએ. વિનોદભાઈને યાદ હશે કે એ વખતે અમે તમારોય સંપર્ક કર્યો હતો, પણ તમે અન્ય રોકાણોને લીધે ના પાડી હતી. પછી અમે એક બીજા રમૂજી લેખક પાસે ગયા. કહ્યું કે આમની વાત આમ છે, પેલો કૉમેડિયન કમ વિલન છેલ્લી ક્ષણે ફસકી પડ્યો એટલે અમે એક વિકલ્પ તરીકે તમારી પાસે આવ્યા છીએ. અમને નિરાશ ના કરશો. એ રમૂજી લેખકે તો ગંભીર અવાજે કહી દીધું કે રૂપિયા ત્રણ હજાર આપો તો આવું.
‘ત્રણ હજાર? એટલા બધા? આમ તો તમે બસો-અઢીસોમાં આવો છો.’ અમારામાંના એક જણે દલીલ કરી.
‘જુઓ આ સ્પેશિયલ વર્ધી છે, નોટિસ પણ ટૂંકી છે. વૉશિંગ કંપનીવાળાય અર્જન્ટ ડિલિવરીના વધુ પૈસા નથી લેતા? અને ત્રણ હજારમાંય તમને તો ફાયદો જ છે ને? જો એ ઍક્ટર આવ્યો હોત તો જવા-આવવાનું પ્લેન ભાડું, હોટેલનો ખર્ચ, ખાવા ને ખાસ તો પીવાની સગવડ પણ કરવી પડત - એ તમને કેટલામાં પડત?’ દલીલ સામે દલીલ, આપણા ભગુભાઈએ એ વખતે મારા કાનમાં કહેલું કે પેલો કૉમેડિયન-કમ વિલન હતો, એ વિલન-કમ કૉમેડિયન છે, બાળો ત્રણ હજાર, ગરજે ગધેડાનેય બાપ કહેવો પડશે. અમે કહ્યું કે ભલે, તમને ત્રણ હજાર આપીશું. ત્યારે તે આગળ વધ્યો. કહ્યું : ‘ટૅક્સીના ત્રણસો જુદા થશે.’
‘પણ અમે તો તમને કારમાં લાવવા-લઈ જવાના છીએ.’
‘એ તો તમારે આપવા જ પડશે,’ તેણે ભારપૂર્વક કહ્યું, આ મારું ધોરણ છે. બોલો, આપવા પડ્યા. ભાષણ કરવાના તે કંઈ પૈસા લેવાતા હશે? ને તે પણ એક સેવા-સંસ્થા પાસેથી? લેખકની સમાજ તરફ કોઈ જવાબદારી ખરી કે નહીં? જોકે વિનોદભાઈ આ બાબતમાં મૅનેજેબલ છે. અમે તેમને મળવા ગયા. તારીખ માગી તો તે બોલ્યા કે હું તો હવે રિટાયર્ડ થઈ ગયો છું એટલે કાયમ ફ્રી જ હોઉં છું, તમને અનુકૂળ હોય એ તારીખે બોલાવજો, આવીશ. મેં તેમને પૂછયું કે તમે રિક્ષામાં આવી જશો કે અમારે લેવા આવવું પડશે? તેમણે તરત જ કહી દીધું કે તમે લેવા આવશો તો ગમશે, પણ જો તમને ફાવે તેમ ન હોય તો પછી મારી રીતે બસ કે રિક્ષામાં આવી જઈશ. મને એ ગમ્યું. જેમ સારા લેખક બનવું એ ઈશ્ર્વરાધીન છે તેમ સારા સફળ વક્તા થવું એ પણ કુદરતની દેન છે. બધા પાસે વક્તૃત્વશક્તિ એકસરખી ન પણ હોય, પરંતુ દરેક વક્તાનો વ્યવહાર તો જે તે સંસ્થાને અનુકૂળ હોવો જોઈએ. વિનોદભાઈનો વ્યવહાર સારો છે, વક્તા તરીકે તે ગમે તેવા હોય, આપણે તેમને સ્વીકારી લીધા છે.’
*
ખેડા જિલ્લાના એક ગામમાં ભાષણ કરવા જવાનું થયું. લગભગ પંદર મિનિટ બોલ્યો, છતાં એક પણ શ્રોતા હસે નહીં. આથી ધીરે ધીરે હું નર્વસ થવા માંડ્યો. મારી બાજુમાં બેઠેલા એક વડીલને મેં પૂછ્યું કે આ લોકોને થયું છે શું? કેમ હસતા નથી? ગામમાં કોઈ મરણ-બરણ થયું છે? ‘હા’, તેમણે માહિતી આપી : ‘રૂના એક વેપારી ગુજરી ગયા. બહુ મોટા દાનવીર હતા. ગામની ભાગોળે પરબ, પરબડી ને હવાડા બનાવવા તેમણે દાન આપ્યું હતું. જોકે તેમના મર્યાને આજે છ મહિના થઈ ગયા.’ ‘ગામ હજીય એમનો શોક પાળે છે?’ મેં પૂછયું, એટલે મારા હાથમાંથી માઇક લઈ તેમણે શરૂ કર્યું : ‘ઉકાભાઈ બુઝુર્ગ હતા. 89 વર્ષે પાછા થયા, તે પાંચમાં પુછાતા. તેમને લીધે ગામ ઊજળું હતું, એ બધુંય સાચું, પણ તેમના ઘરવાળાઓએ તો પંદર દિવસમાં જ શોક મૂકી દીધો હતો, માટે કૃપા કરી તમે પણ એ ભૂલી જાઓ.
