Sun Jul 12 2026

Logo

રિવોર્ડ ટ્રિપ 15 લોકો માટે બની આખરી સફર! વિયેતનામ બોટ દુર્ઘટના અંગે સ્માર્ટફોન કંપનીનો મોટો ખુલાસો

Hanoi   2026-07-12 13:38:25
Author: Vimal Prajapati
Article Image

હનોઈ / હો ચી મિન્હ સિટી: વિયેતનામના પ્રખ્યાત પ્રવાસી સ્થળ 'ફૂ કુઓક' ટાપુ પર શનિવારે ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક ટુરિસ્ટ બોટ સમુદ્રમાં પલટી જવાની કાળજું કંપાવી દેતી ઘટના ઘટી હતી. આ ભયાનક અકસ્માતમાં 15 ભારતીય પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ તમામ મૃતકો એક ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક કંપનીની બિઝનેસ ટ્રિપ પર વિયેતનામ ગયા હતા.

લાવા સ્માર્ટફોન કંપનીએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ડીલર્સ અને વિતરકો (ચેનલ પાર્ટનર્સ) માટે આ 'રિવોર્ડ ટ્રિપ' નું આયોજન કર્યું હતું. કંપની દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, જીવ ગુમાવનારાઓમાં 14 ચેનલ પાર્ટનર્સ અને કંપનીના 1 કર્મચારીનો સમાવેશ થાય છે. આ તમામ લોકો તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના વતની હતા.

લાવા સ્માર્ટફોન કંપની શું નિવેદન આપ્યું?

કંપનીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, અમને ખૂબ જ દુઃખ થાય છે કે વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક એક બોટ અકસ્માતમાં અમારા 14 ચેનલ પાર્ટનર્સ અને અમારી લાવા ટીમના એક સભ્યએ દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમારી પ્રાર્થના તેમના પરિવારજનો અને પ્રિયજનો સાથે છે. આ એક અકલ્પનીય દુર્ઘટના છે, અને આ ઊંડા દુઃખના સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ.

મોબાઇલ નેટવર્ક ન હોવાનું કહી કરેલો છેલ્લો વીડિયો કોલ

આ દુર્ઘટનામાં તમિલનાડુના તિરુચિરાપલ્લીના રહેવાસી 54 વર્ષીય શેખ અબ્દુલ્લા અબ્દુલ મજીદનું પણ અવસાન થયું છે, જેઓ કંપનીના પાર્ટનર હતા. તેમના પરિવારજનોએ ભારે હૈયે જણાવ્યું કે, બોટમાં સવાર થતાંની થોડી મિનિટો પહેલા જ અબ્દુલ્લાએ તેમની પત્ની, પુત્ર અને પૌત્રી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એક એવા ટાપુ પર જઈ રહ્યા છે જ્યાં મોબાઇલ નેટવર્ક નહીં હોય, તેથી પાછા આવીને ફોન કરશે. પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી વાતચીત બની જશે.

અકસ્માતમાંથી આબાદ બચી ગયેલા પ્રવાસીઓએ આંખે દેખ્યો અહેવાલ આપતા ભયાનક સ્થિતિ વર્ણવી હતી. તમિલનાડુના પલાનીના રહેવાસી નિર્મલ કુમારે જણાવ્યું કે, સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજા અને બોટમાં ક્ષમતા કરતા વધુ ઓવરલોડિંગ હોવાને કારણે સ્પીડબોટ ગણતરીની સેકન્ડોમાં જ પલટી ગઈ હતી. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બોટ પર કુલ 36 લોકો સવાર હતા, જેમાં 32 ભારતીય પ્રવાસીઓ અને 4 સ્થાનિક ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થતો હતો. અકસ્માત બાદ તુરંત શરૂ કરાયેલા બચાવ કાર્યમાં 21 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે, જ્યારે 15 ભારતીયોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોમાં તમિલનાડુના 10, આંધ્રપ્રદેશના 3 અને કેરળના 2 નાગરિકો સામેલ છે.

આ હૃદયદ્રાવક ઘટના પર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ  સહિત અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારો વિયેતનામ વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને તમામ મૃતદેહોને વહેલી તકે ભારત લાવવા માટેની રાજદ્વારી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. વિયેતનામ પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.