Sun Jul 12 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસ, 40 દિવસમાં 70 વખત ચોરી થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો

2026-07-12 10:37:00
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યાઃ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનની ચોરીના મામલે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અને એસઆઈટીની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ માત્ર 40 દિવસમાં જ અંદાજે 70 જેટલી વખત દાનની રકમ પર હાથ સાફ કર્યો હતો. આ સનસનીખેજ ખુલાસા બાદ રામ મંદિર ટ્રસ્ટે દાનની રકમની ગણતરીને લઈને અત્યંત કડક પગલાં લીધા છે અને આખી વ્યવસ્થા બદલી નાખી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બીજી શિફ્ટમાં જ થતી હતી ચોરી

તપાસ દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ છે કે, ચોરીની તમામ ઘટનાઓ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલતી બીજી શિફ્ટ દરમિયાન જ આચરવામાં આવતી હતી. પ્રથમ શિફ્ટમાં આવી કોઈ ગેરરીતિ સામે આવી નથી. આથી, મંદિર વહીવટી તંત્ર દ્વારા હવે સાંજની શિફ્ટને બંધ કરીને માત્ર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીની સિંગલ શિફ્ટમાં જ દાન ગણવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ જે ગણતરી બે અલગ-અલગ શિફ્ટમાં થતી હતી, તેને હવે સુરક્ષાના કારણોસર માત્ર એક જ શિફ્ટમાં મર્યાદિત કરી દેવામાં આવી છે. જેથી દાનની રમકમાં થતી હેરફેરનો રોકી શકાશે. 

મુખ્ય સૂત્રધાર અવિનાશ શુક્લાની મોટી કરતૂત

પોલીસ અને એસઆઈટી દ્વારા કરાયેલી પૂછપરછમાં આરોપીઓ અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડે પાસેથી ઘણી મહત્વની કડીઓ મળી છે. પોલીસે જણાવ્યું કે, આ આખા કૌભાંડમાં સૌથી સક્રિય ભૂમિકા અવિનાશ શુક્લાની રહી છે. કારણ કે, અવિનાશ શુક્લાએ એકલા હાથે જ 50 થી વધુ વખત દાનમાંથી પૈસા સેરવી લીધા હોવાની કબૂલાત કરી છે.

ઘણી વખત તો એક જ દિવસમાં ત્રણ વાર ચોરી થતી

આ આરોપીઓ એટલા બેફામ બન્યા હતા કે 40 દિવસની અંદર એવા 5 દિવસો હતા, જ્યારે તેઓએ એક જ દિવસમાં ત્રણ-ત્રણ વખત દાનમાંથી રકમ ચોરી કરી હતી. આ સિવાય ઘણા દિવસોમાં બે-બે વાર ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. તપાસ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે અવિનાશ શુક્લા અને અનુકલ્પ મિશ્રા આ ચોરીના નેટવર્કમાં એકબીજાને પૂરો સાથ-સહકાર આપતા હતા. પોલીસ હજી પણ અન્ય પાસાઓની તપાસ ચલાવી રહી છે.