જૂઈ પાર્થ
વર્ષ 2008, હું એક મહિનો લંડન ફરવા ગઈ હતી, એકલી! હા, સોલો ટ્રિપ્સ એ સમયે ટ્રેન્ડમાં નહોતી અને હોય તો એને સોલો ટ્રિપ કહેવાય એ મને ખબર નહોતી. અજાણ્યો દેશ, ઔપચારિકતાનું ખૂબ મહત્ત્વ, કોઈની પણ સાથે ઓળખાણ કરી/કાઢી વાતો ના કરાય, વાતે વાતે થૅન્ક યુ, સૉરી કહેવાનું થાય, એસ્કેલેટર પર જમણી બાજુ ઊભા રહેવાનું , જેથી ડાબી બાજુથી જેને ઉતાવળ હોય તે જઈ શકે, નિયમો મુજબ સખત શિસ્તમાં રહેવાનું, અમુક જગ્યાએ ઓપન શૂઝ નઈ પહેરવાનાં અને આમ લિસ્ટ ઘણું લાંબું છે.
જે સ્કૂલ ફ્રેન્ડના ઘેર રોકાઈ હતી તેણે પહેલા જ દિવસે કહ્યું હતું કે ‘અહીંયા અજાણ્યા લોકોના ફોટા ના પડાય, આપણે કોઈ સ્થળનો ફોટો પાડતા હોઈએ અને કોઈ બહુ નજીક ઊભું હોય તો તેની પરમિશન લઈને ફોટો પાડજે...’ આ બધું જ મનમાં ભરીને હું પહેલા દિવસે એકલી ફરવા નીકળી.
ક્યાંક થોડો સંકોચ હતો કે કદાચ કોઈ ભૂલ થઈ જશે તો? કે પછી આ દેશનાં નિયમાનુસાર વર્તન નહીં થાય તો? આમ ને આમ એ દિવસે મારા જેવા કોઈ મુસાફરને પણ મારો ફોટો પાડી આપવાનો કહેવાની હિંમત ના ચાલી અને હું ઝાડ પાન, સાવ ઓછી ભીડ વાળી ટ્યુબ, કોઈ ના દેખાતું હોય તેવાં સ્ટેશનના ફોટા પાડીને ઘેર પાછી આવી.
બીજા દિવસે નવી જગ્યા ને નવા અનુભવોની તૈયારી હતી, પણ જે ફોટામાં હું પણ હોઉં એવા ફોટા કોણ પાડશે તે દ્વિધા તો હતી જ. અચાનક એક આઇડિયા સૂઝ્યો. કૅમેરાનો લેન્સ પોતાની તરફ કરી, કૅમેરા પકડ્યો હોય તે હાથ શક્ય હોય એટલો લાંબો કરી, ક્લિકનું બટન દબાવી દેવું. જાતે જ પોતાના ફોટા પાડતી થઈ એટલે દિવસે દિવસે હાથ સાફ થતો ગયો અને ફોટા પણ સરસ પડવા માંડ્યા. તે વખતે ફોનમાં બે કે ચાર મેગાપિક્સેલના કૅમેરા લક્ઝરી હતા. મને પપ્પાએ કૅનનનો કૅમેરા આપ્યો હતો ફોટા કેવી રીતે પાડવા બરાબર શિખવાડીને. આ હતી પોતાના ફોટા જાતે પાડવાની મારી પર્સનલ શરૂઆત. ત્યાં સુધી આ રીતે ફોટા પાડવાનો ક્યારેય વિચાર નહોતો આવ્યો. સોશ્યલ મીડિયાનું ચલણ વધતાં આ પ્રક્રિયા સેલ્ફી તરીકે ઓળખાય છે તે ખબર પડી.
કહેવાય છે કે સૌ પ્રથમ સેલ્ફી સન1800ની આસપાસ લેવામાં આવી હતી, જોકે દુનિયામાં સૌથી પહેલી સેલ્ફી કોણે લીધી તે આજે પણ ચર્ચાનો વિષય છે, પરંતુ ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉડર્સ’ મુજબ રોબર્ટ કોર્નેલિઅસ સેલ્ફી લેનાર પ્રથમ વ્યક્તિ હતી. ત્યાર બાદ સ્માર્ટફોન વિના સેલ્ફી માટે જોસેફ બાયરન નામ આવે કે જેમણે સન 1909માં પોતાની કંપનીની છત પર બૉક્સ કૅમેરાથી પોતાનો ફોટો પાડ્યો હતો અને આ કૅમેરા મોટા ભાગે કોડાકનો હોવાનું અનુમાન છે. આ ઘટનાનાં થોડાં વર્ષો પછી અરીસાવાળી સેલ્ફી જે હવે ખૂબ પ્રચલિત છે તે પહેલી વાર ગ્રાન્ડ ડચેસ એનાસ્તાસિયાએ 1914માં કોડાક બ્રાઉની વાપરીને લીધી હોવાનું મનાય છે. કહેવાય છે કે ગ્રુપ સેલ્ફીનું શ્રેય પણ બાયરનને જાય છે કે જે 1920માં એ જ છત પર તેના સહકર્મચારીઓ સાથે ગયા અને ગ્રુપ સેલ્ફી લીધી હતી.
