ઝબાન સંભાલ કે - હેન્રી શાસ્ત્રી
એક હતા શેઠ. શેઠની જેમ ઠાઠમાઠથી રહેતા હતા. હવે આવા શેઠ હોય એને ત્યાં નોકર તો હોવાનો જ. જોકે, અનેક શેઠના કેસમાં બનતું હોય છે એમ આ શેઠનો નોકર અક્કલનો સાવ ઓથમીર હતો. ચીંધ્યું કામ જ કરી જાણે. કામ પાર પાડતી વખતે પોતાની અક્કલ જરાય ન ચલાવી જાણે. શેઠ જો એને કહે કે ફલાણી વસ્તુ કબાટના ઉપલા ખાનામાંથી લઈ આવ. ભાઈસાહેબ જાય, કબાટ ખોલી ઉપલા ખાનામાં શોધે, પણ જો શેઠે કીધેલી વસ્તુ જડે નહીં તો નીચલા ખાનામાં તપાસ કરવાને બદલે ‘શેઠ એમાં તો નથી’ એમ પાછો આવીને કહે. એકવાર શેઠે એને પાનબીડાંનો સામાન લેવા મોકલ્યો.
એકવાર જઈ માત્ર પાન લઈને પાછો આવ્યો. ત્યાર બાદ ચૂનો, કાથો અને સોપારી માટે અલગ અલગ ધક્કા ખાધા. એક ધક્કે કરવાના કામ માટે તેણે ચાર ધક્કા ખાધા. આ જોઈ શેઠે એને સમજાવ્યું કે ‘ચીંધેલું એક કામ તો કોઈ પણ કરી શકે. પણ એક કામ કીધું હોય ને પોતાની અક્કલ વાપરી બીજાં ચાર કામ પણ સાથે કરતો આવે એ ખરો ડાહ્યો - ચતુર કહેવાય. તને પાનનો સામાન લાવવાનું કીધું હતું, પણ પાનની સાથે કાથો, ચૂનો, સોપારીનો ખપ તો પડે ને. એ વિચાર કરી બધું એકસાથે લેતો આવ્યો હોત તો હોશિયાર કહેવાત.’ નોકરના મનમાં આ વાતની ગડ બેસી ગઈ. એણે ગાંઠ વાળી કે હવેથી એક કામ ચીંધ્યું હોય ત્યારે ચાર કરી લાવવાં અને હોશિયારની ગણતરીમાં આવવું.
એક દિવસ શેઠાણીએ એને બોલાવીને કહ્યું કે ‘શેઠને મૂળા ખાવાની ઇચ્છા થઈ છે. બજાર જઈ સરસ મજાના બશેર મૂળા લઈ આવ.’ હોશિયારમાં ખપવા લાગ શોધતા નોકરે વિચાર્યું કે એક કામમાં ચાર કામ કરી બતાવવાનો આ મોકો છે. બુદ્ધિ દોડાવી પહેલા બજારમાંથી મૂળા ખરીદ્યા. પછી વિચાર કર્યો કે શેઠને મૂળા બહુ ભાવે છે એટલે વધારે પડતા જ ખાશે. એટલે એમને પિત્ત થશે અને માંદા પડશે અને વૈદને ઘરે બોલાવવા પડશે. ઘરે કોઈ સાજુંમાંદું હોય ત્યારે ઘરે આવતા વૈદને અત્યારે જ કહેતો આવું એટલે મારો ધક્કો બચે.
