બંગાળી બાબુમોશાયના ‘આપનજન’ જેવી 150 વર્ષથી પણ જૂની આ ઐતિહાસિક વાહન સેવાનું મહાનગરમાં પુન: આગમન થઈ રહ્યું છે ત્યારે જાણીએ એનાં કારણ અને માણવા જેવાં એનાં અનેક સ્મરણ....
- ભરત ઘેલાણી
શરૂઆતમાં અશ્વથી દોડતી ટ્રામ .. , આથી પણ વધુ અલ્ટ્રા મોર્ડન હવે આગામી ટ્રામ?
આજથી બે વર્ષ પહેલાં 2024માં આ ઐતિહાસિક ટ્રામે મહાનગરમાંથી સત્તાવાર વિદાય લીધી ત્યારે આપ્તજન ગુમાવ્યું હોય એવી ગ્લાનિ સાથે મોટાભાગના બાબુમોશાય મનોમન કહેતા હતા :
‘આબાર દેખા હોબે... ફરી મળીશું!’
જોકે એ વખતે આ મહાનગરના બંગાળી ભદ્રલોક તથા અન્ય નાગરિકોની એક જ ઈચ્છા રહી હતી કે કે કોલકાતાની આ ટ્રામ સેવા કયારેય બંધ ન થાય. એની ‘ટનન...ટન’ જેવી રુપાની ઘંટડી જેવો અવાજ પેઢી દર પેઢી રણકતો રહે.. પણ એમની આ મનોકામના સપનાંમાં ય સાકાર થાય એવી કોઈ જ શક્યતા દેખાતી ન હતી.
એ વખતે કોલકાતા હાઈ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, જેમાં 151 વર્ષ જૂની ટ્રામ સર્વિસનું ‘ડેથ વોરન્ટ’ લખાઈ ચૂક્યું હતું. છેક 1873થી 2024 સુધી અવિરત ચાલતી ટ્રામ સર્વિસ બંધ કરવાનો અણગમતો નિર્ણય લેવાઈ ગયો ત્યારે કોલકાતાના લોકો-બાબુમોશાયો માટે ટ્રામ માત્ર એક પરિવહનનું સાધન નહીં, પણ બંગાળની સંસ્કૃતિ સાથે સંકળાયેલું -એમની લાગણી સાથે જોડાયેલું એક આગવું પ્રતીક રહ્યું હતું.
2023માં જે વાહનને 150 વર્ષ પૂરા થયાં એવી કોલકાતાની ટ્રામની છેક 1873માં પહેલીવાર આ મહાનગરમાં શરૂઆત થઈ ત્યારે તે ઇલેકટ્રિકથી નહીં, પણ કોઈ રાજવી બગીની જેમ ઘોડાથી ‘દોડતી’! શરુઆતના એ જમાનામાં માત્ર શિયાલદહ સ્ટેશનથી હાવરા સ્ટેશના રૂટ પર જ ટ્રામ ચાલતી. કાળક્ર્મે ટ્રામ રૂટ વધ્યા. એ વર્ષોમાં રસ્તામાં વાહનો ઓછા રહેવાથી ટ્રામની સ્પીડ ખૂબ સારી રહેતી. ‘ટનન... ટન’ જેવી રૂપાની ઘંટડીના રણકાર સાથે ટ્રામ ત્યારે ફુલ સ્પીડમાં દોડતી! એ વર્ષોમાં હાવરા બ્રિજ પર પણ ટ્રામ ચાલતી ત્યારે ટ્રામની બારી પાસે બેઠાં બેઠાં દૂરથી ગંગાજીરૂપી હુબલી નદીનાં દર્શન કરીને લોકો ગદગદ થઇ જતાં. એ જમાનામાં ટ્રામમાં બે કલાસ રહેતા. આગલો ડબો એટલે 1 st ક્લાસ. તેનું ભાડું 10 પૈસા હતું. આ ડબાની સીટ ગાદીવાળી રહેતી. અને પાછળનો એટલે કે 2 nd કલાસના ડબામાં લાકડાની સીટ રહેતી. તેનું ભાડું 4 પૈસા ઓછું રહેતું. ત્યારે વાહન વ્યવહારનાં અન્ય સાધનોમાં સરકારી બસ - ટેક્સી ને હાથરિક્ષા રહેતી. નગરની વસતિ પણ પાંખી હતી. લોકો માટે ટ્રામ સસ્તુ અને ‘ઝડપી’ વાહન હતું. એ વખતે ટ્રામ હંમેશ ભરચક રહેતી.
