અમરાવતીઃ આપણે ત્યા જાહેર શૌચાલયની સુવિધા મુદ્દે અનેક પ્રશ્નો છે, ત્યારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ બાબતે એક મહત્વનું અવલોકન કર્યું છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોની સુવિધા માટે જાહેર શૌચાલય પૂરા પાડવાની સરકારની બંધારણીય જવાબદારી છે, અને જે સરકાર આવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે તે કલ્યાણકારી રાજ્ય હોવાનો દાવો કરી શકતી નથી.
મળતી વિગતો અનુસાર,કોર્ટે અવલોકન કર્યું કે સ્વચ્છ અને સ્વસ્થ જીવનનો અધિકાર એ બંધારણ દ્વારા આપવામાં આવેલ જીવન જીવવાનાં અધિકારનો એક અભિન્ન ભાગ છે. કોર્ટે આગળ એમ પણ કહ્યું હતું કે સરકારો ફક્ત પૂરતા જાહેર શૌચાલયો બનાવવા માટે જ નહીં પરંતુ તેમની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે પણ બંધાયેલી છે.
આ સમગ્ર વિવાદ બસ ડેપો નજીક શૌચાલયના બાંધકામને રોકવા માટેની અરજી સાથે જોડાયેલો છે. વિઝાગમાં મદ્દીલાપાલેમ બસ ડેપો નજીક ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન (GVMC) ની જમીન પર જાહેર શૌચાલયના બાંધકામને રોકવા માટે દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોને સ્વીકારતા કોર્ટે ઠરાવ્યું કે શૌચાલયો ફક્ત જાહેર સુવિધા માટે બનાવવામાં આવી રહ્યા છે. હાઇકોર્ટે નોંધ્યું કે જાહેર શૌચાલયોની ઉપલબ્ધતા મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરોની ગોપનીયતા અને ગૌરવનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને તેમની સલામતીની ચિંતાઓને દૂર કરે છે. જો કે તેણે ભાર મૂક્યો કે ફક્ત શૌચાલયોનું નિર્માણ પૂરતું નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી છે કે તેઓ સ્વચ્છ રીતે જાળવવામાં આવે. આ સાથે શૌચાલયોના બાંધકામને રોકવાની અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે નાગરિકોના સ્વાસ્થ્ય, ગૌરવ અને જીવનના અધિકારના રક્ષણ માટે જાહેર સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.