આ યુદ્ધે એવી અંધાધૂંધી સર્જી છે કે સમસ્ત વિશ્વની આર્થિક દશા-દિશા બદતર થઈ રહી છે. યુદ્ધબંધીના કરાર દર બીજે દિવસે જે રીતે ફોક થઈ જાય છે એ એક માત્ર અકસ્માત નથી, પણ ઇરાનને એ નેસ્તનાબૂદ કરવા જંગે ચઢેલા અમેરિકા- ઈઝરાયલ અને આરબ દેશોનું એક સશકત સંયુકત ષડ્યંત્ર છે...
કવર સ્ટોરી - વિજય વ્યાસ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સુરસુરિયું થઈ ગયું ને પાછા સામસામા હુમલા શરૂ થઈ ગયા છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાનનાં ઠેકાણાં પર હુમલા કરી રહ્યાં છે તો ઈરાન પણ ઈઝરાયલ ઉપરાંત અમેરિકાના સાથી એવા આરબ દેશોને નિશાન બનાવી રહ્યું છે તેના કારણે મિડલ ઈસ્ટમાં પાછી અશાંતિ ઊભી થઈ ગઈ છે. આ અશાંતિ ક્યારે મટશે એ ખબર નથી પણ અત્યારે તો સૌથી વધારે ચર્ચા એ વાતની થઈ રહી છે કે, આખરે ઈરાન અને અમેરિકા વારંવાર યુદ્ધવિરામ કર્યા પછી કેમ પાછાં યુદ્ધ શરૂ કરી દે છે ?
આ સવાલ વ્યાજબી છે કેમ કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા પછી વારંવાર એવું બન્યું છે કે, બંને દેશે યુદ્ધવિરામની જાહેરાત કરી હોય પણ થોડાક દિવસોમાં પાછાં બંને યુદ્ધ કરવા મંડી પડ્યાં હોય. છેલ્લે તો બંને દેશ 60 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થયેલાં પણ છ દિવસમાં તો તેનું પણ સુરસુરિયું થઈ ગયું તેથી આ સવાલ યોગ્ય છે.
આ સવાલનો જવાબ આરબ દેશો અને ઈઝરાયલ છે.
આરબ દેશો ઈચ્છે છે કે અમેરિકા જ ઈરાનનો ખાતમો કરી નાંખે, તેથી ઈઝરાયલને સાધીને યુદ્ધવિરામ થવા દેતાં નથી.
બીજી તરફ, ઈરાન દુનિયામાં શિયાઓનો એક માત્ર દેશ છે. મુસ્લિમોમાં શિયા અને સુન્નીઓએ વચ્ચે બાપે માર્યાં વેર છે તેથી સુન્ની આરબ દેશોને ઈરાન તાકાતવર બને એ પસંદ નથી. યુદ્ધવિરામના કારણે ઈરાને અમેરિકા અને ઈઝરાયલને નમાવ્યું એવો મેસેજ જાય તેના કારણે દુનિયાભારના મુસ્લિમો ઈરાનને મુસ્લિમો માટે લડનારો દેશ માને તેથી આરબોનું મુસ્લિમો પર વર્ચસ્વ ઘટે તેથી આરબો ઈરાનમાં શાંતિ નથી ઈચ્છતા.
બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થાય, બંને દેશો વચ્ચે મિત્રતા વધે ને આર્થિક સંબંધો ગાઢ બને તો ઈરાનનો વટ વધી જાય એ પણ એક કારણ છે. આરબ દેશો વરસો લગી અમેરિકાના પીઠ્ઠુ બનીને રહ્યા પછી હવે ચીનના પડખામાં ભરાયા છે. અમેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોર ચાલે છે તેથી અમેરિકા અને ઈરાન વચ્ચે દોસ્તી થાય તો ભવિષ્યમાં મિડલ ઈસ્ટમાં ઈરાન સૌથી શક્તિશાળી દેશ તરીકે ઊભરે. ઈરાનનું વર્ચસ્વ વધે એવું આરબો કોઈ કાળે ના ઈચ્છે તેથી યુદ્ધવિરામમાં ફાચર મરાવી દે છે.
