(ઉત્સવ વૈદ્ય)
ભુજઃ પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે. કાર અને મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોના એક ટોળાએ રહેણાંક મકાનને નિશાન બનાવી, ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. આ શખ્સો ઘરમાં તોડફોડ આચરી, મંદિરના ગલ્લામાંથી રૂપિયા 10,000ની રોકડ અને આંગણામાં પાર્ક કરેલું ટુ-વ્હીલર લૂંટીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, આ ઘટના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બની હતી. એક ઇકો કાર અને મોટરસાઇકલ પર સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સો અચાનક ગણેશનગરના એક મકાનમાં ધસી ગયા હતા. એ સમયે ઘરમાં માત્ર મહિલાઓ જ હાજર હતી. ઘરમાં પ્રવેશેલા શખ્સોએ કોઈ પણ કારણ વગર અચાનક જ ઘરના સામાનની તોડફોડ શરૂ કરી દીધી હતી, જેના લીધે ગભરાઈ ગયેલી મહિલાઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. ત્યારબાદ આ તત્ત્વોએ ઘરના મંદિરમાં રાખેલી રૂપિયા 10,000ની રોકડ રકમ આંચકી લીધી હતી અને બહાર નીકળતી વખતે આંગણામાં પડેલું વાહન પણ હંકારી જઈ લૂંટને અંજામ આપ્યો હતો.
ધોળા દિવસે બનેલી આ ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનાર પરિવારના નિવેદનો નોંધી આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરાવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય, પોલીસે ફૂટેજ કબજે કરીને લૂંટારુ ટોળકીને ઝડપી પાડવા અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. વહીવટી સ્તરે મોડી રાત સુધી ગુનો નોંધવાની તજવીજ ચાલુ રહી હતી.