Sun Jun 14 2026

Logo

ઇંગ્લૅન્ડના ફૂટબોલર્સને વર્લ્ડ કપમાં રમતાં પહેલાં જ ઝટકોઃ બધો સામાન ચોરાઈ ગયો, ફક્ત એક ફૂટબૉલ બચ્યો!

Kansas City   2026-06-13 20:57:13
Author: Ajay Motiwala
Article Image

કૅન્સસ સિટીઃ 1966ના ફિફા વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમની આ વખતના વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ ગ્રૂપ-એલમાં છેક બુધવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 1.30 વાગ્યાથી) ડલાસમાં ક્રોએશિયા સામે રમાવાની છે એટલે તેઓ અમેરિકા પહોંચી ગયા બાદ બને એટલી વધુ પ્રૅક્ટિસ કરવામાં વ્યસ્ત છે, પરંતુ તેમને જંગ પહેલાં જ ચોરીચપાટી કરતી ગૅન્ગનો કડવો અનુભવ થઈ ગયો.

ઇંગ્લૅન્ડની એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ કૅન્સસ સિટીમાં બ્રિટિશ ખેલાડીઓ સ્વૉપ સૉકર વિલેજમાં રહે છે જ્યાં તેમણે પ્રૅક્ટિસ કર્યા પછી જે સામાન (કિટ)રાખ્યો હતો એમાંથી મોટા ભાગની ચીજવસ્તુઓની ચોરી (Theft) થઈ ગઈ હોવાનું મનાય છે. કૅપ્ટન હૅરી કેન અને તેના સાથી ખેલાડીઓના બૂટ, હેડ-કોચ (મૅનેજર) થૉમસ ટકલ (Tuchel)નો પણ સામાન તેમ જ થોડા ફૂટબૉલ આ બધુ ટીમના એક વાહનમાંથી ચોરાઈ ગયું હતું.

કૅન્સસ સિટી પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી અને બે જણને અટકમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. જોકે આ કિસ્સામાં વધુ શકમંદોની ધરપકડ થવાની સંભાવના છે.

ઇંગ્લૅન્ડ બુધવારની પ્રથમ મૅચ બાદ ગ્રૂપમાં બીજી મૅચ 23મી જૂને ઘાના સામે અને 27મી જૂને ત્રીજી મૅચ પનામા સામે રમાશે.