મૂળા લઈને ઘરે જવાને બદલે એ પહોંચ્યો વૈદ પાસે. વૈદરાજને કહ્યું કે ‘વધુ પડતા મૂળા ખાવાથી શેઠને પિત્ત થયા છે. એમની દવા કરવા ઘરે જજો.’ બે કામ થતાં રાજી થયેલા નોકરે ફરી ભેજું દોડાવ્યું. એને વિચાર આવ્યો કે દવા કરવાથી પણ શેઠ સાજા નહીં થાય, કારણ કે જીભનો ચટકો હોવાથી પથ્ય પાળશે નહીં. એટલે રોગ વકરશે અને શેઠ ગુજરી જશે. લાવ, ન્યાતીલાઓને પણ ખબર આપતો જાઉં એટલે એક ધક્કે ત્રણ કામ થઈ જાય. બધા સગાંવહાલાંને ઘરે ફરી વળ્યો અને કહ્યું કે ‘વધુ પડતા મૂળા ખાવાથી શેઠને પિત્ત થયા અને દવા કરવા છતાં સાજા ન થયા અને ગુજરી ગયા. અંતિમ સંસ્કાર માટે જઈ આવજો.’
આટલું કામ પતાવી ઘરે પાછા ફરવાનો વિચાર કરતો હતો ત્યાં ખ્યાલ આવ્યો કે ખાંપણ (મૃતદેહ પર ઓઢાડવાનું સફેદ કપડું) તો જોઈશે જ. એને માટે બીજો આંટો થશે. લાવ ને ભેગાભેગું લેતો જાઉં. પછી કોઈ આંગળી નહીં ચીંધે કે મારામાં એક કામ સાથે ચાર કામ કરવાની આવડત નથી. ખાંપણ ખરીદી મૂળા સાથે ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં તો ધમાલ મચી ગઈ હતી..
શેઠ લહેરમાં બેઠા હતા ત્યારે આવેલા વૈદરાજે ગંભીરતાથી તબિયતના સમાચાર પૂછ્યા. શેઠને નવાઈ લાગી અને ચિંતા કરવાનું કારણ પૂછ્યું. વૈદે ખુલાસો કર્યો કે ‘તમારો નોકર કહી ગયો કે વધુ પડતા મૂળા ખાવાથી શેઠને પિત્ત થયા છે.’ આ વાતચીત ચાલતી હતી ત્યાં દરવાજે કોઈ પોક મૂકીને રડ્યું હોય એવો અવાજ આવ્યો. શેઠાણી બહાર આવ્યા તો જોયું કે શેઠના પિતરાઈ માથે ફાળિયું ઓઢી શેઠના નામની પોક મૂકતા હતા. કારણ પૂછતાં ભાઈ એટલું જ બોલ્યા કે ‘નોકરે ખબર આપી કે શેઠે વધારે પડતા મૂળા ખાધા, વૈદની દવા કરી, પણ પથ્ય પાળ્યું નહીં એટલે રામશરણ થયા છે. બહુ માઠું થયું, પણ તમે આવે વખતે શણગાર સજીને કેમ બેઠાં છો? શરમ નથી આવતી?’ થોડીવારમાં તો કાકા, મામા, ભાણેજ, ભત્રીજા, સાસરિયા સુધ્ધાં આવી પહોંચ્યા. ન્યાતીલા ભેગા થઈ ગયા અને હૈયાફાટ રુદન શરૂ થઈ ગયાં. અંદર બેઠેલા શેઠના કાને રોકક્કળ પહોંચી અને બારીમાંથી ડોકિયું કરી ત્રાડ નાખી કે ‘આ શું ધમાલ માંડી છે? હું તો જીવતોજાગતો બેઠો છું. બધા કેમ રડો છો?’
એટલામાં એક હાથમાં મૂળાની ઝોળી અને બીજા હાથમાં ખાંપણ સાથે નોકર આવ્યો. બહુ ખુશ હતો, કારણ કે કામ એક ચીંધ્યું હતું ને ચાર કરી આવ્યો હતો. શેઠ શાબાશી આપશે અને બક્ષિસ પણ આપશે એવો એને વિશ્ર્વાસ હતો. જોકે, શેઠે એને અંદર બોલાવી ધમકાવી નાખ્યો. નોકરને બહુ માઠું લાગ્યું. મનમાં થયું કે શેઠની શિખામણ અનુસાર એક કામની સાથે ચાર કામ કર્યાં તોય અપજશ મળ્યા. ગુણની દુનિયામાં કદર નથી. આટઆટલું દિમાગ ચલાવ્યું તોય શેઠ કેમ નારાજ થયા એ નોકરને સમજાયું જ નહીં. એણે મનમાં નક્કી કરી લીધું કે શેઠ હોય જ અવળચંડા. ચીંધ્યું કામ કરો તોય દુ:ખ અને એકનાં ચાર કામ કરો તો પણ દુ:ખ.
