Sun Jul 12 2026

Logo

વૉટ્સઍપ પર ચૅટજીપીટી સાથે ચૅટિંગનો રોમાંચ સર્ચ કરવું હવે એકદમ સરળ બની ગયું છે

2026-07-12 09:56:56
Author: Viral Rathore
Article Image

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

 છેલ્લાં ત્રણ વર્ષમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)એ દુનિયાનાં અનેક ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધાં છે. ખાસ કરીને મલ્ટિમીડિયાની દુનિયામાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે. ખાસ કરીને સર્ચ કરવાની શૈલી બદલાઈ રહી છે. મેટાની પ્રોડક્ટ વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અનેક એવી સવલતથી યુઝર્સ માટે મોટી સરળતા ઊભી થઈ રહી છે. મેટાએ પોતાનું એક AI  ચેટબોટ તૈયાર કર્યા બાદ એ ફીચર ઑટોમૅટિક રોલઆઉટ પહેલા વૉટ્સઍપ પર કર્યું હતું. એ પછી ઇન્સ્ટાગ્રામના સર્ચ બૉક્સમાં ફેરફાર થયો અને આખરે ફેસબુક પર થતું ફોટો સર્ચ ઑપ્શન બંધ થઈ ગયું.   
   
અત્યારે ફેસબુક સર્ચમાં ડિફૉલ્ટ સર્ચ વીડિયો તરીકે રીઝલ્ટ આપે છે. ચૅટજીપીટી આવ્યા બાદ દેશ-દુનિયાને જનરેટિવ AI ની તાકાતનો અંદાજો આવ્યો. બારીકીથી જાણે સ્ક્રિન પર નક્શીકામ કર્યું હોય એવું ડિટેઇલિંગ, કલર્સ, ફીચર્સ, ક્લેરિટી અને એક્યુરેસી (ચોક્કસાઈ)ની દુનિયાથી ઇમેજ અને વીડિયોમાં અસાધારણ પરિવર્તન આવ્યું. એક સમયનું ગિબલી આર્ટ હવે સામાન્ય બની ગયું.

 AI થી ગત વર્ષે મોટી ગિફ્ટ એ મળી કે દરેક ટુલ્સ હવે પોર્ટેબલ બન્યાં અને ઍપ્લિકેશન રૂપે આવ્યાં. હજુ કેટલીક સાઇટ પર એક્સેસ માટે લૉગઇનની જરૂર પડે છે, પણ ઍપ્સ ફીચર્સથી ક્રાંતિ આવી એમ કહેવામાં કંઈ ખોટું નથી. ઍપ્લિકેશનથી એઆઈની શરૂઆત કરવામાં મેટાનું AI ફીચર ભલે પ્રથમ ગણાય પણ સફળતા આ દિશામાં પહેલા ઓપન AI ની પ્રોડક્ટ ચૅટજીપીટીને મળી છે. અમેરિકા અને કૅનેડા જેવા આ એક ચૅટબોટ નથી પણ લોકોના દૈનિક જીવનમાં ચૅટનો સાથી બની રહ્યું છે. દૈનિક ધોરણે સવારે ગુડમૉર્નિંગથી લઈને શેડ્યુલિંગ સુધી અને નાના-મોટા સર્ચ કરવાથી લઈને રેટિંગ ચેક કરવા સુધી ચૅટજીપીટીએ સ્થાન કાયમી કરી લીધું છે. એમાં પણ વૉટ્સઍપ સાથે ક્નેક્ટ થતાં હવે કામ લેવું આસાન બની ગયું છે. બસ, મર્યાદા એટલી છે કે વૉટ્સઍપ સાથે મર્જ થયેલા ચૅટજીપીટીમાં કોઈ મલ્ટિમીડિયાનું સર્જન થતું નથી. માત્ર ટેક્સ્ટ ઇન્ફોર્મેશન જ મળી રહી છે.