અંગ્રેજીમાં કહ્યું છે ને કે શો મસ્ટ ગો ઑન? આજે આપણને આ ભાઈ હસાવવા આવ્યા છે. તેમના ભાષણમાં હસવા જેવું તો મનેય નથી લાગતું, પણ આપણે બધાએ વ્યવહારે હસવું જોઈએ. શહેરની પેલી કઈ, હા લાફિંગ ક્લબમાં જઈને લોકો ખોટેખોટું હસે છે એ જ રીતે તમેય હસો, એમાં આપણા ગામનું ગૌરવ છે. આ વરસે વરસાદ જોઈએ એવો થયો નથી, રોગચાળાથી ગામનાં ઘણાં ઢોરઢાંખર મરી ગયાં છે. કમર તોડી નાખે એવી મોંઘવારીને લીધે આપણું જીવવું હરામ થઈ ગયું છે. મેં તો કેશુભાઈને કહ્યું હતું કે આવા કપરા કાર(ળ)માં હસીશું તો ભૂંડા લાગીશું, હસવાનો કાર્યક્રમ આવતી સાલ પર જવા દો, પણ એ ન માન્યા. જીદે ચડ્યા કે દાસભાઈ, આપણાં લાગ્યાં તો આપણે જ ભોગવવાનાં છે. એટલે ભાઈઓ ને બહેનો, આટલી વાર હસી લો, એવું હશે તો ફરી વાર આવા ખિખિયાટા કરાવનારને નહીં બોલાવીએ’ પણ એમ હસી પડવાથી ગામમાં ખોટો દાખલો બેસશે એવી સમજથી કોઈ હસ્યું નહીં.
*
અને હવે પછીનો કિસ્સો કાલ્પનિક હોત તો મને વધારે ગમત, પણ સાચો છે. એક સેવા-સંસ્થાના ઉત્સાહી હોદ્દેદારે મારો પરિચય કરાવવાનું માથે લીધું હતું. પરિચયમાં તેમણે બોલવાનું શરૂ કર્યું : તેમનું નામ વિનોદભાઈ ભટ્ટ છે. તે હાસ્ય-કલાકાર છે, કૉમેડિયન છે. (બાજુમાં બેઠેલા બીજા એક સજ્જને તેમનો ઝભ્ભો ખેંચી, તેમને સુધારતાં કહ્યું જે માઇકમાં પણ સંભળાતું હતું, કૉમેડિયન નહીં, કૉમેડી લેખક.’ ત્યારે પરિચય આપનારે તેમની સામે જોઈ છાસિયું કરતાં ચોખવટ કરી કે એ બધું એક જ કહેવાય. જાત તો તુંબડાની જ ને!) તે ‘જનસત્તા’માં ટુચકા લખે છે. (ફરી પાછા પેલા સજ્જને તેમનો ઝભ્ભો ખેંચતાં કહ્યું કે સારાભાઈ, જનસત્તા નહીં, ‘સંદેશ’.... ‘સંદેશ.’ તેમની સામે જોઈ આ વખતે છણકો કરતાં સારાભાઈએ જણાવ્યું કે તેમને ત્યાં ‘સંદેશ’ નથી આવતું.
સેવંતીલાલ આ રીતે ઝભ્ભો ખેંચીને મને પરેશાન ના કરો, મારી લિંક તૂટી જાય છે). તે ભારતભરમાં પ્રસિદ્ધ છે ને ગુજરાત તેમ જ અમદાવાદમાં પણ તે જાણીતા છે. તેમણે થોડાંક પુસ્તકોય લખ્યાં છે. (પછી મારી સામે જોતાં સારાભાઈએ પૂછયું : પેલું ‘મળેલા જીવ’ - ‘બળેલા જીવ’ તમે લખેલું? મેં ડોકું ધુણાવી ના પાડી એટલે તે બોલ્યા : ‘તો ઠીક’) અને રણજિતરામ નામના કોઈ માણસે તેમને લખવા માટે ‘રણજી ટ્રોફી’ કે એવું કશુંક આપ્યું છે.
આ વાંચ્યા પછી મિત્રો, તમને પણ થશે કે સ્ટીફન લિકૉકે ભલે ખાંડ ખાધી હોય કે તેને ત્યાં જ વિશિષ્ટ પ્રકારનું ઑડિયન્સ ને ખાસ પ્રકારના ચૅરમૅનો હતા, પણ એવું નથી. અહીં તો એનાથીય ટપી જાય એવા વક્તાઓ, શ્રોતાઓ અને સંચાલકો પણ મળી આવે તેમ છે.