જોકે, વર્ષો વીતતાં કાળક્રમે સરકારી બસની સાથે ખાનગી અને મિની બસ અને પછી ઓટો રિક્ષા પણ ચાલુ થઈ ગઈ પછી મહાનગર ભરચક ટ્રાફિકથી ધમધમતું થઈ ગયું એમાં ટ્રામ તથા હાથ રિક્ષાની સંખ્યા આસ્તે આસ્તે ઓછી થતી ગઈ. વધતા ટ્રાફિકને કારણે નડતર બનતાં ટ્રામનાં અનેક રૂટ પણ બંધ કરવા પડ્યા. ટ્રામ આમ જનતા માટે એવું કિફાયતી ને ઉપયોગી વાહન હતું કે એક વાર જ્યારે રાજ્ય સરકારે પ્રથમ ક્લાસનું ટિકિટ ભાડું 7 પૈસામાંથી વધારીને 10 પૈસા કર્યું તો રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ 6-7 ટ્રામ સળગાવી મૂકીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો...! એવો હતો એ વખતના ‘જેન ઝી’નો મિજાજ! આવા તો કોલકાતાની ટ્રામ સાથે એક ગ્રંથ લખાય એટલાં સ્મરણો છે એટલે બ્રિટિશકાળના જમાનાના એક અગત્યના વાહન-ટ્રામને તમે સ્મૃતિમાંથી કેમ કાઢી શકો?
અહીં ટ્રામસેવા બંધ કરવાની સત્તવાર જાહેરાત થઈ પછી પણ આ મહાનગરની બંગ પ્રજા સહિત અન્ય નાગરિકોની એક જ ઈચ્છા હતી કે એ નિરંતર ચાલુ રહે.
એમની મનોકામના હતી: ‘આબાર દેખા હોબે ફરી મળીશું!’ને અચાનક મા કાલીએ તે હમણાં પૂરી કરી દીધી છે! રાજ્યમાં નવી સરકારે ટ્રામસેવાને પુન: શરુ કરવાની જાહેરાતથી બધા ગેલમાં આવી ગયા છે.
કેવું હશે હવેની ટ્રામનું નવું નેટવર્ક?
પ્રાચીન ટ્રામનું પુનરાગમન હવે નવા રૂપ મોર્ડન સ્વરૂપે કરવું એવી યોજના ધડાઈ રહે છે. આ યોજના અનુસાર જૂના રૂટ્સના સર્વેક્ષણ પછી શહેરના 70 જેટલા રૂટનું નવું નેટવર્ક તૈયાર થશે, જેના પર બેટરી સંચાલિત એરકંન્ડશન્ડ ડબ્બાવાળી આધુનિક મોડેલ્સની કાર દોડશે, જેમાં ડિજિટલ ટિકિટીંગની સાથે આપમેળે બંધ થઈ જતા ઓટોમેટિક ડોર હશે. આ ટ્રામ્સ બેટરી સંચાલિત હશે માટે અગાઉ જેવા ઓવરહેડ ઈલેકટ્રિક પાવર કેબલ ની જરુર નહીં પડે.
ફરી આગમન કરી રહેલી ટ્રામના જે નવાં રૂટ્સ ગોટવાઈ રહ્યાં છે એમાં ટ્રામના ટ્રેક્સ પાટા હવેથી રોડની ડાબી તરફ હશે અને નવા રૂટસમાં દક્ષિણેશ્વર આશ્રમ અને કાલીઘાટના મા કાલીના મંદિરની સાથે અન્ય ધાર્મિક સ્થાનકોને સાંકળી લેતો એક વિશેષ હેરિટેજ ટ્રામ કોરિડોર પણ વિકસાવવામાં આવશે. આ આઈડિયા શ્રધ્ધાળુ બંગાળી બાબુ - બઉદી (ભાભી)ને જબરો ગમી ગયો છે. એ જ રીતે કોલકાતા પોર્ટ બંદર તથા મહાનગરની આસપાસ વિકસી રહેલાં ઉપનગરો સુધી પણ નવી ટ્રામ્સને દોડાવાની પણ યોજના છે અને હવેથી ટ્રામ વધુ ઝડપથી દોડતી હશે એટલે એ પ્રદૂષણ રહિત પર્યાવરણની રક્ષા કરતી આદર્શ પરિવાહન સેવા બની જશે.
ટ્રામને આ મહાનગરમાં પરત લાવવા પાછળ બ્રિટિશ અને આઝાદી લડત વખતના એનાં માત્ર સંસ્મરણો જ નથી. આજે આશરે રોજ અર્ધા કરોડથી વધુ લોકોથી ઊભરાતા આ ગીચ મહાનગરમાં પર્યાવરણ રક્ષક એવાં પરિવાહનોની તાતી જરૂર છે, જેમાં અલ્ટ્રા આધુનિક રૂપ આપો તો બંગપ્રજાની પરિચિત એવી ટ્રામ જેવું વાહન બરાબર બંધબેસી જાય છે.
