જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે એનએસઈ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના આઈપીઓની ચર્ચા વેગ પકડી રહી છે. આ આઈપીઓને રોકાણકાર વર્ગે કઈ રીતે જોવો-મુલવવો જોઈએ એ સમજી લેવા જેવું છે, કારણ કે આર્થિક નિષ્ણાતોની નજરે અહીં લાંબાગાળાના સંપત્તિસર્જન માટે તક છે
જયેશ ચિતલિયા
ભારતીય સ્ટોક એકસચેંજીસમાં એક અલગ સ્વરૂપનું ટ્રાન્સફોર્મેશન આકાર લઈ રહ્યું છે, જે તેને
ગ્લોબલ ફલક પર મૂકશે. દેશનું નંબર વન એક્સચેન્જ નેશનલ સ્ટોક એકસચેંજ (NSE) IPO લાવી રહ્યું છે, પણ નોંધપાત્ર વાત એ છે કે એનએસઈ પોતાને માટે કોઈ ભંડોળ ઊભું કરી રહ્યું નથી, બલકે પોતાના લિસ્ટિંગ મારફત રોકાણકારોના જગતમાં સંપત્તિસર્જન માટેનો અવકાશ ઊભો કરી રહયું છે. આ સાથે મૂડીબજારમાં જબરદસ્ત પરિવર્તનનો નવો તબક્કો પણ શરૂ થશે.
આઈપીઓ વિશે આ હકીકત જાણવી જોઈએ
કોઈપણ કંપનીનો આઈપીઓ આવે ત્યારે રોકાણકારો માટે સૌથી મહત્ત્વની બાબતો એ કંપનીની સ્થાપનાથી લઈ સમગ્ર ઈતિહાસ, નાણાકીય કામગીરી, પ્રમોટર્સનો તેમ જ મેનેજમેન્ટનો ટ્રેકરેકોર્ડ-વિશ્વસનીયતા, સમય સાથે તાલ મિલાવવાની ક્ષમતા, હરીફાઈમાં ટકવાની અને આગળ વધતા રહેવાની શક્તિ, પારદર્શકતા, ગવર્નન્સનું અને કમ્પ્લાયન્સનું સ્તર, ભાવિ લક્ષ્યો, સ્ટેક-શૅરધારકો પ્રત્યેની કટિબદ્ધતા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. અલબત્ત, મોટાભાગના ઈન્વેસ્ટર્સ તેના શૅરના ભાવ વિશે અને એ ભાવ ભવિષ્યમાં કેટલા અને કઈ રીતે વધશે એ વિચાર પહેલાં કરે છે.
ઉપર્યુકત પરિબળોમાં એનએસઈનો આઈપીઓ પાર ઊતરે એવો કહી શકાય. મૂડીબજારનો વ્યાપક વર્ગ જાણે છે કે આ એક્સચેન્જ (તેના એ સમયના મેનેજમેન્ટના ચાક્કસ લોકોને કારણે) સામે થોડાં વરસ પહેલાં બહુ મોટા કો-લોકેશન સ્કેમ સંબંધી વિવાદોનો અને ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા હતા, જોકે ત્યારબાદ જસ્ટ ચાર વરસ પહેલાં એક્સચેન્જમાં સીઈઓ-મેનેજિંગ ડિરેક્ટર તરીકે નેતૃત્વ સંભાળનાર આશિષકુમાર ચૌહાણ અને તેમની નવી મેનેજમેન્ટ ટીમને પગલે આ એક્સચેન્જ નવી ઈમેજ સાથે ઊભરીને દેશમાં તેમ જ વિશ્વમાં ઊંચું સ્થાન ધરાવતું થયું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ખુદ શૅરબજાર પર લિસ્ટેડ થવાનું છે, જેનું લિસ્ટિંગ વર્તમાન નીતિ-નિયમ મુજબ બીએસઈ પર થશે, જેથી તેના શૅર્સના સોદા પણ બીએસઈ પર જ થઈ શકશે. અલબત્ત, હાલમાં બીએસઈના શૅર્સ એનએસઈ પર લિસ્ટેડ છે. જોકે એનએસઈનો પ્રયાસ એ રહેશે કે તેનું લિસ્ટિંગ પોતાના એક્સચેન્જ પર પણ થાય, આ માટે ચોકકસ નીતિવિષયક સુધારા જરૂરી બનશે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે લિસ્ટિંગ સાથે જ એનએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું છઠ્ઠા ક્રમનું મોટું એક્સચેન્જ બની જશે, એક્સચેન્જને તેના આઈપીઓનું વેલ્યુએશન 55 અબજ ડૉલર (5.26 લાખ કરોડ રૂપિયા) મળવાનો અંદાજ છે. આઈપીઓની ઓફર પ્રાઈસનો અંદાજ હાલ તો શેરદીઠ રૂ.2000 થી 2500ની આસપાસ મુકાય છે.
