Mon Jul 13 2026

Logo

કરિયરમાં સફળતાનું રહસ્ય છે એક સારા શ્રોતા બનવું...

2026-07-12 10:07:56
Author: Narendra Kumar
Article Image

કરિયર - નરેન્દ્ર કુમાર

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટના સફળ કૅપ્ટનોમાંના એક ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું એક ખૂબ સારો લિસનર છું. ભલે હું ઘણા વિષયો પર બોલવા માટે સક્ષમ ન હોઉં, પરંતુ હું દરેક વિષયને સાંભળવામાં સહજ અનુભવું છું.’ પોતાના વિચારો સમજાવતાં મહેન્દ્ર સિંહ ધોનીએ એમ પણ સૂચવ્યું કે જે વિષયમાં તમારી જાણકારી ઓછી હોય, તેમાં તમે એક સારા શ્રોતા બની જાઓ એ વધુ જરૂરી બની જાય છે.

સાંભળવામાં આ વાત મામૂલી લાગી શકે છે, પરંતુ એવું નથી. આ વાત એટલી ખાસ છે કે જો આને સફળતાનો ‘સિક્રેટ મંત્ર’ કહેવામાં આવે તો પણ તે અતિશયોક્તિ નહીં ગણાય. જો ધોની પોતે ન પણ કહે, તો પણ તેની સાથેના લોકો કહે છે કે ધોની ખૂબ ઓછું બોલે છે, પરંતુ કોઈ પણ વાતને તે ખૂબ જ ધ્યાનથી સાંભળે છે.

ખરેખર તો આજના સમયમાં એવા લોકોને શોધવા ખૂબ જ મુશ્કેલ છે, જેઓ વધારે બોલવાને બદલે મોટાભાગે શાંત રહે છે, કારણ કે આજના યુગમાં દરેક વ્યક્તિ બોલવા માગે છે, દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપવા માગે છે, કારણ કે દરેક વ્યક્તિ દરેક સમયે પોતાની જાતને સાબિત કરવાના પ્રયત્નમાં રહે છે, પરંતુ દુનિયાના સફળ લોકોની એક ખાસ આદત હોય છે, તેઓ બોલવા કરતાં સાંભળવામાં વધુ રસ ધરાવે છે. આ આદત તેમને માત્ર ગંભીર અને સન્માનનીય જ નથી બનાવતી, પરંતુ પોતાની આ જ આદતને કારણે આવા લોકો વધુ સારા નિર્ણય લેનારા, વધુ સારા ટીમ પ્લેયર અને વધુ સારા ટીમ લીડર બને છે.

સાંભળવું આટલું મહત્ત્વનું કેમ છે?

આ એક સ્વાભાવિક સવાલ છે કે આખરે સાંભળવું આપણા જીવનમાં આટલી મહત્ત્વની ભૂમિકા કેમ ભજવે છે? ખરેખર તો સાંભળવું એ એક કૌશલ્ય છે. આમાં તમે માત્ર સામેવાળી વ્યક્તિની વાત, તેના ભાવો અથવા તેની સમસ્યાને જ નથી સાંભળતા, પરંતુ આ બધી પ્રક્રિયા દરમિયાન તમે તેના અંગત અનુભવોને પણ સાંભળો છો અને તેનાથી ઘણું બધું શીખવાનો પ્રયત્ન પણ કરો છો.

નિષ્ણાતો કહે છે કે જ્યારે આપણે કોઈ વાતને ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે તેના ત્રણ ફાયદા થાય છે:

પહેલો એ કે આપણને નવી માહિતી મળે છે. બીજું ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જાય છે. અને ત્રીજો ફાયદો આપણે જેની વાત ધ્યાનથી સાંભળીએ છીએ, તેની સાથે આપણા સંબંધો ખૂબ સારા બને છે. કરિયરમાં આ ત્રણેય બાબતો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સાંભળનારા લોકો ઝડપથી શીખે છે

જે લોકો અન્ય વ્યક્તિને મહત્ત્વ આપીને તેને ધ્યાનથી સાંભળે છે તેઓ ખૂબ જ ઝડપથી શીખે છે. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ બધું જ નથી જાણતી હોતી. નોકરીના શરૂઆતના દિવસોમાં તો લગભગ દરેક કર્મચારીએ સંસ્થામાં પહેલેથી હાજર કર્મચારીઓ પાસેથી નાની-નાની બાબતો શીખવી પડે છે. આવા સમયે જો કોઈ નવો કર્મચારી સાંભળે ઓછું અને બોલે વધારે, તો તે પોતાના સાથી કર્મચારીઓ પાસેથી શીખવાની તક ગુમાવી બેસે છે. ધોનીની વાત આ બાબતમાં બિલકુલ સાચી છે કે જે વિષયમાં આપણી જાણકારી ઓછી હોય, તેના પર જબરદસ્તીથી પોતાનો અભિપ્રાય આપવા કરતાં વધુ સારું એ છે કે ધ્યાન લગાવીને નિષ્ણાતોને સાંભળવામાં આવે અને સમજવામાં આવે કે આખરે તે વિષય કે બાબત શું છે? ખરેખર તો આવો અભિગમ કોઈ પણ વ્યક્તિને માત્ર નવી વસ્તુઓ શીખવા માટે જ પ્રેરિત નથી કરતો, પરંતુ તેની શીખવાની ગતિ પણ વધારે છે. કોઈ નવા કર્મચારી અને અનુભવી કર્મચારી વચ્ચેનો સૌથી મોટો તફાવત જ્ઞાનનો નથી હોતો, પરંતુ શીખવાની ઇચ્છાનો હોય છે.

