Mon Aug 31 2026

Logo

મિલકતની નોંધપોથી: મિલકત ખરીદ કરતી વખતે ટાઈટલ્સની ચકાસણી કોણ કરે?

2026-08-30 10:34:00
Author: Najmuddin Meghani
મિલકતની નોંધપોથી: મિલકત ખરીદ કરતી વખતે ટાઈટલ્સની ચકાસણી કોણ કરે?

 

 

 

- નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

 

વ્યકિતના જીવનમાં ત્રણ મૂળભૂત જરૂરિયાત રહેલી છે : રોટી, કપડા અને મકાન. આ ત્રણેય જરૂરિયાતોમાં રોટી અને કપડાં રોજિંદી જીવન જરૂરિયાતોની વસ્તુ છે, જેને કયાં તો રોજે રોજ અથવા વર્ષમાં અનેકવાર પ્રસંગોપાત ખરીદ કરવા પડે છે. મકાન વ્યક્તિના જીવનનું અમૂલ્ય સ્વપ્ન અને મહત્ત્વાકાંક્ષા છે. વ્યક્તિની પોતાની રહેઠાણ માટે વસાવેલી મિલકત જીવનની સફળતાની નિશાની છે. એના જીવનમાં મકાન વસાવવાનો પ્રસંગ વારંવાર બનતો નથી. મિલકત ખરીદવાનો જીવનના અતિ મહત્ત્વનો નિર્ણય લેતી વખતે એણે  ખૂબ જ કાળજી લેવી જોઈએ. ખરીદતી વખતે જો ટાઈટલ્સ તપાસવા અંગે ભૂલ થાય તો એના સ્વપ્નનું મકાન વસાવવામાં વિઘ્ન ઊભું થઈ શકે પછી જીવનભર અફસોસ કરવો પડે ...

 

જમીન/મિલકત ખરીદ કરતી વખતેની નાની ભૂલ ખૂબ જ મોટી મુશ્કેલી સર્જે છે. ખરીદનારની ઘણી મોટી રકમ ખોટી રીતે ફસાઈ પણ જઈ શકે. ઉપરાંત કોર્ટ તથા કાનૂની કાર્યવાહીના બિનજરૂરી ચક્કરમાં પડી શકે.

 

જમીન/ મિલકત ખરીદ્યા બાદ તેને જલદીથી બદલી શકાતી નથી એટલે એ ખરીદતી વખતે પૂરતી ચોકસાઈ -  કાળજી રાખવી જોઈએ.

 

મિલકત ખરીદવાની બાબતમાં કાયદાકીય જોગવાઈ જાણીએ તો ખરીદવાના પ્રસંગ ‘ખરીદનાર સાવધાન’નો સિદ્ધાંત લાગુ પડે છે. એ સિદ્ધાંત મુજબ કોઈપણ વ્યક્તિ જયારે મિલકત ખરીદે છે ત્યારે મિલકત સંબંધી ટાઈટલ, મિલકતનું સ્થળ, સ્થિતિ વિગેરે મિલકતને લગતી મહત્ત્વની હકીકતોની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની ઠરાવેલ રહે છે. વ્યક્તિ જયારે મિલકત ખરીદે છે ત્યારે જમીન મિલકતની ઓળખ તથા તે અંગેની મહત્ત્વની હકીકત જે વ્યક્તિ માનવસહજ કાળજી લઈ પોતે અથવા પોતાના એજન્ટ મારફત જાણી શકે અથવા ઉપલબ્ધ કરી શકે તેવી હકીકતો અને પુરાવાઓ મેળવવામાં વ્યક્તિ બેદરકારી દર્શાવે તો તે અંગેની જવાબદારી ખરીદનારની રહે છે. ખરીદનારને જો એમ જણાય કે લાગે કે ટાઈટલ અંગે કોઈ ખામી કે ક્ષતિ છે તો તેની ચોખવટ મેળવવા વેચનાર પાસેથી દસ્તાવેજ, પુરાવા, હકીકત મેળવવા ખરીદનાર હકકદાર હોય છે. આવી  ખાત્રી થયા પછી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા જુદી જુદી હાઈકોર્ટ દ્વારા ઠરાવવામાં આવેલ સિદ્ધાંત ‘ખરીદનાર સાવધાન’ લાગુ પડતા, મિલકત ખરીદનારે જ મિલકતના ટાઈટલ, સ્થળ, સ્થિતિ તથા કાયદાકીય પ્રબંધો અંગેની તમામ માનવસહજ લઈ શકાય તેવી કાળજી રાખવાની જવાબદારી રહે છે.

 

(સંદર્ભ: શ્રીમતી પી. લીલાવથી 

(મૃતક) કાનૂની પ્રતિનિધિઓ થકી વિરુદ્ધ 

વી. શંકરનારાયના રાવ (મૃતક) કાનૂની પ્રતિનિધિઓ થકી.       
- નામદાર સુપ્રીમ કોર્ટે (ખંડપીઠ)