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
ભોજન અને એમાંય ભાવતાં ભોજન ગુજરાતીઓને મનગમતી અને સંતોષ આપનારી વાત છે. ઋતુ પ્રમાણે જમણ અને ફળફળાદિ આરોગવામાં ગુજરાતી પ્રજા માહેર હોય છે. ખોરાક સંબંધિત કહેવતો પણ ઘણી હોય છે. છતની હોય છે અને અછતની સુધ્ધાં હોય છે. ખાવાના સાંસા ત્યારે પરોણાના વાસા કહેવત તમે સાંભળી હશે, એના વિશે જાણતા હશો. પોતાના જ ઘરમાં ખાવાના સાંસા (અન્ન કે આર્થિક ભીડ) હોય એવી હાલતમાં પાછા પરોણા (મહેમાનો) રહેવા માટે આવી પહોંચે ત્યારે સ્થિતિ વધારે કફોડી બને છે. આ કહેવત મુશ્કેલીમાં વધુ મુશ્કેલી આવી પડવી અથવા ગરીબીમાં અધિક ખર્ચ થવાની પરિસ્થિતિ દર્શાવે છે. દુકાળમાં અધિક માસ કહેવતમાં પણ આ જ ભાવ પ્રગટ થાય છે ને.
આ જ ભાવાર્થને સુપેરે પ્રગટ કરતી અન્ય કહેવત છે એકાદશીના ઘરે શિવરાત્રીબાઈના પરોણા. અગિયારસના ફરાળની માંડ વ્યવસ્થા થઈ હોય ત્યાં મહેમાન આવીને કહે કે હું પણ ફરાળ કરીશ ત્યારે કેવી હાલત થાય. ભરતામાં ભરાય કહેવત મુશ્કેલીનું વર્ણન કરે છે. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું કે સપડાઈ જવું. એ તકલીફમાં વધારો થવો એ આ કહેવતનો ભાવાર્થ છે. ઘરમાં કોઠીએ જાર ત્યારે પીરસણાની બહાર. ઘરમાં અનાજની કે અન્નની અખૂટ સંપત્તિ હોય ત્યારે બહાર લોકોને જમાડવામાં કે મદદ કરવામાં કોઈ જ વાંધો ન આવે. આ કહેવત ઘરમાં રહેલી આર્થિક સધ્ધરતા અને ઉદારતા વ્યક્ત કરે છે. ભાગ્યશાળીને ઘેર ભૂત રળે કહેવતમાં પણ આ જ ભાવાર્થ છે.
બે અંતિમ પરિસ્થિતિ વ્યક્ત કરતી જાણવા જેવી કહેવત છે ભરતામાં ભરાય ને ખાલીમાં ટીપું પણ ન પડે. સારા દિવસોમાં લોકો ટોળે વળે અને માઠા દિવસોમાં ચકલું પણ ન ફરકે એવી વાત છે. જેની ગાંઠે નાણાં એને નિત્ય ટાણા પણ એ ભાવાર્થ વ્યક્ત કરતી કહેવત છે. હવે બે વિરુદ્ધ પરિસ્થિતિ પણ સમાન ભાવાર્થવાળી કહેવતો જોઈએ. નોતરું આવે ત્યારે સીધું પણ આવે. કાલે જમશું શું એવી હાલત હોય ત્યારે કોઈ ઠેકાણેથી જમવાનું આમંત્રણ મળી જાય તો લહેર થઈ જાય ને. હવે આ કહેવત જુઓ કે ઘરમાં આટો ન હોય ત્યારે મેમાન આવે. મતલબ કે પોતાને ખાવાના સાંસાં હોય એવી પરિસ્થિતિમાં મહેમાન જમવા માટે ટપકી પડે.