Sat Sep 05 2026

Logo

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રક્ષાબંધનને નવો અર્થ આપતી બ્રાન્ડ કૅમ્પેઇન

2026-08-30 10:30:00
Author: Sameer Joshi
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: રક્ષાબંધનને નવો અર્થ આપતી બ્રાન્ડ કૅમ્પેઇન

 

 

 

- સમીર જોશી

 

આ શુક્રવારે ભારતભરમાં અને જ્યાં પણ ભારતીયો છે ત્યાં પવિત્ર રક્ષાબંધનનો ઉત્સવ ભારે ઉલ્હાસ સાથે ઊજવાઈ ગયો. ભાઈ-બહેનનો નિસ્વાર્થ પ્રેમ, સ્ત્રી તરફ જોવાની પવિત્ર દૃષ્ટિ અને રક્ષા માટેની બાંહેધરી આપતો આ ઉત્સવ આ  માનવીય સંબંધને વધુ ગાઢ બનાવે છે. બદલાતા સમય સાથે ઉત્સવની ઉજવણીમાં  પણ બદલાવ આવી રહ્યા છે. થોડા સમયથી આપણે આ વાત વિવિધ ઉત્સવોમાં જોઈ રહ્યા છીએ. રક્ષાબંધનના તહેવારમાં પણ બ્રાન્ડ્સ પોતાની કૅમ્પેઇન લઈને આવે છે. માર્કેટિંગનું કામ છે કે વાતને નવી રીતે લોકો સમક્ષ મૂકવી, જેથી લોકો તેને જુએ  અને બ્રાન્ડને  યાદ રાખે. ફક્ત અલગ રીતે મૂકવી તે વાત નથી, પણ સમાજમાં આવતા બદલાવને લોકો સમક્ષ મૂકવામાં ઍડ્વર્ટાઇઝિંગનો મોટો ફાળો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘણીવાર ઍડ્વર્ટાઇઝિંગ આવા બદલાવ થવા જોઈએ તેવી વાત ચર્ચા થતી રહે છે.

 

આ વખતની અમુક કૅમ્પેઇન જોઈશું તો આ વાત સ્પષ્ટ થશે. સમય સમયે મુશ્કેલીના પ્રકાર બદલાતા જાય  છે તેમ અને તેની રક્ષા કરવાના આયામમાં પણ બદલાવ આવે છે. 

 

 ઉદાહરણ તરીકે આજની તારીખે જો ભાઈ તેમ કહે કે કંઈ પણ થાય તારું ભરણપોષણ આખી જિંદગી હું કરીશ કે તને કોઈ પણ આર્થિક મુશ્કેલી નહીં આવવા દઉં તો બહેન કહેશે : આના માટે હું સક્ષમ છું... અને જો તારે મારી રક્ષા જ કરવી હોય તો મને અને મારા વિચારોને બાંધી ન રાખ... મને જીવનમાં આગળ વધવામાં મદદ કર...

 

આજે રક્ષાબંધનની જાહેરાતો ભાઈ દ્વારા બહેનની રક્ષા કરવાનું વચન આપવાની જાણીતી કથાથી હવે આગળ વધી છે. આજના કૅમ્પેઇન સમાનતા, પરસ્પર સહયોગ, કૃતજ્ઞતા અને ભાઈ-બહેન એકબીજાની સંભાળના નાના-નાના વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

રક્ષાબંધનમાં બહેનની રક્ષા ભાઈ કરે તે ભાવ છે, પણ હવે તો આજે સમાજમાં એ  જોવામાં આવ્યું છે કે બહેન ફક્ત ભાઈને નહીં પણ પૂરા પરિવારને સાચવે છે. આવા સમયે એવા કૅમ્પેઇન આવ્યા છે જ્યાં ભાઈ બહેનને અથવા એક બહેન પોતાની બીજી બહેનને તેમની રક્ષા કરવા બદલ રાખડી બાંધે છે. 

