Tue Jul 07 2026

Logo

ડૉલર સામે રૂપિયો 47 પૈસા ઉછળીને 95ની અંદર

2026-07-07 19:55:25
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ પર વધેલા ટ્રાફિકને ધ્યાનમાં લેતા વૈશ્વિક સ્તરે જોખમોનું પ્રમાણ હળવું થવાની સાથે પુરવઠાખેંચની અનિશ્ચિતતા દૂર થવાના આશાવાદ તેમ જ સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડ તેલના ઑગસ્ટ ડિલિવરી શરતે ભાવમાં બેરલદીઠ 11 ડૉલરનો ઘટાડો કર્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 47 પૈસાના ઉછાળા સાથે 95ની સપાટીની અંદર ઊતરીને 94.96ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી ફુગાવાલક્ષી દબાણ પણ હળવું થવાની શક્યતાને લીધે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.43ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.33ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.37 અને ઉપરમાં 94.94ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 47 પૈસાના સુધારા સાથે 94.96ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો પચ્ચીસ પૈસા નબળો પડ્યો હતો. 

વૈશ્વિક સ્તરે જોખમો હળવા થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં ફુગાવામાં વૃદ્ધિ અટકવાના આશાવાદ સાથે આજે ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયો 94.60થી 95.30ની રેન્જમાં રહેશે.

જોકે, આયાતકારોની ડૉલરમાં હેજરૂપી લેવાલી રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.11 ટકા વધીને 100.96 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી 1.19 ટકાના સુધારા સાથે બેરલદીઠ 72.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 104.35 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 31.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 243.03 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.