એનએસઈના આઈપીઓની રાહ બે વર્ગ ખાસ જોઈ રહ્યા છે, એક જેમણે આ એક્સચેન્જમાં લાંબા સમયથી પોતાનો હિસ્સો જાળવી રાખ્યો છે અને બીજા જાહેર રોકાણકારો, જેમને આ શૅરમાં રોકાણ કરવાની બાબતને એક આકર્ષક તક માને છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે એનએસઈના વર્તમાન શૅરધારકોમાં ટોચની બેંકો અને નાણાં સંસ્થાઓ ઉપરાંત વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટર્સ સામેલ છે, જેમને આ સ્ટોક્સમાંથી પોતાનું રોકાણ (આંશિક) છૂટું કરીને આટલા વરસના તેમના હોલ્ડિંગનો લાભ લેવો છે. મજાની વાત એ છે કે આ સંસ્થાકીય રોકાણકારોએ એ સમયે સાવ મામૂલી ભાવે એક્સચેન્જના સ્ટોકસમાં રોકાણ કર્યું હતું, જેમને હવે અનેકગણા ઊંચા ભાવને કારણે અનેકગણો લાભ થશે.
ઓફર ફોર સેલ
સૌપ્રથમ આપણે એનએસઈની ઓફરને સમજીએ. એક્સચેન્જે તેની પેઈડ-અપ કેપિટલના માત્ર છ ટકા હિસ્સો (14.89 કરોડ શૅર્સ) ઓફર ફોર સેલ માટે મૂકયો છે. માત્ર રૂપિયા 1 (એક)ની ફેસવેલ્યૂ ધરાવતા આ શૅર્સ વાસ્તવમાં ઓફર ફોર સેલ મારફત બજારમાં લોકોની ખરીદી માટે મુકાઈ રહયા છે.
હવે જ્યારે એનએસઈ લિસ્ટિંગ મારફત મૂડીબજારમાં પ્રવેશી રહ્યું છે ત્યારે સ્ટેકધારક સંસ્થાઓ પોતાનું રોકાણ ભંડોળ મેળવી શકશે. અર્થાત્ આ નાણાં એનએસઈને નહીં, બલકે આ શૅરધારકો -સંસ્થાઓને મળશે. આ વર્ગમાં અગ્રણી બેંકો અને નાણાં સંસ્થાઓ સાથે- સાથે વિદેશી ફંડસ-સંસ્થાઓ પણ સામેલ છે.
એનએસઈની સફળ સાહસ યાત્રા
એનએસઈ ભારતના ઈક્વિટીઝ માર્કેટમાં અને ઈક્વિટીઝ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં (વિશ્વમાં પણ) નંબર વન એક્સચેન્જ છે, તેણે ભારતમાં મૂડીબજારના ટ્રાન્સફોર્મેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમ જણાવતાં ફાઈનાન્સિયલ માર્કેટના અનુભવીઓ કહે છે કે ભારતના સ્ટોક એક્સચેન્જીસના લિસ્ટિંગ મારફત ગ્લોબલાઈઝ થવાનો આ ઉત્તમ સમય છે. બીએસઈ બાદ હવે એનએસઈના લિસ્ટિંગને પગલે ભારતીય સ્ટોક માર્કેટસના જગતમાં મોટા અને વ્યાપક પરિવર્તન જોવાશે. રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં એક્સચેન્જીસના શૅર્સ રાખવાનું પસંદ કરશે.