એક ઑસ્ટ્રેલિયન વ્યક્તિ હોપીએ વર્ષ 2002માં સેલ્ફી શબ્દનો પ્રયોગ સૌ પ્રથમવાર કર્યો હતો. તેણે પોતાનાં હોઠ પર વાગ્યાની હાલતનો ફોટો એબીસી ફોરમ પર મૂકી લખ્યું હતું એ આ ફોટો ધુંધળો છે કેમ કે નશાની હાલતમાં હું ફ્લાઇટનાં પગથિયાં પર પડી ગયો હતો. અને આ હતો સેલ્ફી શબ્દનો પહેલવહેલો પ્રયોગ. આ પછી સેલ્ફી શબ્દની ખ્યાતિ વધતી ગઈ અને લોકો વધુ ને વધુ સેલ્ફી લેવા માંડ્યા. જોકે સેલ્ફીની રમતને આજે વધુ પ્રચલિત કરવામાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ તેમ જ સોશ્યલ મીડિયાનો પણ મોટો ફાળો છે.
એક તરફ સેલ્ફીની બોલબાલા તો બીજી તરફ સામાન્ય માણસના જીવનમાં તેનું આગવું સ્થાન પણ છે. ખ્યાતનામ લોકો, રમતવીરો, અવકાશયાત્રીઓ વગેરેને પણ સેલ્ફીનું એટલું જ ઘેલુ લાગ્યું અને છેવટે 2013માં સેલ્ફી શબ્દને ડિક્શનરીમાં તેની વ્યાખ્યા સાથેનું સ્થાન મળ્યું. અને હાલનાં સમયમાં જોઈએ તો નાનાં બાળકો પણ સેલ્ફી લેતાં હોય છે અને એ પણ સ્માર્ટફોનમાં. સેલ્ફી લેવાની આવડતનો સૌથી મોટો ફાયદો એ કે કોઈને ફોટો પાડી આપવા કહેવું નથી પડતું, પણ જેમ દરેક સારી વસ્તુનાં સારાં નરસાં બંને પાસાં હોય તેમ સેલ્ફીનાં પણ હોય.
સોશ્યલ મીડિયા પર મળતી તત્કાલ પ્રસિદ્ધિ, સ્માર્ટફોનના આધુનિક કૅમેરા, કૃત્રિમ રીતે સુંદરતા વધારતાં ફિલ્ટર્સ વગેરેના કારણે સામાન્ય લોકોમાં સેલ્ફીનો ક્રેઝ પુષ્કળ જોવા મળે છે. એક ફોટો સારો ના આવે તો બીજો, બીજો નહીં તો ત્રીજો, ઍન્ગલ, ફિલ્ટર બધું બદલી બદલીને, અલગ અલગ જગ્યાઓ પર લોકોને બસ સેલ્ફી લેવી હોય છે. એટલી હદે કે જ્યાં સુધી ફોટો બરાબર ના આવે ત્યાં સુધી અલગ અલગ કૉમ્બિનેશન્સ અજમાવતાં જ રહે છે. અને જો મનગમતી સેલ્ફી ના આવે તો અપસેટ થઈ જવાય છે અને છેવટે સેલ્ફીનો શોખ ઑબ્સેશન અન્ય મનોવિકારમાં પરિણમે છે. આ માટે જ સપ્રમાણ કરેલા કે અપનાવેલા શોખ આપણને મદદરૂપ થાય છે. જ્યારે શોખ જીદ કે અહંકારનું સ્વરૂપ લે છે ત્યારે જે તે વ્યક્તિને જ સહન કરવું પડે છે. કેટલાક ગંભીર કેસમાં સેલ્ફીના ઑબ્સેશનના કારણે લોકોએ જીવ ગુમાવ્યાનું પણ બહાર આવ્યું છે. આમ, શોખ મનોવિકાર ના બને તે ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે, પોતાના માટે અને પોતાના પરિવાર માટે પણ - તો, ચલ બેટા સેલ્ફી લે લે રે - તો સેલ્ફી વિશે બોલો, તમે શું કહો છો?