આ સદીના સૌથી વધુ વિચક્ષણ વિજ્ઞાની આઈન્સ્ટાઈનનાં ચોરેલાં બ્રેનનું પોસ્ટમોર્ટમ કેવાં કેવાં રહસ્ય છતાં કરે છે...
- ભરત ઘેલાણી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન મૃત્યુશૈયા પર ..., જેમણે મગજ ગુપચાવ્યું એ ડો. થોમસ હાર્વે
આજે તો આંખનો પલકારો પણ મોડો પડે એવા અતિ ઝડપી ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ અઈં ના જમાનામાં હજુય કેટલાંક રહસ્ય સમજાયાં નથી કે પૂરેપૂરા ઉકેલાયાં નથી. એમાનું એક ગૂઢ રહસ્ય છે જગવિખ્યાત યહુદી વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું અકળ મગજ...
એમની ‘થિયરી ઑફ રિલેટિવિટી’ -ને લીધે તેઓ વિશ્વવિખ્યાત બન્યા. આ થિયરી રજૂ થઈ ત્યારે ભલભલા વિજ્ઞાનીઓનાં માથાંનું દહીં થઈ ગયું હતું. જોકે, સાપેક્ષતાવાદનો આ સિદ્ધાંત એક મિત્રે અમને બહુ સરળ રીતે આ રીતે સમજાવી દીધો હતો. એ કહે: ધારી લો કે પ્રેયસીને મળવાનું નક્કી થયું. નિયત સ્થળે- નિશ્ર્ચિત સમયે તમે પહોંચી પ્રેયસીની રાહ જોતાં તમે કંટાળી જાવ છો.
આખરે એ આવે છે. માત્ર દસેક મિનિટ જ મોડી પડી છે, છતાં તમને થાય કે જાણે યુગો વીતી ગયા આ સાપેક્ષવાદનો એક સિનારિયો. હવે આ દૃશ્ય જૂઓ : મોડી આવેલી પ્રેયસી સાથે પ્રેમાલાપ શરૂ થાય છે. બન્નેના ‘ઈલ્લુ..ઈલ્લુ’માં બે કલાક વીતી જાય. છૂટા પડવાના હો ત્યારે તમને દેવઆનંદ જેવી પેલી ફિલિંગ આવી જાય:
‘અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં!’ અરે, હમણા તો મળ્યાં ત્યાં છૂટા પડવાની વેળા આવી ગઈ?!
હવે આ બન્ને સિનારિયો સરખાવશો તો સમજાશે કે સમય તો એની રીતે વહે છે,પણ વધારે કે ઓછો સમય એ તો માનવ મનની એક ધારણા છે. અને આ છે સાપેક્ષવાદ ઈન શોર્ટ !
આલ્બર્ટ આઈન્સ્ટાઈનને આજે અઈંના જમાનામાં ય વિજ્ઞાનજગત એટલા માટે યાદ કરે છે કે આધુનિક વિજ્ઞાનજગતના ઘડતરમાં જેમનું અનન્ય પ્રદાન છે એવા સાપેક્ષવાદ સિદ્ધાંતના સર્જક આલ્બર્ટ આઈન્સ્ટાઈન બાળપણમાં બોલવા-ભણવામાં બહુ નબળા. માનસિક વિકાસ પણ ધીમે ધીમે થયો હતો,પરંતુ પછી એમણે જે ઝડપથી વૈજ્ઞાનિક સિદ્ધાંતો શોધ્યા-વિકસાવ્યા અને આધુનિક ભૌતિકશાસ્ત્રની એક જે ભૂમિકા તૈયાર કરી આપી એના આધારે અનેક નવી શોધ વિકસી અને આજે પણ એમનાં અનેક સિદ્ધાંત નવી શોધ -સંશોધન માટે માર્ગદર્શક બની રહી છે.