 

આજે પણ ઘણી જગાએ સમાજમાં સ્ત્રીને જોઈતી સ્વતંત્રતા નથી મળતી ત્યારે અમુક ભાઈ પોતાની બહેનને જીવનમાં જે કરવું હોય તેના માટે તેની સાથે ઊભો રહે છે. 

 

બીજી તરફ સોશ્યલ મેસેજ આપવા આપણા પોલીસ, સીમા પર તહેનાત જવાનો, ટ્રાફિક પોલીસ, સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ, કચરો સાફ કરનારા કર્મચારીઓ વગેરે પણ આપણી સુરક્ષા કરે છે તેથી તેમને પણ રાખડી બાંધવી જોઈએ એવી વાત પણ ચર્ચાય છે. એક જ્વેલરી બ્રાન્ડે પોતાના પાળેલા કૂતરાને રાખડી બાંધીને એ દર્શાવ્યું  છે કે  તે પણ મારી રક્ષા કરે છે. પર્યાવરણ પણ આપણું રક્ષણ કરે છે તો વૃક્ષોને પણ રાખડી બાંધવી જોઈએ તેવો વિચાર પણ વહેતો થયો છે.

 

ટૂંકમાં ઉત્સવોના કૅમ્પેઇનથી આપણે શીખવાનું છે કે બદલાતા સમયના ગ્રાહકો સાથે આવી કૅમ્પેઇન બનવી  જોઈએ. જેન-ઝી પેઢીની ભાવનાત્મક વિચારધારા તેમના મિલેનિયમ માતા-પિતા અથવા પરંપરાગત ખરીદનાર કરતાં અલગ હોય છે. આથી ડેટાના સહારે એનું વિભાજન કરી તે મુજબની કૅમ્પેઇન બને તે મહત્ત્વનું છે. આવા કૅમ્પેઇન દ્વારા લોકો સુધી પહોંચવું જરૂરી છે પણ તેના કરતાં વધુ જરૂરી છે સુસંગતતા પર ધ્યાન કેન્દ્રિત કરવું... 

 

સૌથી અસરકારક રક્ષા બંધનના કૅમ્પેઇન તમને બધા મીડિયામાં સમાન દેખાશે. બધાં પ્લૅટફૉર્મ પર સમાન મેસેજ બ્રાન્ડને યાદ રાખવામાં મદદ કરે છે. આથી અલગ મીડિયામાં અલગ મેસેજ બનાવવા કરતાં એક જ મેસેજ બધા મીડિયા માટે બનાવો. સમય ભલે બદલાઈ રહ્યો છે પણ અમુક સંબંધો અને તેની પાછળની  ભાવના હજુ પણ અકબંધ છે. આથી આવા ઉત્સવોમાં વેચાણ કઈ રીતે થશે તેના કરતાં સંબંધોની ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વેચાણ મહત્ત્વપૂર્ણ છે પણ આવા ભાવનાત્મક તહેવારો દરમિયાન બ્રાન્ડિંગને મુખ્ય સ્થાન આપવું જોઈએ. લોકો સાથે સંબંધ બંધાશે તો બ્રાન્ડ લોકોના દિલોદિમાગમાં રહેશે તો વેચાણ  આપોઆપ થશે. આથી, આવા ઉત્સવો બ્રાન્ડ બિલ્ડિંગ માટે મહત્ત્વનો અવસર પૂરો પાડે છે.

 

આમ રક્ષાબંધન એ ભાવનાત્મક જાહેરાતો માટેનો ઉત્તમ સમય છે, કારણ કે તે તમામ વયના લોકો, ભૌગોલિક વિસ્તારો અને વિવિધ વર્ગોમાં સમાન રીતે પ્રચલિત છે. વર્ષના આ સમયગાળા દરમિયાન સફળ બ્રાન્ડ્સ માત્ર ઉત્પાદનનો પ્રચાર કરવાને બદલે લોકોની લાગણીઓ સાથે તાદાત્મ્ય સાધે છે. તે બધા જાણે છે કે ગ્રાહક કોઈ ઉત્પાદન કે ખાસ ડીલને બદલે પોતાના સંબંધો અને મૂલ્યોનું પ્રતિબિંબ જોવા માગે છે.