તેહરાન: ઈરાને બંધ બારણે સ્વીકારી લીધું છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં કોમર્શિયલ જહાજો પર હુમલો કરીને બહુ મોટી ભૂલ કરી છે. આ દાવો અમેરિકી અધિકારીઓએ એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. અહેવાલ મુજબ, ઈરાની અધિકારીઓએ ખાનગી રીતે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોનો સંપર્ક કર્યો અને કહ્યું, "અમારાથી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને વાતચીતનો દોર તૂટવા ન દો, અમે આગળ પણ વાતચીત ચાલુ રાખવા માંગીએ છીએ."
ઈરાની અધિકારીઓએ આ સમગ્ર મામલે પોતાની જાતને અલિપ્ત રાખતા અમેરિકી વાટાઘાટકારો સમક્ષ સ્પષ્ટતા કરી છે. ઈરાનનું કહેવું છે કે આ હુમલો તેમની સરકાર અથવા મુખ્ય સેનાનો નિર્ણય નહોતો, પરંતુ ઈરાનની અંદર જ સક્રિય કટ્ટરપંથીઓના એક 'ભટકી ગયેલા જૂથ' (rogue faction) દ્વારા આ આખા કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાને કહ્યું છે કે આ જૂથ અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી શાંતિ વાર્તા અને સમજૂતીઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવવા માંગે છે. અમેરિકા હવે ઈચ્છે છે કે ઈરાન બંધ બારણેથી બહાર આવે અને જાહેરમાં પોતાની આ ભૂલનો સ્વીકાર કરે.
ટ્રમ્પની 'સુપર ટીમ' સંભાળશે કમાન, ઓમાનમાં આજે મહાબેઠક
આ સમગ્ર તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલાને ઉકેલવા માટે પોતાની એક અત્યંત શક્તિશાળી અને નજીકની ટીમને કામે લગાડી દીધી છે. આ ટીમની કમાન ખુદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સંભાળી રહ્યા છે. તેમની સાથે ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો સામેલ છે. ટ્રમ્પે આ ટીમને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ ઈરાન સાથેની વાતચીતને આગળ વધારે.
આ ક્રમમાં રવિવારે (12 જુલાઇ) ઓમાનમાં બંને પક્ષો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ પડદા પાછળની હકીકત જણાવતા કહ્યું, "તેઓ (ઈરાની અધિકારીઓ) અમારી પાસે પાછા આવ્યા અને બોલ્યા 'અમારાથી ભારે ભૂલ થઈ છે. આવો, વાતચીત ચાલુ રાખીએ.'