ઈરાન સાથે ઈઝરાયલ યુદ્ધવિરામ નથી ઈચ્છતું કેમ કે અત્યારે ઇઝરાયલનો સૌથી મોટો દુશ્મન ઈરાન છે અને ઈઝરાયલમાં આતંકવાદને ભડકાવે છે. એક જમાનામાં સાઉદી અરેબિયા સહિતનાં તમામ આરબ દેશો ઈઝરાયલ સામે એક થઈને લડેલા. આ યુદ્ધોમાં કારમી હાર પછી આરબ દેશોએ પ્રોક્સી વોર શરૂ કરીને મુસ્લિમ આતંકવાદીઓની લડાઈને પોષીને નવો જંગ શરૂ કર્યો. યાસર અરાફત અને અબુ નિઢાલ સહિતના આતંકવાદીઓને આરબ દેશોએ તન-મન-ધનથી મદદ કરીને ઈઝરાયલને વરસો લગી પરેશાન કર્યું પણ બધા મુસ્લિમો ભેગા થઈને પણ ઈઝરાયલને નમાવી ના શક્યા.
શાસકોના આક્રમક મિજાજ, યહૂદીઓની લડાયકતા અને અમેરિકાના સંપૂર્ણ પીઠબળના જોરે ઈઝરાયલે મુસ્લિમ આતંકવાદીઓનો સફાયો કરવા માંડ્યો પછી યાસર અરાફત સહિતના આતંકવાદી હાંફી ગયા ને ઈઝરાયલ સાથે સમાધાન કરી લીધું. આ સમાધાનના ભાગરૂપે વેસ્ટ બેંકમાં અરાફતના ફતહની અને ગાઝા પટ્ટીમાં હમાસનું શાસન છે. અરાફત તો બહુ પહેલાં ગુજરી ગયા, પણ અત્યારે તેમના ચેલકા રાજ ચલાવે છે.
આરબ દેશોએ ઈઝરાયલ સામે બહુ પહેલાં જ હથિયાર હેઠાં મૂકી દીધાં છે. યુએઈ, બહેરીન સહિતના આરબ દેશોએ તો ઈઝરાયલ સાથેની દુશ્મનીને ભૂલાવીને હાથ મિલાવી લીધા છે. સાઉદી અરેબિયા પણ ઈઝરાયલ સાથે સહકાર વધારી રહ્યું છે તેથી ઈઝરાયલ સામે લડતાં હમાસ સહિતનાં કટ્ટરવાદી સંગઠનોને આરબ દેશો પાસેથી પહેલાં જેવી મદદ મળતી નથી. ઈરાને આ તકનો લાભ લઈને ઈઝરાયલ સામે લડતાં આતંકવાદી સંગઠનોને પોષવા માંડ્યાં છે. ઈરાન શિયાઓનો દેશ છે પણ મુસ્લિમ એકતાના નામે સુન્ની કટ્ટરવાદી સંગઠનને પણ મદદ કરે છે.
શિયા કટ્ટરવાદીઓનું આતંકવાદી સંગઠન હિઝબોલ્લાહ તો ઈરાનનું જ બગલબચ્ચું છે. હુથી આતંકીઓ પણ ઈરાને ઊભા કરેલા છે. આ બધાનો ઉપયોગ કરીને ઈરાન દુશ્મન ઈઝરાયલની મેથી માર્યા કરે છે.
ઈઝરાયલ પોતાની રીતે આતંકીઓનો સફાયો કર્યા કરે છે પણ ઈરાનના કારણે એ ટકી રહ્યાં છે તેથી ઈઝરાયલે મૂળ પર ઘા કરીને આતંકવાદીઓને સાવ નોંધારા કરી દેવાની વ્યૂહરચના અપનાવી છે. અમેરિકાએ તેમાં સાથ આપ્યો પણ હવે અમેરિકા પાણીમાં બેસી જાય તો આતંકવાદીઓને પોરો ખાવા મળી જાય તેથી ઈઝરાયલને ધોળે ધરમેય યુદ્ધવિરામ ખપતો નથી. ઈરાનની પીઠ્ઠુ આતંકીઓનો સફાયો કરીને કાયમ માટે શાંતિ કરી દેવાનો તેનો ઈરાદો છે તેથી અમેરિકા ના કહે તો પણ હુમલા ચાલુ રાખ્યા છે.
ઈઝરાયલનો ઈરાદો ઈરાનના પરમાણુ કાર્યક્રમનાં પાટિયાં કાયમ માટે પાડી દેવાનો પણ છે. ઈરાન લાંબા સમયથી પરમાણુ શસ્ત્રો બનાવવા મથી રહ્યું છે. પાકિસ્તાની વિજ્ઞાની ડૉ. અબ્દુ કાદિર ખાનની મદદથી શરૂ કરી પરમાણુ કાર્યક્રમમાં ઈરાન ખાસ્સુ આગળ વધી ગયું છે પણ હજુ ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નથી. ઈરાન પાસે કદીય પરમાણુ શસ્ત્રો ના હોય એવી સ્થિતિ ઈઝરાયલ પેદા કરવા માગે છે કે જેથી ઈઝરાયલ સલામત રહે.