જીવનકાળ દરમિયાન 150 જેટલાં પુસ્તક અને 300થી વધુ વૈજ્ઞાનિક સંશોધનને લગતાં પેપર્સ તૈયાર કરનારા આ બહુમુખી વિજ્ઞાનીની એક ફોર્મ્યૂલા ઊ= ળભ2 તો વિશ્વની સૌથી વિખ્યાત અને સૌથી શક્તિશાળી ગણાય છે. ઊર્જા પદાર્થ તથા પ્રકાશની ગતિ દર્શાવતું આ ક્રાંતિકારી સૂત્ર તથા એમનો સાપેક્ષ સિદ્ધાંત આધુનિક પદાર્થ વિજ્ઞાનના પ્રાણ સમાન છે.
(જોકે આશ્ર્ચર્યની વાત એ છે કે આઈન્સ્ટાઈનને 1921નું નોબેલ પારિતોષિક પદાર્થ વિજ્ઞાનની અન્ય એક શોધ-સંશોધન માટે એનાયત થયું હતું.!)
હવે વિધિની વક્રતા જૂવો કે નાનપણમાં મંદબુદ્ધિનો ગણાતો બાળક આલ્બર્ટની (આઈન્સ્ટાઈન) ગણના આગળ જતા ‘જિનિયસ’ એટલે કે વિચક્ષણ -અલૌકિક બુદ્ધિશાળી તરીકે થઈ હતી. એટલે જ જગતભરના વિજ્ઞાનીઓને અગાઉ અને આજે પણ જિજ્ઞાસા રહે છે કે એમનાં મગજમાં એવું તે શું હતું કે આ આદમી કોઈએ ન કલ્પી હોય એવી અદ્ભુત શોધ કરી શકે ?
માથાફોડ પ્રયાસો પછી પણ કોઈની સફળતા ન સમજી જાય કે ન ઉકેલી શકાય ત્યારે એ જમાનામાં વણલખ્યો શોર્ટકટ નિયમ એ હતો કે એ વ્યક્તિના મૃતદેહને ચોરી જવો ! ભૂતકાળમાં આવી જાણીતી વ્યક્તિનાં શબ ચોરી જવાની અનેક ઘટના નોંધાઈ પણ છે.
જોકે આ રીતે પોતે જિનિયસ છે એવું આઈન્સ્ટાઈન ખુદ માનતા નહોતા. મરણ પછી પોતાના બ્રેન પર સંશોધન થાય એવી એમની ઈચ્છા પણ નહોતી. તેમ છતાં અવસાન પછી એમનાં દેહમાંથી એમનું બ્રેન-મગજ તફડાવી લેવામાં આવ્યું હતું!
આઈન્સ્ટાઈનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉ. થોમસ હાર્વેએ મગજ ચોરી લઈ પોતાની રીતે એનું સંશોધન શરૂ કરી દીધું હતું. પાછળથી આઈન્સ્ટાઈન પરિવારની પરવાનગીથી એ બ્રેનના નાના નાના 240થી વધુ ટુકડા કરીને અન્ય દેશોના ન્યુરોલોજિના નિષ્ણાતોને આપવામાં આવ્યા. ત્યારથી અત્યાર સુધીના સંશોધન પછી બધા એ વાત પર સહમત થયા છે કે 1230 ગ્રામ વજન ધરાવતું આઈન્સ્ટાઈનનું મગજ સામાન્ય લોકોની સરખામણીમાં કદમાં થોડું મોટુ, પણ વજનમાં હલકું હતુ, પરંતુ વધુ પ્રાણવાયુ ગ્રહણ કરી શકે એવા અમુક પ્રકારના સેલ્સ(કોશિકા) એમનાં મગજમાં હતા, જેથી એમનું મગજ બહુ ઝડપથી માહિતીનું પૃથક્કરણ કરી વિજ્ઞાનના અટપટા કોયડા ઉકેલી શકતું આ અને આવી વિશેષતાઓને લીધે આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ સદીના સૌથી વિચક્ષણ વિજ્ઞાની તરીકે પંકાયા...
બાય ધ વે, આજે તો આઈન્સ્ટાઈનું મગજ અમેરિકાના ફિલાડેલ્ફિયાના નેશનલ મ્યુઝિયમમાં સલામત છે, પરંતુ તમને ખબર છે કે આઈન્સ્ટાઈનનું બ્રેન ચોરનારો ડો.હાર્વે એ ક્યાં રાખતો હતો? વેલ, એ પોતાની લેબમાં બિયર ઠંડા કરવાના બોક્સમાં આઈન્સ્ટાઈનનું મગજ એક બરણીની અંદર સંતાડીને રાખતો હતો..!
