Sun Jul 12 2026

Logo

સેટેલાઈટ ડેટામાં આશાનું કિરણ: કચ્છના મેન્ગ્રોવ જંગલોનો પુનર્જન્મ, પરંતુ વધતી દરિયાઈ સપાટી મોટો પડકાર

2026-07-12 11:00:40
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા 'નાસા' ના તાજેતરના સેટેલાઈટ અભ્યાસમાં વૈશ્વિક સ્તરે મેન્ગ્રોવ એટલે કે,ચેરના જંગલોની રિકવરી અંગે આશાસ્પદ ચિત્ર સામે આવ્યું છે, જેમાં સીમાવર્તી કચ્છ જિલ્લાએ સમગ્ર વિશ્વમાં સિંહફાળો આપ્યો છે. ભારતના કુલ મેન્ગ્રોવ કવરનો અંદાજે 40 થી 45 ટકા જેટલો વિશાળ હિસ્સો એકલું કચ્છ ધરાવે છે. છેલ્લા બે દાયકામાં સરકારી વન વિભાગ, સ્થાનિક સમુદાયો અને વિવિધ સંસ્થાઓના સબળ સંરક્ષણ તથા વનીકરણના પ્રયાસોને કારણે કોરી ક્રીક, કંડલા ક્રીક અને મુંદરાની આસપાસના વિસ્તારોમાં મેન્ગ્રોવના આવરણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. 

દરિયાકાંઠાના વિસ્તારોમાં લાખો રોપાઓના વાવેતરને કારણે કચ્છની દરિયાઈ પટ્ટી વાવાઝોડા અને જમીનના ધોવાણ સામે વધુ મજબૂત કવચ બનીને ઉભરી આવી છે. આ ચેરના જંગલો માત્ર દરિયાઈ આફતો સામે રક્ષણ જ નથી આપતા, પરંતુ સુરખાબ જેવા યાયાવર પક્ષીઓ અને સ્થાનિક મત્સ્ય ઉદ્યોગ માટે સમૃદ્ધ આશ્રયસ્થાન પણ પૂરું પાડે છે. આ ઉપરાંત, સામાન્ય જંગલોની સરખામણીએ ચાર ગણો વધુ કાર્બન શોષવાની ક્ષમતા ધરાવતા હોવાથી ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં આ જંગલો પૃથ્વીના ફેફસાં સમાન સાબિત થઈ રહ્યા છે.

જોકે, આ સકારાત્મક ચિત્રની સાથે નાસાના સંશોધકોએ એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારી છે. વૈશ્વિક ગરમીના કારણે સમુદ્રની સપાટી ઝડપથી વધી રહી છે, જે કચ્છ જેવા નીચાણવાળા ભૌગોલિક વિસ્તારો માટે આગામી સમયમાં મોટું સંકટ બની શકે છે. જો દરિયાનું જળસ્તર આ જ ગતિએ વધતું રહેશે, તો મેન્ગ્રોવને જમીન તરફ ઉપરની બાજુએ કુદરતી રીતે વિસ્તરવા માટે પૂરતી જગ્યા નહીં મળે, જેના કારણે દરિયાકાંઠાના મોટાભાગના જંગલો સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ જવાનું જોખમ છે. 

આ ભૌગોલિક પડકાર ઉપરાંત, ઔદ્યોગિકીકરણ, બંદરોનો વ્યાપક વિકાસ અને નદીઓ પરના બંધોને કારણે દરિયામાં મળતા મીઠા પાણીના પ્રવાહમાં થયેલો ઘટાડો પણ આ સંવેદનશીલ ઇકોસિસ્ટમ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણવિદો અને નિષ્ણાતોના મતે, હવે માત્ર નવા રોપા વાવવા પૂરતું સીમિત ન રહેતા, મેન્ગ્રોવના લાંબાગાળાના અસ્તિત્વ માટે તેમને કુદરતી રીતે ફેલાવવાની મુક્ત જગ્યા (ઇકોલોજીકલ સ્પેસ) મળી રહે તે પ્રકારનું સંતુલિત આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.

ઉત્સવ વૈદ્ય