Sun Jul 12 2026

Logo

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, યુપી-બિહારમાં તોફાની વાવાઝોડાની આશંકા

2026-07-12 10:05:43
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતમાં ચોમાસું હવે તેના પૂરા જોશમાં જોવા મળી રહ્યું છે. દેશના અનેક હિસ્સાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ જેવા મોટા શહેરોની રફતાર પર બ્રેક લાગી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર ભારત સહિત દેશના 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ અને ત્રિપુરામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દિલ્હી-NCRમાં વરસાદ સાથે અકળાવનારી ગરમી વધશે

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી થોડા દિવસો દરમિયાન હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળશે. આગામી 2-3 દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને ક્યાંક-ક્યાંક હળવો કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે, દિલ્હીમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, જેના કારણે તાપમાનમાં વધારો થશે અને લોકોને અસહ્ય ઉકળાટ તેમજ ભેજવાળી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

ઉત્તર પ્રદેશ  અને બિહારમાં કેવી આગાહી છે?

ઉત્તર પ્રદેશ અને બિહાર માટે હવામાન વિભાગે ખાસ ચેતવણી જારી કરી છે. યુપીના લખનૌ, કાનપુર, મેરઠ, આગ્રા, ગોરખપુર અને મિર્ઝાપુર જેવા જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બીજી તરફ, બિહારના પટના, ખગડિયા, કિશનગંજ, પૂર્ણિયા અને મુઝફ્ફરપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે, જ્યાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલનનો ખતરો

પહાડી રાજ્યોમાં ચોમાસું આફત બનીને વરસી રહ્યું છે. ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ અને ચમોલીમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ, મનાલી અને શિમલામાં પણ 60 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે મુશળધાર વરસાદની આશંકા છે.

પશ્ચિમ બંગાળમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય

પશ્ચિમ બંગાળ અને કોલકાતામાં આગામી 4થી 5 દિવસ સુધી સાર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે મોનસુની પવનો વધુ મજબૂત બન્યા છે. હવામાન વિભાગે પૂર્વ બર્ધમાન, નદિયા અને બાંકુડા જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હાવડા અને હુગલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.