ટોરંટો: ટાઉન ઓફ ટોરંટોમાં યોજાયેલા એક સ્ટ્રીટ ફેસ્ટિવલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં (શૂટિંગમાં) ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. કેનેડાના આ શહેરમાં પોલીસને શરૂઆતમાં સેન્ટ ક્લેયર એવેન્યુ પર એક એક્ટિવ શૂટર હોવાની માહિતી મળી હતી. આ સ્થળે સાલ્સા ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો.
પોલીસને ગોળી વાગવાથી ઘાયલ થયેલા છ લોકો મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે બે લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળને સુરક્ષિત કરી લીધું હતું, પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો.
સીબીએસ ન્યૂઝ અનુસાર, ગોળીબાર કરનાર શંકાસ્પદ હજુ પકડાયો નથી. પોલીસ ગોળીબાર કરવામાં કેટલા લોકો સામેલ હતા તેની તપાસ ચલાવી રહી છે. 11 અને 12 જુલાઈ વચ્ચે ટોરંટોમાં વાર્ષિક 'સાલ્સા ઓન સેન્ટ ક્લેયર લેટિન ફેસ્ટિવલ' યોજાવાનો હતો. આ એક વાર્ષિક મહોત્સવ છે જેમાં અનેક લાઈવ મ્યુઝિક અને ડાન્સ પર્ફોર્મન્સ થાય છે.
ટોરંટો પોલીસ સર્વિસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે આશરે 8 વાગ્યા પછી તરત જ સેન્ટ ક્લેયર એવેન્યુ વેસ્ટ અને અર્લિંગટન એવેન્યુ નજીક બની હતી. જેવો ગોળીબાર શરૂ થયો કે તરત જ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ઘટનાસ્થળ પર 6 લોકો ગોળીબારનો ભોગ બનેલા મળ્યા હતા, જેમાંથી બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 4 ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
વિસ્તારમાં 'એક્ટિવ શૂટર'નું એલર્ટ
પ્રાથમિક તપાસ બાદ ટોરંટો પોલીસે સ્થિતિને અત્યંત ગંભીર ગણાવતા આને 'એક્ટિવ શૂટર'ની ઘટના ગણાવી છે. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને હુમલાખોરને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સામાન્ય જનતા માટે કડક ચેતવણી જારી કરીને આ સમગ્ર વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે.
પોલીસે શરુ કરી તપાસ, હુમલાનું કારણ અકબંધ
હાલમાં પોલીસે હુમલાના કારણ અથવા હુમલાખોરના હેતુ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી, તેમજ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડની પુષ્ટિ પણ થઈ નથી. પોલીસ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે અને ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં ચેક કરી રહી છે.