એનએસઈની સફળતાને પગલે ભારતીય ફાઈનાન્સિયલ માર્કેટ અને તેનાં સાધનો માટે પણ અનેક ગ્લોબલ તક સર્જાશે. એક્સચેન્જની ભૂમિકા ઉદ્યોગસાહસિકોને મૂડી એકત્ર કરવામાં સહાય કરવાની હોય છે. એનએસઇએ પહેલા ડેબ્ટ માર્કેટ અને પછી ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ વિકસાવવા મહત્ત્વના પગલાં લીધાં. તેણે ઘણા દાયકાઓ જૂના પ્રાદેશિક એક્સચેન્જો સાથે સ્પર્ધા કરી, જેમાં વિશ્વાસ, ટૅકનોલૉજી, સંસ્થાકીય માલિકી અને વ્યવસ્થાપન માળખાંએ તેને ટોચના સ્થાને મૂકી દીધું. વધુ વોલ્યુમ, પ્રવાહિતા, પારદર્શકતા જેવી બાબતોથી સંબંધિત વર્ગ એનએસઇ તરફ ખેંચાતા આ એક્સચેન્જ કામકાજમાં અગ્રસર થતું ગયું. આ ઓફર પછી લિસ્ટિંગના ભાવ એક્સચેન્જના સંયોગો અને બજારમાં મૂલ્યાંકન માટે સૂચક બનશે તથા રોકાણકારોને વધુ શિક્ષિત કરશે. એનએસઈ લિસ્ટેડ થવા સાથે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ વર્ગમાં પણ પોતાનો વધુ વિશ્વાસ જગાવી શકશે. વાસ્તવમાં એક્સચેન્જ બિઝનેસમાં રોકાણકારોને ઓછી તક મળે છે, જેથી એનએસઈ એક વધુ તકનું સર્જન કરશે.
એનએસઈનો વ્યાપ ને વોલ્યુમ
આશિષકુમાર ચૌહાણના નેતૃત્વ હેઠળ ભારતીય મૂડીબજારનો વ્યાપ સતત વધ્યો છે. જેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ભારતમાં જેટલા પિનકોડ અસ્તિત્વમાં છે એમાંથી 99.85 ટકા વિસ્તારો સુધી ભારતીય મૂડીબજાર પહોંચ્યું છે. માર્કેટ કેપિટલાઇઝેશન પણ પાંચ ટ્રિલ્યન ડૉલરનો આંક વટાવી ગયું છે. વૈશ્વિક સ્તરે બજારની પ્રવૃત્તિઓની દૃષ્ટિએ સૌથી મોટા એક્સચેન્જ એનએસઈમાં 2200 કરોડ ઓર્ડરનું પ્રોસેસિંગ થાય છે તથા સૌથી વધુ પ્રવૃત્તિના દિવસોમાં 30 કરોડ સોદાઓ થાય છે. એક્સચેન્જ આશરે 3,000 ઈસ્યુઅર કંપનીઓ તથા 25 કરોડ ઇન્વેસ્ટર એકાઉન્ટ ધરાવતા 13 કરોડથી વધુ યુનિક ઈન્વેસ્ટર્સ સાથે કાર્યરત છે.
એનએસઈની કામકાજની આવક (રેવન્યુ) નાણાંકીય વરસ 2026ના અંતે રૂ.16601 કરોડ રહી, જયારે કે ચોખ્ખો નફો રૂ. 10302 કરોડ રહ્યો, જે નાણાકીય વરસ 2024માં અનુક્રમે રૂ. 14780 કરોડ અને રૂ. 8305 કરોડ રહયા હતા. એનએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટી આજે ગ્લોબલ સ્તરે પણ પોપ્યુલર હોવા સાથે પાવરફુલ બ્રાન્ડનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, ગાંધીનગર ખાતેના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટરમાં સ્થપાયેલા તેના ઈન્ટરનેશનલ એક્સચેન્જ મારફત ઈન્ડેક્સ ગિફટ નિફટી પણ સ્થાનિક અને વૈશ્વિક ઈન્વેસ્ટર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાંબાગાળાના રોકાણ અભિગમ સાથે આ શૅરમાં સંપત્તિસર્જન માટેની સંભાવના ભરપૂર જણાય છે. એનએસઈની આ છલાંગ ભારતીય સ્ટોક માર્કેટ, ઈક્વિટી કલ્ટ, વેપાર-ઉદ્યોગ -કોર્પોરેટ સેક્ટર અને ઓવરઓલ અર્થતંત્ર માટે પણ મહત્ત્વની બનશે.
NSE IPO ઓફર પ્રાઈસ - લિસ્ટિંગ
આ લખાય છે ત્યારે મળતા સમાચાર અનુસાર NSEના આઈપીઓને ‘સેબી’ની ફાઈનલ મજૂરી મળી ગઈ છે. તેની ઓફર પ્રાઈસ રૂ.1800-2000ની આસપાસ રહેવાની શકયતા છે, જ્યારે કે તેનું લિસ્ટિંગ આ જ મહિનામાં થઈ જશે.