સારા લિસનર ભૂલો કેમ ઓછી કરે છે?

ઑફિસમાં મોટાભાગે ગેરસમજો અધૂરી માહિતીને કારણે નહીં, પરંતુ સંવાદના અભાવને કારણે ઊભી થાય છે. બૉસે કોઈ દિશાનિર્દેશ આપ્યા, કર્મચારી કંઈક બીજું જ સમજ્યો અથવા તેણે ધ્યાનથી ન સાંભળ્યું; પરિણામે અધૂરા ધ્યાને સાંભળેલા નિર્દેશોના આધારે કરાયેલું કામ બિનજરૂરી તો બને જ છે, સાથે જ જે લોકો બૉસની વાત ધ્યાનથી નથી સાંભળતા તેમણે કાં તો પહેલાં કરેલા કામની જગ્યાએ નવું કામ કરવું પડે છે અથવા તો સાચું કામ ન કરી શકવા બદલ ઠપકો સાંભળવો પડે છે. જે લોકો ઑફિસમાં બૉસની કે અન્ય કોઈની પણ વાત ખૂબ ધ્યાનથી સાંભળે છે તેઓ માત્ર ઑફિસના દિશાનિર્દેશોને જ વધુ સારી રીતે નથી સમજતા, પરંતુ કઈ વ્યક્તિ સાથે, કયા સમયે, કેવું વર્તન કરવું જોઈએ, તે વાતને પણ સારી રીતે સમજે છે.

કેટલાક લોકોની આદત હોય છે કે જ્યારે કોઈ મહત્ત્વની વાત ચાલી રહી હોય ત્યારે તે વાત પૂરી થાય તે પહેલાં જ તેનાથી સંબંધિત પ્રશ્ર્નો પૂછવાનું શરૂ કરી દે છે. આવા સમયે મોટા ભાગે તેઓ પૂરી વાત સારી રીતે સાંભળી શકતા નથી અને યોગ્ય રીતે સમજી શકતા નથી. ઘણીવાર આવા લોકો પોતાના માટે તો ખરા જ, પણ અન્યો માટે પણ મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે તેમના લીધે બીજા લોકો પણ મહત્ત્વની વાત યોગ્ય રીતે સાંભળી શકતા નથી. ઘણીવાર આવા લોકો એક જ વાત માટે વારંવાર પ્રશ્ર્નો પૂછે છે અને જરૂર પડ્યે સ્પષ્ટીકરણ માગે છે. આવી સ્થિતિમાં, મોટાભાગે એક જ વાત ફરીથી કહેનારી વ્યક્તિ ચીડાઈ જાય છે અને તે તમારા પ્રત્યે સારો ભાવ નથી રાખતી. આનાથી ગેરસમજો પેદા થાય છે. લોકોને એવું લાગે છે કે ફલાણી વ્યક્તિ મારી ઈર્ષ્યા કરે છે અથવા મને શાંતિથી જીવવા નથી દેતી; જ્યારે હકીકત એ હોય છે કે તે વ્યક્તિએ પોતે જ સાચા સમયે પોતાની યોગ્ય પ્રતિબદ્ધતા દર્શાવી હોતી નથી.

સાંભળવું એ ટીમ લીડરની પહેલી શરત છે

જે લોકો કોઈ વાતને ધ્યાનથી સાંભળે છે, તેમને તે વાત ઝડપથી અને વધુ સારી રીતે સમજાય છે. તેથી આ ગુણ ખાસ કરીને એવા લોકોમાં ખૂબ જરૂરી હોય છે જેમણે બીજા લોકો પાસેથી કામ લેવાનું હોય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જેઓ ટીમ લીડર હોય છે, કારણ કે જે વ્યક્તિ કોઈ વાતને વધુ સારી રીતે સમજે છે, તે જ બીજી વ્યક્તિને સારી રીતે સમજાવી શકે છે. યાદ રાખો કે સમસ્યાનો ઉકેલ ત્યારે જ સાચી રીતે મળે છે જ્યારે આપણે તે સમસ્યાને ગંભીરતાથી અને ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ કોઈ સમસ્યાને પૂરેપૂરી સાંભળ્યા વગર જ તેનો ઉકેલ આપવા લાગે છે. આવી પરિસ્થિતિમાં તેઓ પોતે તો ગૂંચવાઈ જ જાય છે, સાથે જ બીજા લોકોને પણ મૂંઝવણમાં મૂકે છે. તેથી ટીમ લીડર હોવાની પહેલી શરત એ છે કે તમે માત્ર કોઈ વાતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો એટલું જ નહીં, પરંતુ તેટલી જ ગંભીરતા અને ફોકસ સાથે બીજાને જણાવો પણ ખરા. જે વ્યક્તિ વાતને ધ્યાનપૂર્વક અને પૂરા મનથી સાંભળે છે, તે ખૂબ જ સરળતાથી સમસ્યાના મૂળ સુધી પહોંચી જાય છે. તેથી તેની સલાહ અને નિર્ણય અસરકારક હોય છે.