Sun Jul 12 2026

Logo

મહારાષ્ટ્રના નંદુરબારની હોસ્ટેલમાં 40 બાળકો ફૂડ પોઇઝનિંગના શિકાર, 8 વિદ્યાર્થીઓની હાલત ગંભીર

2026-07-12 11:56:44
Author: Mumbai Samachar Team
Article Image

 

નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદામાં સોશિયલ વેલફેર (સામાજિક કલ્યાણ) વિભાગની હોસ્ટેલમાં ભોજન લીધા બાદ 40 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જિલ્લા પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે.

શહાદા રૂરલ (ગ્રામીણ) હોસ્પિટલમાં 14 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જ્યારે 8 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાથી તેમને શહાદાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ભોજન લીધા પછી તરત જ ઉલ્ટી અને અન્ય તકલીફની ફરિયાદ શરૂ કરી દીધી હતી, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

હોસ્ટેલમાં કોઈ સુપ્રિટેન્ડન્ટ નથી

આ ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે હોસ્ટેલમાં ન તો કોઈ હોસ્ટેલ સુપ્રિટેન્ડન્ટ (ગૃહપતિ) છે અને ન તો કોઈ અન્ય અધિકારી. ચોંકાવનારી વાત એ છે કે હોસ્ટેલ સ્ટાફ કે અધિકારીઓમાંથી કોઈને પણ આ ભોજનની અસર નથી થઈ, માત્ર બાળકો જ બીમાર પડ્યા છે. આનાથી બેદરકારીની આશંકા વધુ પ્રબળ બની છે

અધિકારીઓએ લીધી નોંધ 

ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. મિતાલી શેટ્ટી, સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) અશ્વિની સનપ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટરે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ વેલફેર (સામાજિક કલ્યાણ) વિભાગની કથિત બેદરકારીને લઈને વાલીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિભાગીય બેદરકારી પર સવાલો

સોશિયલ વેલફેર (સામાજિક કલ્યાણ) વિભાગ દ્વારા સંચાલિત આ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને પહેલા પણ ફરિયાદો આવતી રહી છે, પરંતુ પ્રશાસન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. વાલીઓ હવે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે બાળકોની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા પ્રશાસને આશ્વાસન આપ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને હોસ્ટેલની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવામાં આવશે. હાલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે અને તેઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.