(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનના મહિલા કોચમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. વાયરલ વીડિયો અંધેરીથી વિરાર જતી લોકલ ટ્રેનનો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ આજે સવારે 8:13 વાગ્યાની સ્લો લોકલ ટ્રેનના મહિલા કોચમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ અંધેરી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી કેટલીક મહિલાઓ ટ્રેનમાં ચઢ્યા બાદ નજીવી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કી તેમ જ મારામારી થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં કોચની અંદર કેટલીક મહિલાઓ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરતી અને એકબીજાને ધક્કા મારતી જોવા મળી હતી. જોકે, ઝઘડાની શરૂઆત કયા ચોક્કસ કારણસર થઈ હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ મુંબઈની ઉપનગરી ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ફરી સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મહિલા કોચમાં બનેલી આ ઘટના દરમિયાન અન્ય મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હોવાની માહિતી સામે આવી છે. જોકે, વીડિયોના આધારે ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અંગે સ્વતંત્ર રીતે તમામ વિગતોની પુષ્ટિ થઈ નથી.
આ મામલે સામેલ મહિલાઓની ઓળખ અને ઝઘડાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. સરકાર રેલવે પોલીસ (જીઆરપી) અથવા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) તરફથી પણ તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અધિકૃત માહિતી સામે આવ્યા બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ શકશે. અહીં એ જણાવવાનું કે આ અગાઉ ચર્ચગેટ-નાલાસોપારા ટ્રેનમાં સામાન્ય વિવાદમાં એક પ્રવાસીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું હતું.
Women passengers clashed in the 8:13 pm Andheri–Virar slow local, reportedly over a minor issue after boarding at Andheri.
— Chetna Raja (@ChetnaRaja) August 18, 2026
The scuffle in the women’s compartment has once again raised concerns over railway safety.#MumbaiLocal #Andheri #Virar #RailwaySafety #Mumbai pic.twitter.com/SMeVJYCypU