Mon Oct 05 2026

Logo

મુન્દ્રા એર ટેક્સીની સવારી મોંઘી બની, ઓફર પૂર્ણ થતાં જ ભાડામાં 5 ગણો તોતિંગ વધારો

2026-09-08 10:31:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રા એર ટેક્સીની સવારી મોંઘી બની, ઓફર પૂર્ણ થતાં જ ભાડામાં 5 ગણો તોતિંગ વધારો

ભુજઃ કચ્છના ઔદ્યોગિક મથક  મુન્દ્રાને રાજ્યના વિવિધ શહેરોને જોડતી એર ટેક્સી સેવાનો લાભ લેતા મુસાફરો અને વેપારીઓને હવે હવાઈ સફર માટે વધુ પૈસા ચૂકવવા પડશે. એર ટેક્સી કંપની દ્વારા શરૂઆતમાં આપવામાં આવેલી રૂ ૪૯૯, રૂ.૫૯૯ અને રૂ.૭૦૦ના માનવામાં ન આવે તેવા સસ્તા દરોની ઈન્ટ્રોડક્ટરી ઓફર્સ પૂર્ણ થઈ જતાં ભાડાંમાં ત્રણથી પાંચ ગણો વધારો ઝીંકાયો છે.

મળતી સત્તાવાર વિગતો મુજબ, મુંદરાથી ગુજરાતના વિવિધ શહેરો માટે તા. ૭ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર સુધીના પ્રવાસ માટે નવા વધારેલા ભાડાં સાથેનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. નવા દર મુજબ, મુન્દ્રાથી રાજકોટ માટેનું ભાડું રૂ.૧,૮૯૯, દીવ માટે રૂ.૨,૫૬૮ અને વડોદરા રૂટ માટેનું ભાડું રૂ ૨,૭૮૩ નક્કી કરવામાં આવ્યું છે. ભાડાની રકમમાં જીએસટી પણ ઉમેરાશે. 

બીજી તરફ, મુન્દ્રા-જામનગર રૂટના આખરી દરો ટૂંક સમયમાં જાહેર કરાશે. પ્રારંભિક તબક્કે રાહતદરે વિમાન સેવા શરૂ થતાં સ્થાનિક ઉદ્યોગકારો અને મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, એકાએક ભાડાંમાં મસમોટો વધારો ઝીંકાતાં નિયમિત પ્રવાસ કરતા વેપારી વર્ગ અને મુસાફરોના બજેટ પર સીધી અસર પહોંચશે.

(ઉત્સવ વૈદ્ય)