જ્યારે પણ સુંદરતા અને પ્રેમની વાત આવે ત્યારે લાલ ગુલાબનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. દર વર્ષે 12મી જૂનના રોજ ખાસ કરીને અમેરિકા અને હવે વૈશ્વિક સ્તરે 'નેશનલ રેડ રોઝ ડે' સેલિબ્રેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ગુલાબને માત્ર ફેબ્રુઆરીના વેલેન્ટાઇન વીક સાથે કે પછી પ્રેમની અભિવ્યક્તિ સાથે જોડીને જુએ છે, પરંતુ જૂન મહિનો એ સમય છે જ્યારે લાલ ગુલાબ પ્રકૃતિમાં પોતાની ચરમસીમા પર ખીલે છે. આ ખાસ દિવસે, ચાલો જાણીએ લાલ ગુલાબ સાથે જોડાયેલા કેટલાક એવા અદભુત ફેક્ટ્સ જે તમારો આ ફૂલ પ્રત્યેનો નજરીયો બદલી નાખશે.
સ્પેસમાં જઈ ચૂક્યું છે ગુલાબ
તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ વર્ષ 1998માં 'ઓવરનાઈટ સેન્સેશન' નામનો એક નાનો ગુલાબનો છોડ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકો એ જાણવા માંગતા હતા કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વગર ગુલાબની સુગંધમાં શું ફેરફાર થાય છે. સ્પેસમાં પહોંચ્યા પછી આ ગુલાબે એક તદ્દન નવી અને અદભુત સુગંધ છોડી હતી, જેનો ઉપયોગ પાછળથી પ્રખ્યાત પરફ્યુમ બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

સફરજન અને બદામ સાથે છે ખાસ કનેક્શન
વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની અનુસાર ગુલાબ એ 'રોઝાસી' ફેમિલીનું મેમ્બર છે. આ એ જ ફેમિલી છે જેમાંથી સફરજન, બદામ, ચેરી, એપ્રિકોટ અને સ્ટ્રોબેરી જેવા ફળો આવે છે. આ જ કારણે ગુલાબની પાંખડીઓ અને તેના ફળનો સ્વાદ થોડો ફ્રુટી હોય છે, એટલું જ નહીં આ કારણે જ તેનો ઉપયોગ ઘણી હર્બલ ચા અને મીઠાઈઓમાં થાય છે.

હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને અબજોની કિંમત
દુનિયાનું સૌથી જૂનું જીવંત ગુલાબ જર્મનીના હિલ્ડશેમ કેથેડ્રલની દિવાલ પર આવેલું છે. માનવામાં આવે છે કે આ ગુલાબનો છોડ આશરે 1000 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. બીજી તરફ, દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ 'જુલિયટ રોઝ' (છે, જેને બનાવવામાં પ્રખ્યાત રોઝ બ્રીડર ડેવિડ ઓસ્ટિનને 15 વર્ષનો સમય લાગ્યો હતો અને વર્ષ 2006માં તેની કિંમત આશરે 60 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી!

લાલ ગુલાબ જ કેમ છે પ્રેમનું પ્રતીક?
રોમન અને ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર, લાલ ગુલાબને પ્રેમની દેવી એફ્રોડાઇટ કે પછી 'વિનસ' સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે એફ્રોડાઇટના આંસુ અને તેના પ્રેમીના લોહીના મિશ્રણમાંથી પૃથ્વી પર લાલ ગુલાબનો છોડ ઉગ્યો હતો. ત્યારથી તેને સાચા અને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

વિટામિન-સીનો ખજાનો
લાલ ગુલાબ માત્ર સુગંધ જ નથી આપતું, પણ તે સ્વાસ્થ્ય માટે પણ રામબાણ છે. ગુલાબની પાંખડીઓ ખરી ગયા પછી જે 'રોઝ હિપ' એટલે કે ગુલાબનું ફળ બચે છે, તે વિટામિન-સીનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની દવાઓમાં થાય છે.
છે ને એકદમ ચોંકાવનારી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...