એ બધાનાં શબનું તો અપહરણ થઈ ગયું હતું ...!
ચાર્લી ચેપ્લિન, અબ્રાહમ લિંકન, વિલિયમ શેક્સપિયર
વિચક્ષણ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મગજની તફડંચી થઈ ગઈ છે એ વાત બહાર આવતાં જ જગતભરમાં તહેલકો મચી ગયો હતો.
આઈન્સ્ટાઈનનો મૃતદેહ સલામત હતો ને એમાંથી એનું એક અતિ મહત્ત્વનું અંગ મગજ જ ગૂમ થઈ ગયેલું,પણ ઈતિહાસનાં કેટલાંક પાનાં ઉથલાવશો ત્યારે એવા પણ દાખલા સામે આવશે, જ્યારે કોઈ વિખ્યાત વ્યક્તિનું આખું શરીર સુધ્ધાં ચોરાઈ ગયું
હોય ! જેમકે...
ૄ મશહૂર કોમેડિયન ચાર્લી ચેપ્લિનના શબ સહિતનું કોફિન 1978માં સ્વીત્ઝર્લેન્ડની એની કબરમાંથી ચોરાઈ ગયું હતું. એને ચોરનારા બે કાર મેકેનિકે શબ પરત કરવા માટે ચાર લાખ ડૉલરની ખંડણી માગી હતી. બે અઠવાડિયાની શોધખોળ પછી પોલીસે એ બન્ને ખંડણીખોરને ઝડપી લીધા હતા, જેમણે ચેપ્લિનનું કોફિન કબ્ર્રસ્તાન નજીકના એક ખેતરમાં દાટી રાખ્યું હતું...
ૄ ‘ઈવિતા’ તરીકે જાણીતી ઈવા પેરો અર્જેન્ટિનાના પ્રેસિડેન્ટની પત્ની હતી. ત્યાંના રાજકારણમાં જબરો પ્રભાવ ધરાવતી ઈવિતાનાં મૃત્યુ પછી 1952ના એનું શબ ચોરાઈ ગયું પછી બે દાયકા સુધી એનો અત્તોપત્તો લાગ્યો ન હતો. પાછળથી એના પરિવારે બીજા નામે જ વિદેશમાં એની દફન વિધિ પતાવી દીધી હતી...
ૄ ઈટાલીના નામી ખગોળશાસ્ત્રી ગિલેલિયોના શબમાંથી એક આંગળી- બે દાંત ગેબી રાતે ચોરાઈ ગયાના વર્ષો બાદ એ પરત મળ્યા પછી એના શબ સાથે એની પુન; દફનવિધિ થઈ હતી...
ૄ કોઈ જાણીતી વ્યક્તિનું જીવતા અપહરણ શક્ય ન બને તો એના મોત પછી પણ એ ઘટના શક્ય છે. અમેરિકાના વિખ્યાત પ્રમુખ અબ્રાહમ લિંકનની હત્યા થઈ પછી એમની સત્તાવાર દફનવિધિ જ્યાં થઈ હતી ત્યાંથી એમના કોફિનને ચોારી જઈ ગેંગસ્ટરની એક ટોળકીએ એને પરત કરવા માટે બે લાખ ડૉલરની માગણી કરી હતી. સાથે એ ટોળકીની માગણી હતી કે એમના બોસને પણ જેલમાંથી છોડવામાં આવે.જોકે ત્યાંની ગુપ્તચર એજન્સીએ અપરાધીઓને ઝબ્બે કરીને લિંકનનું કોફિન સહીસલામત પરત મેળવ્યું હતું...
ૄ વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના મૃતદેહમાંથી એની ખોપરી છેક 1794ના ચોરી લેવામાં આવી છે એવી અફવા બહુ ગાજી પછી એની કબર- મૃતદેહના અવશેષોનું એકસ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે સદીઓ સુધી એકચક્રી રાજ કરનારા સૌથી બુદ્ધિવંત એવા સાહિત્યકાર શેક્સપિયરની ખોપરી ખરેખર લાપત્તા છે !