 ઓપન AI  કંપનીએ આ પ્રોજેક્ટને 1-800 ચૅટજીપીટી એવું નામ આપ્યું હતું. એક એક્સપરિમેન્ટલ પ્રોજેક્ટ હતો, જેમાં કંપનીને સારી એવી સફળતા મળી. સૌથી મોટો યુઝર્સ વર્ગ અમેરિકા અને કૅનેડા જેવા મોટા દેશમાંથી મળ્યો. જ્યાં મોટાભાગનું ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍપ્લિકેશન બેઝ છે. ચૅટજીપીટીને વૉટ્સઍપ સાથે મર્જ કરવા માટે ઇન્ટરનેટ બ્રાઉઝર પર ચૅટજીપીટી વૉટ્સઍપ સર્ચ કરવાનું છે. એ પછી પહેલું જ પેજ ઑફિશિયલ વેબસાઇટનું આવશે. જેમાં 1-800 ચૅટજીપીટી લખેલું વંચાશે. આ પછી વૉટ્સઍપમાંથી સ્ક્રિન પર આવેલો ક્યુઆરકોડ સ્કૅન કરવાનો છે. આટલું કર્યા બાદ એક નવું ચૅટબૉક્સ ખૂલશે જેમાં ઉપર બ્લુ ટિક સાથે ચૅટજીપીટી લખેલું હશે, પ્રોફાઇલ પિક્ચર તરીકે એનો લોગો જોઈ શકાશે.

આ સિવાય વેબસાઇટની સ્ક્રિન પર ક્યૂઆર કોડ સિવાય લિંક પણ આપેલી છે. આ લિંક પણ ડાયરેક્ટ વૉટ્સઍપમાં ખૂલશે. આ સિવાય 1-800-242-8478 નંબર પર ડાયરેક્ટ મેસેજ કરીને ચૅટજીપીટી ચાલુ કરી શકાય છે. અત્યારે કંપનીએ પોતાની લેટેસ્ટ ઍપ્લિકેશન લૉન્ચ કરી દીધી છે. જેમાં અનેક એવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. મેસેજ ચૅટજીપીટી સાથે જ થશે એની ખાતરી આપવા માટે કંપનીએ પ્રોફાઇલ અને એકાઉન્ટ ટાઇપમાં જ બ્લુ ટિક આપી દીધું છે. આ ફીચર એટલું જ સરળ છે જેટલું વૉટ્સઍપ એક મિત્ર સાથે ચૅટ કરવું. કોઈ પણ સવાલ પૂછવાથી માંડીને સિટીની બેસ્ટ રેસ્ટોરાં સર્ચ કરવી હવે વૉટ્સઍપ થકી જ સરળ બન્યા છે. આ ઉપરાંત કોઈને સરળતાથી પ્રોફેશનલ લૅન્ગ્વેજમાં જવાબ આપવામાં પણ મદદ કરશે.

 એક સર્વેમાંથી એ વિગત સામે આવી છે કે અનેક લોકોએ આ ફીચરનો ઉપયોગ પોતાનું અંગ્રેજી સુધારવા માટે કર્યો છે. ઘણા ફ્રેઝ, સ્પેલિંગ, વાક્યરચના અને ગ્રામર સુધારવા માટે આ ફીચરનો ઉપયોગ થયો છે. આ પાછળનું કારણ એ છે કે સરળ પ્રેઝન્ટેશન અને સમજાય એવી ભાષા. ફ્રૉડથી બચવા માટે એક વાત એ યાદ રાખવાની છે કે ચૅટજીપીટી ક્યારેય સામેથી મેસેજ નહીં કરે અને ફોન તો ક્યારેય નહીં કરે. એટલે આ નામથી કોઈ મેસેજ કે કૉલ આવે તો એલર્ટ રહેવાનું છે. યુઝર્સ સામેથી મેસેજ કરીને વાત કરી રહ્યા છે. આ ફીચર રોલ આઉટ કરવાનો કંપનીનો મુખ્ય હેતુ દરેક યુઝર્સને AI સાથે જોડવાનો રહ્યો છે. મલ્ટિમીડિયા, મેમરીઝ, ફોટો જનરેશન અને બીજી કૉન્ટેન્ટ માટે વેબસાઇટનો ઉપયોગ કરીને એમાં લૉગઇન કરવું અનિવાર્ય છે. બીજી તરફ હવે સતત એક જ પ્રકારના ડેટા ઇનપુટ પર જુદા-જુદા ફૉર્મેટનું સજેશન ચૅટજીપીટી પોતે જ આપી દેશે. આનાથી વધારે વિકલ્પો મળી રહેશે અને કામ પણ આસાન થશે.

આઉટ ઓફ બોકસ

ચૅટજીપીટી સાથે વાતચીત કરતા હોવ તો થોડું ધ્યાન રાખજો, ચૅટ લિમિટ પૂરી થયા બાદ તે ઑટોમૅટિક નૉટિફિકેશન મોકલી દેશે. આ પછી ચૅટબૉક્સ ખૂલશે પણ મેસેજ નહીં થાય.