Sun Jun 14 2026

Logo

વલો કચ્છ: ભક્તિનો ચરખો ને જીવનનો મર્મ : પ્રભુ ભક્તિના દેખાડા જોને, ‘હિંયડો મૂં લૂણ થેઓ’

2026-06-14 09:34:00
Author: Giriraj
Article Image

 

 

 

- ગિરિરાજ

 

‘કતણ ન સિખઈયેં કાપાતી, કુલા કપા વિઞાઈયેતી?’ (હે કાંતનારી! જો તને સાચું કાંતતા આવડતું નથી, તો પછી આ કપાસ શા માટે બગાડે છે?) અત્યારે પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. આ એ માસ છે જે આપણને લૌકિક દુનિયાની મોહમાયા છોડીને પરમાત્મા તરફ વળવાનો, આત્મખોજ કરવાનો સંદેશ આપે છે. આવી આધ્યાત્મિક વેળાએ સિંધ અને કચ્છના મહાન સૂફી સંત કવિ શાહ અબ્દુલ લતીફ ભટાઈના ‘રસાલા’ (કાવ્યસંગ્રહ) પર નજર કરતાં ભક્તિ વિશે લખવાનું મન થઈ જાય છે. શાહસાહેબે આ લોકજીવનના સાધન ‘રેંટિયા’ અને ‘કાપાતી’ (સૂતર કાંતનારી સ્ત્રી)ના પ્રતીક દ્વારા જીવ અને પ્રભુ મિલનની બહુ ઊંડી વાત કરી છે. શાહ લતીફની આધ્યાત્મિક દૃષ્ટિ કહે છે કે ‘કાંતવું’ એટલે પ્રભુભક્તિ કરવી. આપણું આ આયખું એ કપાસ છે અને આ શ્ર્વાસનો ચરખો છે. આ જિંદગીના રેંટિયા પર આપણે કેવું સૂતર કાંતિયે છીએ તેના પર જ આપણો મોક્ષ નિર્ભર છે.

 

શાહસાહેબ કહે છે કે જે સાધક કપટ વગર, સાચા હૃદયથી પ્રભુભક્તિ કરે છે એટલે કે ‘ઝીણું કાંતે છે’ તેના પરમાત્મા પર એટલો ભરોસો હોય છે કે: ચાંઅત પાએ ચિત્તમેં, સનું કતેઓ જિન, તિનજો સરાફન, ધુકો ધાખલ ન કેઓ. અર્થાત્, જેણે મનની અંદર પૂરી કાળજી રાખીને ઝીણું (શુદ્ધ) સૂતર કાંત્યું છે, તેનું સૂતર તોળવા માટે એ પરમ શરાફે (ભગવાને) ત્રાજવામાં કાટલું પણ મૂક્યું નહીં! એ તો એમનેમ જ સ્વીકારી લીધું. એટલું જ નહીં, જો કોઈ ભક્ત ભોળો છે, તેનામાં બહુ જ્ઞાન નથી અને તે ‘જાડું-મોટું’ સૂતર કાંતે છે, પણ જો તેનામાં સાચી શ્રદ્ધા અને અખૂટ પ્રેમ હોય તો ભગવાન તેનો સ્વીકાર પણ તોલ્યા વગર જ કરી લે છે.

 

અમુક લોકોનાં ભક્તિ  વર્તન જોઈને શાહસાહેબનો તીખો કટાક્ષ યાદ આવે છે: પલે પાયો પૂણિયું, ઘર ઘર ફેરા ડે, કા મૂં કતાએ, આંઉં કાપાઅતી આંઈયાં. એટલે કે પૂણીઓને પોતાના છેડામાં (પાલવમાં) લઈને જે સ્ત્રી ઘેર-ઘેર આંટા ફેરા કરે છે અને પૂછે છે કે ‘કોઈને સૂતર કંતાવવું છે? હું કાપાતી છું!’ તે અસલમાં કાંતતી નથી, માત્ર ડોળ કરે છે. સાચો ભક્ત તો ચરખાનો અવાજ પોતાના શ્ર્વાસને પણ સાંભળવા નથી દેતો! એ ગુપ્તપણે પ્રભુના પ્રેમમાં કંપતો કંપતો કાંતે છે અને એ ભક્તિનું મૂલ્ય હીરા-માણેક કરતાં પણ મોંઘું છે.

 

માનવ જીવન ક્ષણભંગુર છે. આપણને મળેલા આ સોના જેવા હાથોથી જો પ્રભુ સ્મરણ ન કર્યું તો અંતકાળે પસ્તાવાનો વારો આવશે. શાહ લતીફ આપણને ચેતવે છે: કતણજી કા ન કરીએં, સુતી, સાહીએં હડ, સુભાહ ઈંધે ઑચતી, ઈધ ઉઘાડન ગડ... તું આખો દિવસ આળસમાં સૂતી રહીને હાડકાંને આરામ આપે છે અને કાંતવાનું કંઈ કરતી નથી. 

 

યાદ રાખજે, કાલે ઓચિંતી ‘ઈદ’ (મૃત્યુ અથવા હિસાબનો દિવસ) આવીને ઊભી રહેશે. ત્યારે તારી સખીઓ જ્યારે શણગાર સજીને નીકળશે, ત્યારે તું વસ્ત્રવિહીન (પુણ્ય વગરની) શણગાર માટે તલસતી રહી જઈશ. જુવાનીના, ભક્તિ કરવાના દિવસો તો તેં આમનેમ ગુમાવી દીધા. હવે જ્યારે શરીર વૃદ્ધ થશે ત્યારે આ આંખે ભક્તિનો દોરો કેમ પરોવી શકીશ?

 

સમય વહી જાય છે અને એક દિવસ આ મેળો વિખરાઈ જવાનો છે. શાહસાહેબ ભૂતકાળને યાદ કરીને ભાવુક હૃદયે કહે છે:

 

ન સે વોણ વણન મેં, ન સે કાતારિયું,  પસેઓ ભાજારિયું, હિંયડો મૂજો લૂણ થેઓ. હવે ખેતરોમાં એ વણના છોડ (કપાસ) પણ નથી રહ્યા અને એ પ્રેમથી કાંતનારીઓ પણ નથી રહી. એમના વિનાની સૂની બજારો જોઈને મારું હૈયું લૂણ (મીઠા જેવું ખારું) બની ગયું છે. ચરખા વીંખાઈ ગયા છે અને કાંતવાવાળીઓ ક્યાંય ચાલી ગઈ છે.

 

આ બધી ચેતવણીઓ વચ્ચે શાહ અબ્દુલ લતીફ ભટાઈ આપણને એક પરમ આશ્વાસન અને આશાનું કિરણ પણ આપે છે: ચરખો પાંહ જે ચિત્તમેં, ભઈ ભેરેઓ જિન, તોણે કીં ન કતન, ત પ કાંધ ઉનીજો કોડિયો. જે ભક્તના દિલની અંદર ભગવાનનો સાચો ભય અને પ્રેમ છે, જેણે આદરપૂર્વક પોતાના દિલમાં ચરખો ફેરવ્યો છે; તે ભલે સંજોગોવશાત કંઈ કાંતિ ન શક્યો હોય (બહુ ભક્તિ ન કરી શક્યો હોય), છતાં તેનો માલિક - એ પરમાત્મા તેને મેળવવા માટે તલસે છે.

 

અંતમાં... પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસોમાં; આ ફાની દુનિયામાંથી એક દિવસ વિદાય થવાનું જ છે તો આ અવસરનો સદુપયોગ કરીને આપણી આત્મિક મૂડી કમાઈ લઈએ.