જોકે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો આવી ગયાં એ દિવસે ઈઝરાયલ પર પરમાણુ બોમ્બ ઝીંકીને તેનું અસ્તિત્વ મટાડી દેવામાં ઈરાન પળનો વિચાર નહીં કરે એ નક્કી છે તેથી ઈઝરાયલ ખોટું નથી. ઈઝરાયલ બાવીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો નાનકડો દેશ છે. ગુજરાતનો વિસ્તાર 1.9 લાખ ચોરસ કિલોમીટર છે એ જોતાં ઈઝરાયલ ગુજરાત કરતાં નવના ભાગનો વિસ્તાર ધરાવે છે. આવડા નાના દેશને ખતમ કરવા માટે બે પરમાણુ બૉમ્બ તો બહુ થઈ ગયા.
ઈઝરાયલ દુનિયામાં યહૂદીઓનો એક માત્ર દેશ છે તેથી ઈરાન ઈઝરાયલ પર પરમાણુ બૉમ્બ ફેંકે તો મોટા ભાગના યહૂદીઓ સાફ થઈ જાય. આ સ્થિતિ કદી ના આવે એવું ઈચ્છીએ પણ ના કરે નારાયણ ને એવું થાય તો દુનિયાનો કોઈ દેશ ઈઝરાયલની મદદે ના આવે. ઈરાન પોતાના પર પરમાણુ બૉમ્બ ફેંકી દેશે એ ડરે બધા દેશ વેગળા થઈ જાય. ઈઝરાયલ આ વાત સારી રીતે જાણે છે તેથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને સાવ રફેદફે કરી નાંખવા માગે છે. આ માટે એ સતત બૉમ્બમારો કરી રહ્યું છે કે જેથી ઈરાને વરસોની મહેનત પછી ઊભી કરેલી પરમાણુ બૉમ્બ લેબોરેટરી સાફ થઈ જાય.
અમેરિકા યુદ્ધવિરામ સ્વીકારી લે તો ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સફાયો કરી નાખવાનું અભિયાન પણ બંધ
કરી દેવું પડે તેથી ઈઝરાયલ હુમલા રોકવા તૈયાર નથી. હાથ પર લીધું છે તો પૂરું કરીને જ જંપવાનું એવું નક્કી કરીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાંખવા જ ઈઝરાયલ માગે છે.
આમ જુવો તો ઈઝરાયલની આ વરસો જૂની નીતિ છે. એક જમાનામાં ઈઝરાયલે ભારતને પણ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના કેન્દ્ર એવા કાહુટાને ઉડાવી દેવા માટે તમામ મદદની તૈયારી બતાવી કેમ કે મુસ્લિમ રાષ્ટ્રો પાસે પરમાણુ બૉમ્બ આવી જાય તો કોઈના ન ગાઠે એ ઈઝરાયલ સારી રીતે જાણે છે. આ કારણે એ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના ભુક્કા બોલાવી દેવા માંગતું હતું ને અત્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમને પતાવી દેવા માગે છે તેથી અમેરિકા યુદ્ધવિરામ કરે તો પણ ઈઝરાયલ માન્ય નથી રાખતું.
ઈઝરાયલનું આંતરિક રાજકારણ પણ યુદ્ધવિરામના અસ્વીકાર માટે જવાબદાર છે. ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા બેન્જામિન નેત્યાનાહુ હુમલા બંધ કરી દે ને શાંતિ કરી દે તો તેમની સામેનો કેસ પાછો ખૂલી જાય એટલે નેતાન્યાહુ પોતાની દુકાન ચલાવવા માટે પણ યુદ્ધવિરામ થવા જ નથી દેતા.
આરબ દેશો, અમેરિકા અને ઈઝરાયલ પોતપોતાના સ્વાર્થને કારણે યુદ્ધવિરામ નથી થવા દેતા તેમાં દુનિયાની પત્તર ખંડાઈ ગઈ છે. એક તરફ ક્રૂડનો કકળાટ મચ્યો છે તો બીજી તરફ યુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો આખું એશિયા તેની લપેટમાં આવી જાય એવો ખતરો પણ છે. આ ખતરાને ટાળવા યુદ્ધવિરામ જરૂરી છે પણ યુદ્ધની મમતે ચડેલા આ હિંસક નમૂના માને તો ને ?