મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું છે, જેથી મુખ્ય પ્રધાનની સાથે નાયબ મુખ્ય પ્રધાનના પાટનગર દિલ્હીના આંટાફેરા વધ્યા છે. સીએમ પદ છોડવાથી લઈને અન્ય અટકળોને લઈ આજે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ છોડીને દિલ્હી જવાની અને કેન્દ્રની રાજનીતિમાં પ્રવેશ કરવાની અટકળો પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દિલ્હી ક્યારે જઈ રહ્યાં છે? તેના જવાબમાં ફડણવીસે હસતાં હસતા કહ્યું હતું કે અનેક લોકોને એવું લાગે છે કે તેમણે દિલ્હી જવું જોઈએ, પરંતુ તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ મુંબઈમાં જ રહેશે.
ફડણવીસે આ ચર્ચાઓ પર જવાબ આપતા જણાવ્યું હતું કે “મને એવું લાગે છે કે ઘણા નકામા લોકો છે, જેમને મારી સાથે અથવા મારા વિશે ચર્ચા કરવી ગમે છે, તેથી તેમને મોજ કરવા દો.” તેમણે વધુમાં કહ્યું કે તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં જ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની જનતાએ તેમને રાજ્યની જવાબદારી સોંપી છે અને તેઓ આ જવાબદારી નિભાવતા રહેશે.
ફડણવીસની તાજેતરની દિલ્હી મુલાકાત બાદ તેમના દિલ્હી જવાની અટકળોને વેગ મળ્યો હતો. દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે તેમણે વડા પ્રધાન સાથે મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપી હતી અને વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી હતી. તેમની દિલ્હી મુલાકાતને કારણે ઊભી થયેલી રાજકીય ચર્ચાઓ અંગે તેમણે કહ્યું કે તેઓ જ્યારે દિલ્હી જાય છે ત્યારે પણ ચર્ચા થાય છે અને મુંબઈમાં રહે ત્યારે પણ ચર્ચા થાય છે.
દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે આગામી એક-બે મહિનામાં કેન્દ્ર સરકારમાં કેબિનેટ વિસ્તરણ અથવા ફેરબદલ થાય તો મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ફડણવીસને કેન્દ્રમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી અટકળો તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, ફડણવીસે આ ચર્ચાઓ પર વ્યંગ કરતાં કહ્યું હતું કે "જેને જે તારા તોડવા હોય, જેને જે ફુગ્ગા ઉડાવવા હોય અને જેને જે પતંગ ચગાવવી હોય, તેમને તે કરવા દો.” તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે તેઓ મહારાષ્ટ્રમાં જ છે અને રાજ્યની જનતાની સેવા કરતા રહેશે. આ જવાબ બાદ હવે ફડણવીસની કેન્દ્રીય રાજનીતિમાં પ્રવેશની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.