ભુજઃ કચ્છનો ભાતીગળ બન્ની પ્રદેશ અને તેની વિશિષ્ટ પશુ નસલો માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાની દૂધ ઉત્પાદન ક્ષમતા માટે પ્રખ્યાત છે. આવો જ એક પશુપાલન ઇતિહાસમાં નોંધપાત્ર કહી શકાય તેવો મોટો સોદો નખત્રાણા તાલુકાના લૈયારી ગામે જોવા મળ્યો છે. અહીંના એક સ્થાનિક માલધારીની શુદ્ધ બન્ની (કુંજ) નસલની ભેંસ રૂપિયા 9 લાખની માતબર કિંમતે વેચાઈ છે.
મળતી વિગતો મુજબ, લૈયારી ગામના પશુપાલક અભદ્રીમ જતની માલિકીની આ કિંમતી ભેંસને અમદાવાદ જિલ્લાના ચંદ્રાલા કઠવાલા ગામના જાણીતા પશુપાલક લાલભાઈ ગોવાભાઈ દેસાઈએ ખરીદી છે. રાત્રિના સમયે દૂર સુધી સીમમાં ચરવા જવાની અદભુત ક્ષમતા અને ગમે તેવા વિપરીત હવામાનમાં પણ ઉચ્ચ દૂધ ઉત્પાદન આપતી બન્ની ભેંસની બજારમાં હંમેશા ભારે માંગ રહે છે. પશુપાલક અભદ્રીમભાઈ દ્વારા ખૂબ જ જતન અને પ્રેમથી ઉછેરવામાં આવેલી આ ભેંસ તેના મજબૂત શારીરિક બાંધા, શિંગડાની અસલ ગોળાઈ અને શુદ્ધ જૂની નસલના લક્ષણોના કારણે આખા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર હતી.
અમદાવાદના ખરીદનાર લાલભાઈ દેસાઈ પશુઓની ઊંડી પરખ રાખવા માટે પંથકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓએ આ પશુની શુદ્ધ ગુણવત્તા પારખીને નવ લાખ રૂપિયા જેવી મોટી કિંમત ચૂકવી તેને પોતાના તબેલાની શોભા બનાવી છે. લૈયારીના મૂળ માલિકે જણાવ્યું હતું કે, આ ભેંસનું નામ 'ગુડ્ડી' રાખવામાં આવ્યું છે અને તે આગામી બે મહિનામાં બચ્ચાને જન્મ આપશે. આ સફળ અને રેકોર્ડબ્રેક સોદા બદલ સોશિયલ મીડિયા તેમજ માલધારી સંગઠનો દ્વારા બંને પક્ષોને અભિનંદન મળી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)