કાશ્મીર: કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 60 મિનિટની અંદર વાદળ ફાટવાની બે ઘટનાઓ બની છે. શનિવારની રાત્રે અહીં વાદળ ફાટ્યું છે. પહલગામ અને શાંગસ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંની હોટેલો અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જેના કારણે પ્રવાસન પર પણ માઠી અસર પડી છે. હવામાન વિભાગ અને વહીવટી તંત્રએ પ્રવાસીઓને સાવચેતી રાખવાની સૂચના આપી છે અને વરસાદ દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
પહલગામ પાણીમાં
અનંતનાગમાં વાદળ ફાટ્યા બાદ પહલગામ અને શાંગસમાં અચાનક ભયાનક પૂર આવી ગયું. અહીં હોટેલો અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. પાણીની ગતિ એટલી ઝડપી હતી કે જોતજોતામાં રહેણાંક વિસ્તારો, ખેતરો અને હોટેલોમાં કાટમાળ જમા થઈ ગયો. સારી વાત એ છે કે આ સમગ્ર તબાહી વચ્ચે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. વાદળ ફાટ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય છે અને ઘટનાસ્થળે રાહત તેમજ બચાવ કામગીરીની ટીમો તહેનાત કરવામાં આવી છે.
60 મિનિટમાં 2 વાર ફાટ્યું વાદળ
અનંતનાગ જિલ્લામાં 60 મિનિટની અંદર 2 વાર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાની પહેલી ઘટના શાંગસના ચટરગુલના ઉપરના પહાડી વિસ્તારોમાં બની હતી. વાદળ ફાટવાને કારણે આરિપથ નાળાનું જળસ્તર જોખમી રીતે વધી ગયું. પહાડો પરથી નીચે આવેલો આ પૂરનો પ્રવાહ પોતાની સાથે ભારે માત્રામાં કાદવ, વિશાળ પથ્થરો અને ઝાડનો કાટમાળ લઈને આવ્યો હતો. આ પાણી સીધું સ્થાનિક લોકોના ખેતરો અને સફરજનના બગીચાઓમાં ઘૂસી ગયું, જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે.
અનંતનાગમાં એલર્ટ જાહેર
વાદળ ફાટ્યા બાદ અનંતનાગમાં રવિવારે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી તમામ વિભાગોને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. ઓવેરા નાળા પાસે આવેલી હોટેલોમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને રેસ્ક્યૂ ટીમોની મદદથી સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) જાહેર કરીને સ્થાનિક લોકો અને પ્રવાસીઓને આરિપથ અને ઓવેરા નાળા સહિતના તમામ જળાશયોથી દૂર રહેવાની કડક સૂચના આપી છે. હાલમાં રાહત અને બચાવ ટીમો કાટમાળ હટાવવા અને નુકસાનની ચોક્કસ ગણતરી કરવાના કામમાં લાગેલી છે.
હિમાલયમાં કેમ વધી રહી છે વાદળ ફાટવાની (ક્લાઉડ બર્સ્ટ) ઘટનાઓ?
હિમાલયના પર્વતોની રચના
સંશોધકોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી અને અરબ સાગર તરફથી આવતા પવનો જ્યારે હિમાલયના ઊંચા ઢોળાવો સાથે અથડાય છે, ત્યારે તેઓ ખૂબ જ ઝડપથી ઉપર તરફ વધે છે. ઉપર જતાં જ આ હવા ઠંડી થાય છે અને ક્યુમ્યુલોનિમ્બસ (Cumulonimbus) વાદળો બનાવે છે. એટલે કે કાળા, ઘાટા અને ગાજવીજવાળા વાદળો, જે ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં ભારે વરસાદ લાવે છે. આ પ્રક્રિયાને 'ઓરોગ્રાફિક લિફ્ટ' (Orographic lift) કહેવામાં આવે છે. IMD (હવામાન વિભાગ)ના સંશોધન મુજબ, આવું સામાન્ય રીતે 1 હજારથી 2500 મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં થાય છે. અહીંની ઘણી ખીણો વાટકા (કટોરા) જેવા આકારની છે. આ ખીણોમાં વાદળો ફસાઈ જાય છે અને પવનનો પ્રવાહ રોકાઈ જાય છે. આવી સ્થિતિમાં, વાદળો એક જ જગ્યાએ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી વરસાવી દે છે. જ્યાં આ પાણી પડે છે તે જગ્યાએ ભારે તબાહી મચી શકે છે, જ્યારે તેનાથી થોડા કિલોમીટર દૂર જ સામાન્ય વરસાદ હોઈ શકે છે.