વર્ષો અગાઉ કોલકાતા જેવી જ ટ્રામ સેવા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન અને ફ્રાન્સનાં અનેક શહેરેમાં હતી. ત્યાં કાળક્રમે બંધ થયા પછી આજે વધુ અલ્ટ્રા આધુનિક ટ્રામ સર્વિસ શરૂ થઈ ગઈ છે અને સફળ પણ રહી છે. કોલકાતામાં પણ બરાબર મેલબોર્ન જેવું જ મોર્ડન ટ્રામ નેટવર્ક ગોઠવવાની યોજના અહીં છે..
બીજા શબ્દોમાં કહીએ તો ટ્રામની આ અલ્ટ્રા આધુનિક ‘ઘરવાપસી’ બાબુ મોશાયોને ખુશ કરી જશે.
આથી પણ વધુ અલ્ટ્રા મોર્ડન હવે આગામી ટ્રામ?
સમાંતર પાટા પર આસ્તે આસ્તે સરકતી ટ્રામ એક જમાનામાં હૈદરાબાદ- મુંબઈ અને કોલકાતામાં ખાસ જનપ્રિય હતી. કાળક્રમે હૈદરાબાદ- મુંબઈમાંથી ટ્રામે વિદાય લીધી અને માત્ર તસવીરોમાં સમેટાઈ ગઈ, પણ બાબુમોશાયના મહાનગર કોલકાતામાં ગોકળગતિ ટ્રામ એક અગત્યનું વાહન - સાધન બનીને ઠાઠથી સરકતી રહી. આથી સહજે છે કે બંગાળી ફિલ્મોમાં એની હાજરી વરતાતી. એટલું જ નહીં, મુબઈની ફિલ્મોમાં પણ અવારનવાર ટ્રામ ડોકિયું કરી જતી.
બહુ જૂનાં ઉદાહરણોને ન વાગોળીએ તો તમને પણ યાદ જ હશે કે ‘પીક્કુ’ ફિલ્મનો ભાસ્કરબાબુ અર્થાત્ આપણા ‘બાબુમોશાય’ અમિતાભ આ શહેરની પોતાની જૂની યાદોને તાજી કરવા સાઈકલ સવારી કરી કોલકાતાની ટ્રામની આસપાસ કેવા ફરતા રહે છે.. !
એ જ રીતે, વિદ્યા સિન્હા પણ એની બહુચર્ચિત ફિલ્મ ‘કહાની’માં ટ્રામ-પ્રવાસ કરે છે. અમિતાભ-વિદ્યાનાં દૃશ્યોમાં માત્ર ટ્રામ જ નજરે ચઢી,પણ સૈફાઅલી ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘બુલેટ રાજા’નું ખાસ્સુ શૂટિંગ થયું ત્યારે કોલકાતાનાં વિશેષ અલગ તરી આવે એવાં કેટલાંક વાહનો, જેમકે ઘોડાગાડી- હાથરિક્ષા અને ટ્રામ સુધ્ધાંમાં હીરો- હીરોઈનને ફરતાં દર્શાવ્યાં છે!
અહીં એક આડ, પણ મજાની વાત જાણી લઈએ કે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં ટ્રામનાં શૂટિંગ અહીં ચોરંગી વિસ્તારના ધર્મતલ્લા- ખિદરપુરના ટ્રામ રૂટ થર્ટી સિક્સ (36) પર જ થાય છે, કારણ કે ત્યાંના લીલાછમ્મ મેદાન વચ્ચેથી ધીમી ગતિએ પસાર થતી બે ડબ્બાની ટ્રામ એક આહલાદક દૃશ્ય સર્જે છે.. ‘બાંગ્લા ટુરિઝમ’ના પ્રચાર માટેની ફિલ્મના બ્રાંડ ઍમ્બેસડર તરીકે શાહરુખ ખાને પણ આ ફેમસ ટ્રામ રૂટ36 પર જ એનાં પરાકાષ્ઠાનાં દૃશ્યો શૂટ કરાવ્યાં હતાં !
વિશ્વવિખ્યાત ફિલ્મસર્જક સત્યજિત રાયની અનેક ફિલ્મોમાં કોલકોતાના હાથરિક્ષા અને ટ્રામની આવન-જાવન સહજ રહેતી. સત્યજીતબાબુએ ‘મહાનગરમાં’ અને અન્ય જાણીતાં દિગ્દર્શક મૃણાલ સેનેપણ એમની ‘ઇન્ટરવ્યૂ’ ફિલ્મમાં ટ્રામનો એક પાત્ર તરીકે બખૂબી ઉપયોગ કર્યો છે.....